ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી : છેલ્લી પાંચ ટર્મમાં થયું સરેરાશ આટલું મતદાન, જાણો આંકડા
ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી આગામી પહેલી અને પાંચમી ડિસેમ્બરે યોજાવા જઈ રહી છે. ત્યારે ગત પાંચ ચૂંટણીઓના લેખા જોખા જોઈએ તો વર્ષ 1998 થી અત્યારસુધી વર્ષ 2012 માં 71.20% સૌથી વધુ મતદાન નોંધાયું હતું. આ ઉપરાંત મતદાતાઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આજે અમે તમને અહીં આ આંકડાકીય માહિતીથી અવગત કરાવવાના છીએ.
1998 માં 2.87 કરોડ મતદાતાઓ 24 વર્ષે 4.91 કરોડ થયા
વર્ષ 1998 માં મતદાતાઓની સંખ્યા 2 કરોડ 87 લાખ જેટલી હતી. જે 24 વર્ષ બાદ 2022 ની ચૂંટણીમાં વધીને 4 કરોડ 91 લાખથી વધુ થઈ છે. 18 વર્ષ પૂર્ણ કરતા યુવાનોને પણ મતાધિકાર પ્રાપ્ત થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ અભિયાન ચલાવી પહેલી જાન્યુઆરી 2022 થી પહેલી ઓક્ટોબર 2022 સુધીમાં 18 વર્ષ પૂર્ણ કરતા નવા 3 લાખ 24 હજાર 420 મતદારોના ઉમેરા સાથે ગુજરાતમાં કુલ 4,91,17,708 મતદાતા નોંધાયા છે.
કઈ ટર્મમાં કેટલું મતદાન થયું ?
ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ પૈકી છેલ્લી પાંચ ટર્મમાં યોજાયેલ મતદાનનું પ્રમાણ જોઈએ તો વર્ષ 1998 માં 59.30%, વર્ષ 2002 માં 61.54%, વર્ષ 2007 માં 59.77%, વર્ષ 2012 માં 71.30% તથા ગત ચૂંટણી 2017 માં 68.39% મતદાન થયેલું હતું. છેલ્લી પાંચ ચૂંટણીઓમાં સરેરાશ મતદાન 64.04% જોવા મળ્યુ છે.