રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી મામલે વિવિધ તર્કવિતર્ક ચાલી રહ્યા છે. આ તરફ કેન્દ્રીય ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ આજથી બે દિવસ ગુજરાત મુલાકાતે છે. બે સભ્યોનું કમિશન રાજકીય પાર્ટીઓ સાથે બેઠક કરશે અને તેમની સાથે ચર્ચાઓ કરશે. બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આણંદમાં એક કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં કહ્યું કે, નવેમ્બર મહિનાનાં અંત સુધીમાં ચૂંટણી પૂરી થઈ જશે, પણ તારીખ જાહેર કરવાની સત્તા મારી પાસે નથી. જેથી વિવિધ અટકળો લાગી રહી છે.
આ તરફ જો હાલની સ્થિતિ જોવામાં આવે તો ગાંધીનગરથી લઈ દિલ્હી સુધી તમામ મોર્ચે વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જો અગાઉની તારીખો જોવામાં આવે તો 2017 માં 25 ઓક્ટોબરે ચૂંટણીની જાહેરાત થઈ હતી અને 9 અને 14 ડિસેમ્બરે મતદાન યોજાયુ હતું. જે પછી સરકારનું ગઠન થયું હતું.
આ પણ વાંચો : ચૂંટણી પહેલા તંત્રનો ધમધમાટ: આજથી 2 દિવસ કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમના ગુજરાતમાં ધામા
ખાસ વાત એ છેકે ગાંધીનગર ખાતે 18 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર દરમિયાન ડિફેન્સ એક્ષ્પોનું આયોજન થઈ રહ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ કેન્દ્રીય મંત્રીઓ હાજર રહી શકે છે. જેથી વિધાનસભાની ચૂંટણી 20 ઓક્ટોબર બાદ જ જાહેર થઈ શકે છે. તેમજ દિવાળી પણ 24 ઓક્ટોબરના છે આ વચ્ચે ચૂંટણીનો ધમધમાત ત્યારે જોવા મળી છે. આ સાથે જ નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બરમાં ચૂંટણીનું આયોજન થઈ શકે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.
હાલ તમામ રાજકીય પક્ષો પોતાની રીતે ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે અને ચૂંટણી પ્રચારની ગતિવિધિઓ તેજ બની છે. જ્યારે કોંગ્રેસના પ્રિયંકા ગાંધીથી લઈ વરિષ્ઠ નેતાઓ નવરાત્રિથી ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો પ્રવાસ કરવા જઈ રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી છેલ્લા 2 મહિનાથી સતત ગુજરાત પ્રવાસ કરી પોતાની પાયાની જમીન બનાવી રહ્યા છે. એટલે ચૂંટણી માટે તમામ પક્ષોની તૈયારી પણ શરૂ છે.
આ પણ વાંચો : અમદાવાદમાં ભાડજ સર્કલ પર 73.33 કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજનું અમિત શાહે કર્યું લોકાર્પણ