પાલનપુરના સદરપુરમાં કપરા સંજોગોમાં ફરીથી જીવનદાતા બની 108
માતા અને બાળકનો જીવ બચાવ્યો
પાલનપુરની 108ની ટીમને સદરપુરમાં એક પ્રસુતાને પીડા ઉપડી હોવાના સમાચાર મળતા જ રાત્રે 3:30 કલાકે 108ની ટીમ એક કિલોમીટર ચાલીને ખેતરમાં પહોંચી હતી. જ્યાં પ્રસુતાને સફળ પ્રસુતિ કરાવીને માતા અને બાળકનો જીવ બચાવી પ્રશંસનીય કાર્ય કર્યું હતું.
પાલનપુર 108ની ટીમને રાત્રે સદરપુર ગામમાં અંદાજે ૦૩:૩૦ વાગ્યાની આસપાસ પ્રસુતા પીડા ઉપડી હોવાનું 108ને કોલ મળ્યો હતો. જેને લઈને ગુજરાત સરકાર દ્વારા ચાલતી નિ:શુલ્ક સેવા 108 એમ્બ્યુલન્સના તાલીમબધ્ધ કર્મચારી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને ત્યાં પહોંચતા દર્દી ના સગા જોડે વાત કરતા ખબર પડી હતી કે, દર્દી સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ નથી. અને દર્દી ને અસહ્ય દુ:ખાવાને કારણે 108 ના EMT ધવલભાઈ અને તેમના સાથી પાઇલોટ મહેન્દ્રભાઈ જરૂરી સ્ટ્રેચર ( સ્પાઇન બોર્ડ, ઝોલી સ્ટેચર, ડિલિવરી કીટ ) લઈને રાત્રીના સમયે અંદાજે ૧ K.M. ચાલી ને ખેતરમાં પહોચ્યા હતા. જ્યાં દર્દી રવીબેન જયંતીભાઈ (ઉંમર વર્ષ ૨૬) ને પ્રસુતિપીડા નો દુ:ખાવો ખુબજ હોવાથી ઘટના સ્થળ પર જ ડિલિવરી કરાવી પડે એવી સ્થિતી હતી. તેથી તત્કાલિક 108 અમદાવાદ સ્થિત ERCP ડૉકટર ની સૂચના હેઠળ સફળ ડિલિવરી કરાવી હતી. જેમાં પ્રસુતાએ દીકરીને જન્મ આપ્યો હતો. પરંતુ બાળક રડતું ન હોવાથી નિયોનેટલ કેર અને ઓકસીજન ઓછુ હોવાથી ઓકસીજન આપવામાં આવ્યો. બેબીના મોઢામાં વધુ પ્રવાહી હોવાથી સકશન વડે ક્લીન કરીને તત્કાલિક ૧૦૮ના પાઈલોટ મહેન્દ્રભાઈની સ્ટ્રેચર પર લઈને એમ્બ્યુલન્સમાં લીધા બાદ વધુ સારવાર આપીને પાલનપુર સિવિલ હૉસ્પિટલમાં પહોચાડ્યા હતા. આમ 108ની ટીમે પ્રસુતા અને બાળકી બન્નેનો જીવ બચાવી પ્રસંશનીય કાર્ય કર્યું હતું.