કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022
વિધાનસભા ચૂંટણી આવી ! જૂનાગઢમાં યોજવામાં આવી ઈલેક્શન મીટિંગ
આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ધ્યાનમાં રાખી જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે કલેકટરના અધ્યક્ષસ્થાને મતદાન નોંધણી અધિકારી, બીએલઓ, સુપરવાઇઝરની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
છેલ્લા છ મહિનામાં થયેલ મતદાર જાગૃતિની કામગીરીની પણ સમીક્ષા કરાઈ
આ બેઠકમાં મતદારયાદીમાં નામ નોંધણી, નામ કમી, નબળા બૂથની કામગીરી ધરાવતા બી.એલ.ઓને કલેકટર દ્રારા સૂચના અપાઈ હતી. તેમજ હોમ ટુ હોમ વીઝીટ દરમિયાન મતદાર યાદીમાં નોંધણીમાં કોઈ બાકી ન રહે, તેમજ મતદાન નોંધણી અધિકારીને મતદાન યાદી સંપૂર્ણ ક્ષતિરહિત બનાવવા પણ માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત બીએલઓ દ્વારા થતી હોમ ટુ વિઝીટની કામગીરીમાં મુખ્ય ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ સ્થળાંતર થયેલ, મૃત્યુ પામેલ અને ગેરહાજરની યાદી બનાવવા તા.૧-૧-૨૦૨૨ની તારીખે પાત્રતા ધરાવતા મતદારોની નોંધણી, તા.૧-૧૦-૨૦૨૨ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારોની યાદી, તેમજ પર્સન વીથ એબીલિટીને મતદાન દરમિયાન વિશેષ સુવિધા મળી રહે એ માટે સોફ્ટવેર પર ટેગ કરવા પણ સુચના આપવામાં આવી હતી. તેમજ સ્વીપ અંતર્ગત થતી લોકોમાંથી મતદાન જાગૃતિ, પ્રસાર – પ્રચારની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
સૌથી ઓછા ફોર્મ કલેક્શન થનાર ૩૩૪ બુથનું એનાલિસિસ કરાયું
જૂનાગઢ જિલ્લામાં કુલ ૧૩૪૬ બુથ છે. છેલ્લા ૬ મહિનામાં એટલે કે તા.૧૬ જુલાઇ સુધીમાં ૩૩૪ બુથ એવા આઇડેન્ટીફાઇ થયા હતા જ્યાં ફોર્મ કલેક્શન ઝીરો હતું. તા.૧૬ થી ૧૮ જુલાઇ એમ ૩ દિવસ સુધી એમા એનાલીસીસ કરી અને બીએલઓ, સુપરવાઇઝર પાસેથી ફોલોઅપ લેવામાં આવ્યું હતું. જેના લીધે હવે ૩૩૪માંથી માત્ર ૧૦૯ બુથ બાકી રહ્યા છે. ૨૨૫ બુથમાંથી ફોર્મ કલેક્શન થઇ ગયું છે. તેમ કલેકટર રચિત રાજે જણાવ્યું હતુ.