ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિધાનસભા ચૂંટણી : મધ્યપ્રદેશની 230 અને છત્તીસગઢની 70 બેઠકો પર મતદાન શરૂ

  • મધ્યપ્રદેશમાં 2533 અને છત્તીસગઢમાં 958 ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ
  • છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 76.47 ટકા જેટલું થયું હતું મતદાન

વિધાનસભા ચૂંટણી 2023 : મધ્યપ્રદેશની 230 અને છત્તીસગઢની 70 બેઠકો પર આજે મતદાન શરૂ થયું  છે. મધ્યપ્રદેશમાં 2533 અને છત્તીસગઢમાં 958 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. ચૂંટણી પંચ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મધ્યપ્રદેશમાં 64, 626 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. છત્તીસગઢમાં 70 બેઠકો પર આ બીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે જ્યારે 20 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન 7 નવેમ્બરે યોજાયું હતું. છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 76.47 ટકા મતદાન થયું હતું. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

 

મધ્યપ્રદેશમાં વિધાનસભાનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે.  જ્યારે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થયું હતું. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં બપોરે 3 વાગ્યા સુધી જ મતદાન થશે.

 

 

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કેટલા મતદારો કરી રહ્યા છે મતદાન?

Chhattisgarh
Chhattisgarh Second Stage Voting

મધ્યપ્રદેશના આ એક તબક્કામાં થઈ રહેલા મતદાનમાં 5.60 કરોડ મતદારો ભાગ લઈ રહ્યા છે. કુલ 2,533 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. જ્યારે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 70 બેઠકો પર 1,63,14,479 મતદારો કુલ 958 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે, જેમાં 827 પુરૂષો, 130 મહિલાઓ અને એક અન્યના ઉમેદવારનો સમાવેશ થાય છે. મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થયું હતું, જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.

 

 

PM મોદીએ બધાને મતદાન કરવાની કરી અપીલ

પીએમ મોદીએ મધ્યપ્રદેશ ચૂંટણીને લઈ ટ્વિટ કરીને લખ્યું કે, “આજે મધ્યપ્રદેશની તમામ વિધાનસભા સીટો માટે મતદાન થશે. મને વિશ્વાસ છે કે, રાજ્યના દરેક ક્ષેત્રના મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરશે અને લોકશાહીના આ મહાન તહેવારની સુંદરતામાં વધારો કરશે. આ ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનાર રાજ્યના તમામ યુવાનોને મારી ખાસ શુભેચ્છાઓ.”

પીએમ મોદીએ છત્તીસગઢ ચૂંટણીને લઈ ટ્વિટ કરીને કહ્યું કે, “ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. હું તમામ મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરું છું. તમારો દરેક મત લોકશાહી માટે મૂલ્યવાન છે.”

આ પણ વાંચો :રાજસ્થાનમાં ભાજપનો ચૂંટણી ઢંઢેરોઃ ગેરંટીની કહાની, વચનોની લહાણી

Back to top button