પાલનપુર ખાતે PPPના ધોરણે રૂ.37.28 કરોડના ખર્ચે નવનિર્મિત આઇકોનિક બસ પોર્ટનું લોકાર્પણ કરાયું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુરમાં ૨૯૭૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ૩૭.૮૨ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ અને ૧૧૮ કરોડના ખર્ચે નિર્માણ થનારા વડગામ તાલુકાના સીસરાણા ૨૨૦ કે.વી. સબસ્ટેશનનું ઇ-ભૂમિપૂજન કર્યું હતું. રૂ. ૧૧૮ કરોડના ખર્ચ બનનારુ સીસરાણા સબ સ્ટેશન બનાસકાંઠા જિલ્લાના ૨૪ હજાર ખેડૂતો સહિત કુલ ૧ લાખ ૨૦ હજાર ગ્રાહકોને સતત વીજ પૂરવઠો પુરો પાડવામા ઉપયોગી બનશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી. દ્વારા રાજ્યમાં આવા અદ્યતન સુવિધા સભર ૭ આઈકોનિક બસપોર્ટ પી.પી.પી. ધોરણે નિર્માણ થઈને પેસેન્જર સેવામા કાર્યરત છે અને ૧૦ સેટેલાઈટ બસ પોર્ટ નિર્માણાધીન છે.
પાલનપુરમાં ૨૯૭૦૦ ચોરસ મીટર વિસ્તારમાં નિર્મિત આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ કર્યું. સામાન્ય માણસ બસમાં મુસાફરી કરે ત્યારે તેને પણ શ્રેષ્ઠ સુવિધાઓ સાથે એરપોર્ટ જેવો અનુભવ થવો જોઈએ એવી માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની લાગણીને મૂર્તિમંત કરવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. pic.twitter.com/reta5Dw5k2
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 4, 2022
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકહિત, જનકલ્યાણ અને અંત્યોદયના કાર્યોને પ્રાધાન્ય આપે છે. વિકાસના પાયામાં શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા એ ત્રણ બાબત મુખ્ય છે અને તે સૌને મળી રહે તેવું આયોજન સરકારે કર્યું છે.ગામડામાં સારા રસ્તા, સારી આરોગ્ય સેવા, પૂરતી વીજળી આપીને આપણે આ ત્રણેય ક્ષેત્રોમાં અનેક વિકાસ કામો વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમા કર્યા છે એમ પણ તેમણે જણાવ્યું હતું. સામાન્ય માનવી, ગરીબ અને છેવાડાના લોકોને સુવિધા સરળતાથી મળે તેવો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો નિર્ધાર ૮ વર્ષોના તેમના સુશાસનમા પાર પડ્યો છે તેમ મુખ્યમંત્રીએ દ્રઢતા પૂર્વક જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કોરોના મહામારી દરમિયાન એસ.ટી. નિગમના કર્મચારીઓએ આપેલી સેવાઓની સરાહના કરતાં કહ્યું કે ૨૩ હજાર બસ દ્વારા ૬.૯૯ લાખ મુસાફરોને લાભ આપનારા એસ. ટી. ના આ સેવકો અભિનંદનને પાત્ર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ઘરે-ઘરે વીજળી પહોંચાડવાના રાજ્ય સરકારની સફળતાની વિસ્તૃત છણાવટ મુખ્યમંત્રીએ કરી હતી.૧૯૬૦માં ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ૨૦૦૨ સુધીમાં ૭૦૨ વીજ સબ સ્ટેશન બન્યા હતા. બે દાયકામાં રાજ્યમાં ૧૫૪૯ નવા વીજ સબ-સ્ટેશન બન્યા છે એટલે કે દર વર્ષે એવરેજ ૭૮ વીજ સબ સ્ટેશન નિર્માણ થાય છે તેની વિગતો તેમણે આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતને પરિવહન અને ઊર્જા એમ બંને ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની પ્રતિબદ્ધતા મુખ્યમંત્રીએ આ પ્રસંગે વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરું છે કે રાજ્યના છેવાડાના જિલ્લા બનાસકાંઠા જિલ્લાને એરપોર્ટની સુવિધા જેવા બસપોર્ટની આજે ભેટ આપી છે. તેમણે કહ્યું કે, ગુજરાતના સર્વાગી વિકાસ માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. તત્કાલીન મુખ્ય મંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી વિકાસયાત્રાને મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ખુબ તેજ ગતિથી આગળ ધપાવી રહ્યા છે. કૃષિ, પશુપાલન, શિક્ષણ સહિત તમામ ક્ષેત્રોમાં બનાસકાંઠા જિલ્લો આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે, એરપોર્ટ જેવી સુવિધાવાળુ બસપોર્ટ બનવાથી જિલ્લાના ૫ હજાર લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થશે.