રાજ્યભરમાં આગામી તા.26 ફેબ્રુઆરીના રોજ જીપીએસસી દ્વારા લેવામાં આવનાર વર્ગ-2ની મદદનીશ ઈજનેરની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા અયોગ દ્વારા આજે સોમવારે મોડી સાંજે આ અંગે એક પરિપત્ર જાહેર કર્યો છે અને તેની સત્તાવાર જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે એક તરફ હાલમાં રાજ્યભરમાં જુનીયર કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટવા બાબતે સરકાર અને પંચાયત વિભાગ ઉપર ઉમેદવારોનો રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક પરીક્ષા મોકૂફ રહી છે. હાલ પરીક્ષા મોકૂફ બાદ આગામી દિવસોમાં તેની નવી તારીખની સત્તાવાર જાહેરાત વેબસાઈટ ઉપર કરવામાં આવશે.
શું છે પરીક્ષા મોકૂફ રાખવાનું કારણ ?
આગામી 26 ફેબ્રુઆરીના રોજ રાજ્યભરમાં જીપીએસસી દ્વારા મદદનીશ ઈજનેરની પરીક્ષા લેવામાં આવનાર હતી પરંતુ આ જ દિવસે સ્ટાફ સિલેક્શન કમિશનની જુનીયર ઈજનેરની પરીક્ષા પણ યોજાવાની છે. ત્યારે કોઈપણ ઉમેદવાર જેમણે બંને પરીક્ષાઓ માટે ફોર્મ ભર્યા હોય તેઓની મહેનત એળે ન જાય અને બંને પરીક્ષા તેઓ આપી શકે તેવા હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.