ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

સુરતના તત્કાલિન ટાઉન પ્લાનરની આવક કરતા 56.7 ટકા વધુ સંપત્તિ, ACBએ ગુનો દાખલ કર્યો

Text To Speech

સુરત, 12 સપ્ટેમ્બર 2024, રાજકોટમાં થયેલી TRP ગેમઝોન દુર્ઘટના બાદ મ્યુનિસિપાલિટીના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયાની ધરપકડ કરીને તેની સંપત્તિની તપાસ કરવામાં આવી હતી. ACBએ તપાસ શરૂ કરતાં 2012ની સાલથી લઈ 2024ની સાલ દરમિયાન સાગઠિયાએ તેની દેખીતી આવક કરતાં ભ્રષ્ટ રીતરસમો અપનાવી 10.55 કરોડની અપ્રમાણસર મિલકતો એકત્રિત કર્યાનું બહાર આવતાં ગુનો દાખલ કર્યો હતો. હવે સુરતના તત્કાલિન ટાઉન પ્લાનર કૈલાશ લાહનાભાઈ ભોયા સામે વડોદરા ACB દ્વારા ભ્રષ્ટાચાર અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

બેંક ખાતાની વિગતો મેળવીને ઊંડી તપાસ હાથ ધરવામાં આવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના તત્કાલિન ટાઉન પ્લાનર કૈલાશ લાહનાભાઈ ભોયા સામે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપોના પગલે ACB વડોદરા બ્યુરો દ્વારા તેઓની મિલકત અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. વડોદરા એસીબી દ્વારા તારીખ 1 એપ્રિલ 2012થી 31 માર્ચ 2020 સુધીના સમયગાળા દરમિયાન કૈલાશ ભોયાની મિલકતના પુરાવા તેમજ બેંક ખાતાની વિગતો મેળવીને ઊંડી તપાસ હાથ ધરવામાં આવી હતી.

આવક કરતા 1.75 કરોડની વધુ સંપત્તિ વસાવી
ACBના નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરાતા કૈલાશ ભોયાની કાયદેસરની કુલ આવક 2.75 કરોડ હતી, જેની સામે તેમને પોતાના અને પરિવારજનોના નામે કુલ રોકાણ અને ખર્ચ 4.33 કરોડનો કર્યો હતો. આમ આવક કરતા 1.75 કરોડની વધુ સંપત્તિ વસાવી હોવાનું બહાર આવ્યું હતું. અગાઉ વડોદરામાં પણ ફરજ બજાવી ચૂકેલા કૈલાશ ભોયાએ 56.7 ટકા વધુ મિલકતો ભ્રષ્ટાચારથી વસાવી હોવાનું ફલિત થતાં કૈલાશ ભોયા સામે આવક કરતા વધુ મિલકતનો ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

આ પણ વાંચોઃઅમદાવાદમાં ESICના આસિ. ડાયરેકટરને 3 લાખની લાંચ લેતા ACBએ ઝડપ્યા

Back to top button