પાક રક્ષણ માટે સોલાર ફેન્સીંગ બનાવવા સહાય અપાશે : રાજ્ય સરકારની જાહેરાત
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેની જાહેરાત કૃષિ મંત્રી દ્વારા કરવામાં આવી હતી. ખેડૂતોનો સર્વાંગી વિકાસ એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે તેમ જણાવતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે રાજ્ય સરકારના ખેડૂત હિતલક્ષી વધુ એક મહત્વના નિર્ણય વિશે કહ્યું કે, ખેતી પાકના રક્ષણ માટે ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય અપાશે.
કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય
કૃષિમંત્રીએ નિર્ણય વિશે જણાવતા કહ્યું કે, સોલાર પાવર યુનિટ/કીટમાં ગુણવત્તા યુક્ત ENERGIZER, સોલાર પેનલ, બેટરી, EARTHING SYSTEM, HOOTER(એલાર્મ), MODULE STAND ની ખરીદી માટે ખેડૂતને કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે. આ માટે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર તા.૧૦ સપ્ટેમ્બર ૨૦૨૨થી એક માસ સુધી ખેડૂત અરજદાર ઓનલાઈન અરજી કરી શકશે.
કોને મળી શકે છે સહાય ?
વધુમાં રાઘવજીભાઈએ ઉમેર્યું કે, વન્ય/રખડતાં પ્રાણીઓથી થતાં પાકના નુકસાનને અટકાવવા માટે લોખંડની કાંટાળી તારની વાડની યોજના રાજ્યભરમાં અમલી છે. આ યોજનામાં ક્લસ્ટરના ધોરણે ખેડૂતોને લાભ મળે છે, પરંતુ તેના સ્થાને રાજયના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે કે જે ખેડૂતોએ કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધો નથી તેમને આ સહાય આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.
નવી યોજના માટે કુલ રૂ.૨૦૦૦ લાખની જોગવાઈ
મંત્રી રાઘવજીભાઈએ વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે કૃષિમાં અનેકવિધ નવા આયામો-સુધારા અમલી બનાવ્યા છે. વડાપ્રધાનના આ સંકલ્પને સાકાર કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી સંદર્ભેની નવી યોજના માટે કુલ રૂ.૨૦૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે કુલ ૧૩,૦૭૦ ખેડૂત ખાતેદારને વન્ય/રખડતાં પ્રાણીઓથી પાકના રક્ષણ માટે સહાયરૂપ થવા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કેવી રીતે સહાય માટે કરી શકાશે અરજી ?
વધુમાં મંત્રી રાઘવજીભાઈએ કહ્યું કે, લાભ લેવા ઈચ્છતા ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ વહેલા તે પહેલાના ધોરણે ફાળવેલ લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ પોર્ટલ પર સ્વીકારવામાં આવશે. ખેડૂતો ખેતર પર રહી પાકની રખેવાળી કરવાને બદલે ખેતર ફરતે સોલાર ફેન્સીંગ થકી ઊભા પાકના રક્ષણ કરી શકે તેવા ઉદ્દેશ સાથે શરૂ કરાયેલી આ યોજનાનો વધુને વધુ ખેડૂતોને લાભ લેવા કૃષિમંત્રીએ અનુરોધ કર્યો છે.