ઇજિપ્તમાં ચર્ચમાં આગ પછી નાસભાગ, 41 લોકોના મોતથી હાહાકાર


ઇજિપ્તના ગીઝામાં એક ચર્ચમાં આગ લાગવાને પગલે નાસભાગમાં ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા છે. 5,000 લોકો ચર્ચમાં પ્રાર્થના કરવા માટે એકઠા થયા હતા. આ ઘટના ઈજિપ્તની રાજધાની કૈરોના ગીઝામાં બની હતી. મળતી માહિતી મુજબ બાળકો, ચર્ચના પાદરીઓ અને નાગરિકોના મોત થયા છે. આ ઘટનામાં ઘાયલોની સંખ્યા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આગના કારણે ચર્ચને મોટું નુકસાન થયું છે.

જો કે, ચર્ચમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પરંતુ ઘટના પાછળ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ચર્ચની ઇમારત જૂની હોવાથી આગ ખૂબ જ ઝડપથી ફેલાઇ હતી. આગ લાગતા જ ચર્ચના લોકો દોડવા લાગ્યા હતા અને તેના કારણે નાસભાગ મચી ગઈ હતી. પરિણામે, ઘણા લોકો શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યા.

મૃતકોમાં બાળકો વધુ
આ ઘટના આજે સવારે બની હતી. બાળકોમાં મૃત્યુઆંક વધુ હોવાની શક્યતા છે. હકીકતમાં આ ચર્ચમાં નર્સરી પણ ચાલતી હતી. જો કે, આગની લપેટમાં આવેલા બાળકોનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી. આગની માહિતી મળ્યા બાદ, 15 ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ઘાયલો અને મૃતકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઇજિપ્તના આરોગ્ય વિભાગે જણાવ્યું કે 55 લોકો ઘાયલ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા હોસામ અબ્દેલ ગફારે આ અંગે માહિતી આપી.