ઉત્તર ગુજરાતચૂંટણી 2022

વિધાનસભા ચૂંટણી 2022 : બનાસકાંઠામાં નવ પૈકી ભાજપ પાસે માત્ર બે બેઠક, આ વખતે એડીચોટીનો જોર લગાવશે

પાલનપુર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયા બાદ હવે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી પણ થઈ રહી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય પાકિસ્તાન સીમા અને આંતર રાજ્ય રાજસ્થાન સીમાને અડીને આવેલો ગુજરાતનો સરહદી જિલ્લો બનાસકાંઠામાં નવ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતમાં સરહદે આવેલા આ જિલ્લાની 9 બેઠકોમાં જોવા જઈએ તો વાવ, થરાદ, ધાનેરા, દાંતા, વડગામ, પાલનપુર, ડીસા, દિયોદર અને કાંકરેજ બેઠકનો સમાવેશ થાય છે.

હાલની સ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાની નવ બેઠકો પૈકી સાત બેઠકો પર કોંગ્રેસનો કબજો છે. જ્યારે ભાજપ પાસે માત્ર ડીસા અને કાંકરેજની બે જ બેઠકો છે. જેમાં કાંકરેજ બેઠક ઉપરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી તરીકે બિરાજમાન છે. જ્યારે ડિસામાંથી શશીકાંત પંડ્યા ચૂંટાયેલા હતા. જિલ્લા પંચાયતમાં કુલ 66 બેઠકો પૈકી વર્તમાન સમયે કોંગ્રેસ પાસે 36 બેઠકો સાથે સત્તા સ્થાને છે. અને ભાજપ પાસે 30 બેઠકો છે. આમ ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસની પકડ છે. જ્યારે લોકસભા બેઠકમાં વડગામ વિધાનસભાનો પાટણ લોકસભા બેઠકમાં સમાવેશ થાય છે. પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠકનો બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ થાય છે. બેઠકની સૌ પ્રથમ વાત કરીએ વાવ બેઠકની….

vidhansabha banaskantha population hum Dekhenge News

7- વાવ :

વાવ બેઠક બનાસકાંઠા જિલ્લાની 7-વાવ બેઠક તરીકે ઓળખાય છે. જિલ્લાનો સરહદી તાલુકો છે. આ વિસ્તારમાં મોટાભાગે પશુપાલન અને કૃષિ મુખ્ય વ્યવસાય છે. હવે નર્મદા કેનાલનું નેટવર્ક ગોઠવાતા ખેતીની અલગ -અલગ સીઝનમાં ખેડૂતો પાક લઈ શકે છે.

રાજકીય ઇતિહાસ શું?

વાવનો રાજકીય ઇતિહાસ જોઈએ તો વાવના શાસકો રાજસ્થાનના સાંભર અને નાંદોલ થી આવ્યા હતા. અને હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ સાથેના સંબંધ હોવાનો દાવો થઈ રહ્યો છે. વાવ સ્ટેટની સ્થાપના 1268માં થઈ હતી. વાવનું નામ રાણા મેહપાલજી દ્વારા બાંધવામાં આવેલી વાવ ઉપરથી પડ્યું હતું.

વાવ બેઠકમાં વાવ તાલુકો, ભાભર તાલુકો, પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનું કેસરગઢ તેમજ સુઈગામ તાલુકાનો સમાવેશ થાય છે. આ બેઠક ઉપર પરંપરાગત રીતે કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે. 1972 થી 2017 સુધીમાં કોંગ્રેસ સાત વખત આ બેઠક જીતવામાં સફળ રહ્યું છે. જ્યારે 2007 અને 2012માં બે વખત કોંગ્રેસ પાસે આ બેઠક ભાજપના ઉમેદવારે છીનવી લીધી હતી. 2012 ની ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારમાં આરોગ્ય મંત્રી તરીકે રહી ચૂકેલા સહકારી આગેવાન શંકરભાઈ ચૌધરી વિજેતા થયા હતા. જેમને 72,640 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને 60729 મત મળતા શંકરભાઈ ચૌધરી 11,911 મતની લીડથી વિજેતા બન્યા હતા.

જ્યારે 2017માં ગેનીબેન ઠાકોરે ભાજપના શંકરભાઈ ચૌધરી સામે 6,655 મતની લીડ મેળવી પરાજિત કર્યા હતા. જેમાં ગેનીબેન ઠાકોરને 1,02,328 મત જ્યારે શંકરભાઈ ચૌધરીને 95,673 મત મળ્યા હતા. જેમાં કોંગ્રેસનો વોટ શેર 49.00 ટકા અને ભાજપનો વોટ શેર 45.80 ટકા રહ્યો હતો.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કચ્છની 6 બેઠક પર કોનું છે પ્રભુત્વ, શું છે રાજકીય સમીકરણ

સામાજિક સમીકરણો

વાવ બેઠકનું સામાજિક સમીકરણ જોઈએ તો ઠાકોર જ્ઞાતિના 70,000 થી વધુ મતદારો છે. જ્યારે પટેલ 40 હજાર, દલિત 33,હજાર, બ્રાહ્મણ 14 હજાર, રબારી 21 હજાર, રાજપુત 12000 અને અન્ય જ્ઞાતિઓમાં પ્રજાપતિ, દરબાર, માળી, મુસ્લિમ, સુથાર સહિત ઇતર જ્ઞાતિના અંદાજે 45000થી વધુ મતદારો છે. આ બેઠક પર ઠાકોર, પટેલ અને દલિત પરિવાર પ્રભાવી મતદારો ગણાય છે.

કુલ કેટલા મતદાર?

વિધાનસભા ચૂંટણી 2022 : બનાસકાંઠામાં નવ પૈકી ભાજપ પાસે માત્ર બે બેઠક, આ વખતે એડીચોટીનો જોર લગાવશે -humdekhengnews

વાવ બેઠકની 2022 ની સ્થિતિ પ્રમાણે મતદારોની સંખ્યા જોતા 1,57,819 પુરુષ મતદાર અને 1,44,199 મહિલા મતદાર મળીને કુલ 3,02,019 મતદારો નોંધાયા છે.

આ વખતની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી ભારે રસપ્રદ બની રહે તેવી સંભાવના છે. અહીંયા ગેનીબેન ઠાકોર તેમના મત વિસ્તારના લોકોના પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવતા રહ્યા હતા. અને કેટલાક નિવેદનોને લઈને વિવાદમાં પણ રહ્યા હતા. નાના -મોટા પ્રસંગે સ્થાનિક લોકો વચ્ચે રહેતા હોવાથી તેમજ ઠાકોર સમાજના મતદારો બહુમતી મતદારો હોવાથી તેનો પણ તેમને લાભ મળે છે.

વિધાનસભા ચૂંટણી 2022 : બનાસકાંઠામાં નવ પૈકી ભાજપ પાસે માત્ર બે બેઠક, આ વખતે એડીચોટીનો જોર લગાવશે -humdekhengnews

8- થરાદ :

ગુજરાત વિધાનસભાની 182 બેઠક પૈકી થરાદ બેઠક આઠ નંબરની બેઠક છે. થરાદનો બનાસકાંઠા લોકસભા બેઠકમાં સમાવેશ થાય છે. વર્ષ 2008ના સીમાંકન પછી વાવ થી થરાદ અલગ પડતા 8-થરાદ બેઠક તરીકે અસ્તિત્વમાં આવી હતી. જેમાં થરાદ અને લાખણી તાલુકા નો સમાવેશ થાય છે. થરાદ તાલુકાનું વહીવટી કેન્દ્ર છે. અહીંયા મુખ્યત્વે કૃષિ અને ડાયમંડ પોલિસીંગનો ઉદ્યોગ છે.

થરાદનો રાજકીય ઇતિહાસ

થરાદનો રાજકીય ઇતિહાસ જોવા જોઈએ.. તો આઝાદી પૂર્વે 10 મી સદી સુધી અહીંયા પરમારોનું રાજ્ય હતું. ત્યારબાદ 1304 સુધી સોલંકી અને ચૌહાણોનું રાજ્ય હતું. ત્યારબાદ 1403 થી 1573 સુધી મુઘલો અને લોહાણી તથા બાબી વંશ નીચે આ રાજ્ય હતું. રાધનપુરના નવાબ કમાલુદ્દીને મોરવાડાના ખાનજી વાઘેલાને તેમની સારી સેવા બદલ થરાદની જાગીર 1795 માં આપી હતી. ત્યારથી 1947 સુધી આ વંશના રાજાઓનું અહીંયા શાસન હતું. 1921 માં છેલ્લા રાજા ભીમસિંહ ગાદીએ બેઠા હતા. થરાદનું પ્રાચિન નામ થિરપુર હતું. બનાસકાંઠા જિલ્લાના લોકસભાના સાંસદ પરબતભાઈ પટેલ થરાદ તાલુકા ના ભાચર ગામના વતની છે. જ્યારે જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું પણ વતન થરાદ છે.

આ પણ વાંચો : ગુજરાતનું હૃદય અમદાવાદ શહેરના વિધાનસભા ચૂંટણીના લેખાજોખા – પાર્ટ 2

આ બેઠક પર 2012માં ભારતીય જનતા પાર્ટીના પરબતભાઈ સવાભાઈ પટેલને 68,517 મત મળ્યા હતા. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર પટેલ માવજીભાઈ ચતરાભાઈ ને 65044 મત મળ્યા હતા. જેમાં પરબત પટેલ 3473 મતની લીડથી વિજેતા બન્યા હતા. આ બેઠકમાં ભાજપના ખાતામાં 42.4% મત ગયા હતા. જ્યારે કોંગ્રેસના ખાતામાં 40.2% મત મળ્યા હતા. જ્યારે 2017માં પણ ભાજપ પક્ષે ફરીથી પરબત પટેલને આ બેઠક પર ચૂંટણી લડાવી હતી. જેમાં તેઓને 69,789 મત મળ્યા હતા. અને તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર રાજપુત ડામરાજી દેવજીભાઈ રાજપુત (ડી. ડી. રાજપૂત)ને 58,056 મત મળ્યા હતા. આમ પરબત પટેલ 11,733 મતની લીડથી જીતી ગયા હતા. જેમાં ભાજપનો વોટ શેર 38.75 ટકા જ્યારે કોંગ્રેસનો વોટ શેર 32.24 ટકા રહ્યો હતો. ગત ચૂંટણી કરતાં ભાજપનો વોટ શેર દોઢ ટકા જેટલો ઘટ્યો હતો. પરંતુ 2019 માં લોકસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષે બનાસકાંઠાની લોકસભા બેઠકની ચૂંટણી પરબત પટેલને લડાવી હતી. જેમાં તેઓ વિજેતા થતા આ બેઠક તેમને ખાલી કરવી પડી હતી. બાદમાં આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસે ભાજપ પાસેથી આ બેઠક સરકાવી લીધી હતી. અને અહીંથી ગુલાબસિંહ રાજપુત ને 72,959 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર પટેલ જીવરાજભાઈ જગતાભાઈ ને 66,587 મત મળ્યા હતા. આમ કોંગ્રેસના ગુલાબસિંહ 6372 મતની લીડ થી વિજેતા બન્યા હતા.

સામાજિક સમીકરણ

આ બેઠક પર જ્ઞાતિ આધારિત સમીકરણ જોવા જઈએ તો, સૌથી વધુ 44,000 મતદારો ચૌધરી પટેલ સમાજના છે. ઠાકોર 28,000, મારવાડી પટેલ 20,892, રબારી 12,896, રાજપૂત 8127 અને રાવણા રાજપુત 3266 સહિત ઇતરકોમના મતદારો છે. પરંતુ અહીંયા ચૌધરી અને મારવાડી પટેલ પ્રભાવી મતદાર તરીકે રહ્યા છે. આ વિસ્તારમાં પાયાની સુવિધાઓનો અભાવ છે. જેના માટે કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહએ સરકાર સામે ઉપવાસ આંદોલન છેડ્યું હતું.

હાલ કેટલા મતદાર

થરાદની આ બેઠક પર 2022 ની ચૂંટણી યોજવામાં આવનાર છે. જે માટે નોંધાયેલા મતદારોમાં 129947 પુરુષ અને 118261 મહિલા મતદાર મળીને કુલ 248208 મતદારો નોંધાયા છે.

વિધાનસભા ચૂંટણી 2022 : બનાસકાંઠામાં નવ પૈકી ભાજપ પાસે માત્ર બે બેઠક, આ વખતે એડીચોટીનો જોર લગાવશે -humdekhengnews

આ પણ વાંચો : થરાદમાં શંકરભાઈએ પરબતભાઈ પટેલને પગે પડી આશીર્વાદ લીધા

9-ધાનેરા :

બનાસકાંઠા જિલ્લાની ધાનેરા વિધાનસભા બેઠકનો વિસ્તાર રાજસ્થાન રાજ્યને અડીને આવેલો છે. જે 9-ધાનેરા વિધાનસભા બેઠક તરીકે ઓળખાય છે. આ બેઠકમાં ધાનેરા તાલુકાના ગામો, પાલનપુર તાલુકાનું જોરાપુરા ભાખર અને દાંતીવાડા તાલુકાના 136 ગામોનો સમાવેશ થાય છે. ધાનેરામાં ઉત્તર ગુજરાતનું રાયડાનું સૌથી મોટું માર્કેટ છે. તેમજ એરંડા અને બાજરીના પાકનું વાવેતર પણ મોટા પ્રમાણમાં થાય છે. જોકે ધાનેરા અને દાંતીવાડા તાલુકાના મોટાભાગના ગામોમાં સિંચાઈ માટેનું પાણી પૂરતું ઉપલબ્ધ નથી. પરિણામે ઉનાળાની સિઝનમાં પાણીની આ વિસ્તારમાં ખેંચ ઊભી થાય છે. અહીંયા વિશેષ કરીને જીઆઇડીસી, સરકારી કોલેજ જેવી માંગણીઓ મુખ્ય છે.

આ બેઠક પર 2012 ની ચૂંટણીમાં કોંગ્રેસના જોઈતાભાઈ કસનાભાઈ પટેલને 87460 મત મળ્યા હતા. જ્યારે ભાજપ પક્ષે વકીલનો વ્યવસાય કરતા પુરોહિત વસંતભાઈ રણછોડજીને ટિકિટ આપી હતી. જેમાં તેમને 57169 મત મળ્યા હતા. આમ 30291 મતની માતબર લીડથી કોંગ્રેસ ના ઉમેદવાર વિજયી થયા હતા. જેમાં કોંગ્રેસનો વોટ શેર 55.13% અને ભાજપનો વોટ શેર 30.04% રહ્યો હતો. આમ ભાજપ કરતા કોંગ્રેસને 19.1 ટકા વોટ વધુ મળ્યા હતા.
જ્યારે 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષે ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન અને બનાસ ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન દેસાઈ માવજીભાઈ મગનભાઈને ટિકિટ આપી હતી. જેમની સામે કોંગ્રેસે ફરી પટેલ ઉમેદવાર નથાભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં નથાભાઈને 82909 મત (47.79 ટકા) અને ભાજપના દેસાઈ માવજીભાઈને 80816 (46.59 ટકા) મત મળ્યા હતા. આ ચૂંટણીમાં ખુબજ ઓછા એટલે કે 2093 મતના માર્જિનથી માવજી દેસાઈ હારી ગયા હતા. બંને વચ્ચે જ જીતના વોટ શેરનો ફર્ક માત્ર 1.2% રહ્યો હતો.

જ્ઞાતિ વાઇઝ સમીકરણ

ધાનેરા વિધાનસભા બેઠકના જ્ઞાતિ વાઇઝ સમીકરણ જોઈએ. તો સૌથી વધુ 51186 મતદારો ચૌધરી પટેલ, કોળી ઠાકોર 31276, રબારી 23528, દરબાર પાલવી 18540, દલિત 20130, બ્રાહ્મણ 13097 અન્ય 11 હજારથી 638 જેટલી સંખ્યા ધરાવતા વિવિધ જ્ઞાતિઓના મત છે. જેમાં સૌથી વધુ ચૌધરી પટેલ, કોળી ઠાકોર અને રબારી જ્ઞાતિના મતદારો ચૂંટણીમાં પ્રભાવી મતદારો બની રહે છે.

કુલ કેટલા મતદાર

આ બેઠકમાં 2022 ની ચૂંટણી માટે છેલ્લી મત ગણતરી મુજબ 140199 પુરુષ મતદારો અને 128452 સ્ત્રી મતદારો મળી કુલ 268653 મતદારો નોંધાયા છે. હવે 2022 ની ચૂંટણી માટે જિલ્લાની આ બેઠક પર અર્બુદા સેનાના આંદોલનની અસર જોવા મળે તેમ છે. ધાનેરામાં અર્બુદા સેનાનું સરકાર સામે અને વિપુલ ચૌધરીના સમર્થનમાં આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આ બેઠક પરના પરિણામ પર કેવી અસર આંદોલનની થાય છે તે પણ જોવું રહ્યું.

વિધાનસભા ચૂંટણી 2022 : બનાસકાંઠામાં નવ પૈકી ભાજપ પાસે માત્ર બે બેઠક, આ વખતે એડીચોટીનો જોર લગાવશે -humdekhengnews

10 દાંતા :

બનાસકાંઠા જિલ્લાની દાંતા બેઠક 1967 થી 2009 સુધી જનરલ બેઠક હતી. ત્યારબાદ 2012 થી અનુસૂચિત જનજાતિ ના ઉમેદવાર માટે અનામત અનામત થઈ હતી..જે 10-દાંતા બેઠક તરીકે ઓળખાય છે. અરાવલીની ગિરિમાળા વચ્ચે આવેલી આ બેઠકમાં દાંતા અને અમીરગઢ એમ બે તાલુકાઓનો સમાવેશ થાય છે. દાંતા તાલુકાની આ બેઠકના વિસ્તારમાં વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આવેલું છે. તેમજ અહિયાં ખનીજ મિનરલનો ભરપૂર જથ્થો મળી આવે છે. આરસની પણ ખાણો અહીંયા આવેલી છે. જેને લઈને અહીંયા માર્બલ ઉદ્યોગનો નોંધપાત્ર વિકાસ થયો છે. અંબાજી યાત્રાધામમાં વર્ષે દહાડે એક કરોડ ઉપરાંત દર્શનાર્થીઓ મા અંબાના દર્શનાર્થે આવે છે. દાંતામાં મહારાણાનો પેલેસ પણ આવેલો છે. હવે અંબાજી- તારંગા- આબુરોડ રેલવે લાઈનથી અંબાજી જોડાવાનું છે.

આ વિસ્તારમાં મોટાભાગે આદિવાસી સમાજનો વસવાટ છે. ચાર મોટા ગામોમાં દાંતા, અંબાજી, ઈકબાલગઢ અને અમીરગઢનો સમાવેશ થાય છે. જે સ્થાનિક વ્યાપારના મુખ્ય મથકો ગણાય છે.

રાજકીય ઇતિહાસ

આ બેઠકનો રાજકીય ઇતિહાસ જોઈએ તો 2007ની ચૂંટણી વખતે આ બેઠક સામાન્ય હતી. ત્યારે અગાઉ ચૂંટણી લડી ચૂકેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વર્ગસ્થ ભૈરવદાન ખેતદાન ગઢવીના પુત્ર મુકેશદાન ગઢવી કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા. જેમણે 74895 મત મળ્યા હતા. તેમની સામે ભાજપ પક્ષે સોલંકી જવાન સિંહ ગંભીરસિંહને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જેમને 41952 મત મળ્યા હતા. જેથી ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસના મુકેશદાન ગઢવી 32943 મતની લીડથી વિજય બન્યા હતા. જોકે મુકેશ ગઢવી ધારાસભ્ય બન્યાના બે વર્ષ પછી તેમનું અવસાન થયું હતું. પરિણામે આ બેઠક ખાલી પડી હતી. જ્યાં 2009માં પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ પક્ષે બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોળના પુત્ર વસંત ભટોળને આ બેઠક લડાવી હતી. જેમને 60311 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસમાંથી યુ. એન. નસીરભાઈને ચૂંટણી લડાવી હતી. જેમને 56092 મત મળતા ભાજપે 4219 મતની લીડ મેળવીને આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી. ત્યારબાદ 2012માં વિધાનસભાની સામાન્ય ચૂંટણી આવી હતી. જેમાં મુકેશ ગઢવીના અંગત વ્યક્તિ ગણાતા ખરાડી કાંતિભાઈ કાળાભાઈને કોંગ્રેસે ટિકિટ આપતા તેમને 73751 મત મળ્યા હતા. જેમની સામે ભાજપના ઉમેદવાર ગેમાભાઈ ભીખાભાઈ ખરાડી ને 61477 મત મળતા આ બેઠક ભાજપે ગુમાવી હતી. અને કોંગ્રેસના કાંતિભાઇ ખરાડી 12274 મતની લીડથી વિજયી નીવડ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારે 2017 ની ચૂંટણીમાં પણ આ બેઠક જાળવી રાખી હતી મોટાભાગે બહુમતી આદિવાસી મતદારોના પ્રભુત્વ વાળી આ બેઠક ઉપર ફરીથી કોંગ્રેસના કાંતિભાઈ ખરાડી ને 86129 મત અને તેમના પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવાર કોદરવી માલજીભાઈ નારાયણભાઈ ને 61477 મત મળતા કોંગ્રેસને 24652 મતની લીડ મળી હતી. જેમાં કોંગ્રેસનો વોટ શેર 52.88% અને ભાજપનો વોટ શેર 37.74% રહ્યો હતા. અહીંયા ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવાર વચ્ચેથી ત્રિપાંખીયો જંગ ખેલાશે.

જ્ઞાતિવાઇઝ સમીકરણ

દાંતા વિધાનસભા બેઠક પર જ્ઞાતિવાદ સમીકરણ જોવા જઈએ તો 2011 ની વસ્તી ગણતરી મુજબ આદિવાસી મતદારો 1,30,145 છે જે કુલ મતદારના 57.17 ટકા થાય છે. જ્યારે મુસ્લિમ મતદારો 2959 (1.3 ટકા), દલિત મતદારો 6989 (3.7ટકા) છે. જોકે આદિવાસી મતદારોના પ્રભુત્વ વાળી આ બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસની રહી છે. જેમાં છેલ્લી પાંચ ચૂંટણીમાં ચાર વખત કોંગ્રેસ અને એક વખત ભાજપ આ બેઠક જીત્યો છે.

વિધાનસભા ચૂંટણી 2022 : બનાસકાંઠામાં નવ પૈકી ભાજપ પાસે માત્ર બે બેઠક, આ વખતે એડીચોટીનો જોર લગાવશે -humdekhengnews

આ બેઠક પર કેટલા મતદાર

આ બેઠક પર 2022 ની મતદાર યાદી મુજબ દાંતા બેઠકમાં 132239 પુરુષ મતદાર અને 125413 સ્ત્રી મતદારો મળીને કુલ 257655 મતદારો નોંધાયા છે. આદિવાસી વિસ્તારની આ બેઠક કબજે કરવા માટે ભાજપ તનતોડ મહેનત કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ અંબાજી ખાતે જાહેર સભા યોજીને વિકાસ કામોની ભેટ કરી હતી. જેની અસર આ ચૂંટણીમાં કેટલી લાભકારક નિવડે છે તે આગામી સમય બતાવશે.

11-વડગામ :

વડગામ વિધાનસભા બેઠક (એસસી) અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે. 182 વિધાનસભા પૈકીની આ બેઠક 11- વડગામ બેઠક તરીકે ઓળખાય છે. બનાસકાંઠા વિધાનસભાની આ બેઠક પાટણ સંસદીય બેઠકની સાત વિધાનસભા વિસ્તારો પૈકીની એક છે. જ્યારે પાલનપુર તાલુકાના 32 ગામોનો પણ આ બેઠકમાં સમાવેશ થયેલો છે. આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. અહીંયા દલિત અને મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ છે. છેલ્લી પાંચ ચૂંટણીઓના પરિણામમાં ત્રણ વખત કોંગ્રેસ, એક વખત ભાજપ અને એક વખત અપક્ષ (કોંગ્રેસ સમર્થિત) ઉમેદવારે વિજય મેળવ્યા છે.

રાજકીય ઇતિહાસ

વડગામ બ્રિટીશરોના રાજ સમયે વડગામ રાજ્યની રાજધાની હતી. અને રાજપુતો દ્વારા શાસિત એવા મહીકાંઠા એજન્સીમાં રજવાડાઓમાનું એક હતું. વડગામ ધાણધારપંથક તરીકે પણ ઓળખાય છે. આ પંથકમાં જે તે સમયે પુષ્કળ પાણી હોવાથી શેરડીનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હતું. અને શેરડીમાંથી ગોળ બનાવવા માટેના કોલાઓ પણ હતા. આઝાદીની ચળવળમાં ભાગ લેનાર સ્વાતંત્ર સેનાની કવિ આનંદી વડગામનું રત્ન હતા. બનાસ ડેરીના આદ્ય સ્થાપક વડગામ તાલુકાના ગલબાભાઈ પટેલ હતા. અહીંયા તીર્થ સ્થાનોમાં મગરવાડાનું માણીભદ્ર વીરનું મંદિર, ગોગ મહારાજનું સેમર મંદિર અને મુકેશ્વર ડેમ આવેલ છે. જ્યાં સરસ્વતી નદી વહેતી હોવાથી માતૃ શ્રાદ્ધની વિધિ માટે પણ લોકો જતા હોય છે.

વડગામ બેઠકનો રાજકીય ઇતિહાસ જોઈએ તો વર્ષ 2007ની ચૂંટણીમાં ભાજપમાંથી ફકીરભાઈ રઘાભાઇ વાઘેલા ચૂંટણી લડ્યા હતા. જેમને 50481 મત મળ્યા હતા. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર દોલતભાઈ ચેલાભાઈ પરમારને 40776 મત મળતા ભાજપના ફકીરભાઈ વાઘેલા 9705 મતની લીડથી વિજેતા બન્યા હતા. પરંતુ 2012 ની ચૂંટણીમાં આ બેઠક ભાજપ પાસેથી કોંગ્રેસે આંચકી લીધી હતી. અને સાબરકાંઠાના મણીભાઈ જેઠાભાઈ વાઘેલાને કોંગ્રેસે ટિકિટ આપી હતી. તેમણે ભાજપના ફકીરભાઈ વાઘેલાને 21839 મતની લીડથી પરાજિત કર્યા હતા. જેમાં મણીભાઈ વાઘેલાને 90375 અને ફકીરભાઈ વાઘેલાને 68536 મત મળ્યા હતા. આ બેઠક પર લઘુમતી અને દલિત સમાજના મતદારોનું પ્રભુત્વ છે. જેમાં 2017 ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારના બદલે અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહેલા જીગ્નેશ મેવાણી વિજયી બન્યા હતા. તેઓ ઉનામાં દલિત પરિવાર પર થયેલા અત્યાચાર પછી શરૂ થયેલા આંદોલનમાં જીગ્નેશ મેવાણી આંદોલનકારી નેતા તરીકે ઉભરી આવ્યા હતા. જેમને કોંગ્રેસનું સમર્થન હતું જીગ્નેશ મેવાણીને આ ચૂંટણીમાં 95497 (50.79%) મત અને તેમના પ્રતિસ્પર્ધી એવા બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય વિજય ચક્રવર્તીને ભાજપે ઉમેદવારી કરાવી હતી. જેમને 73801 (40.32%) મત મળ્યા હતા. જેથી આ બેઠક પર અપક્ષ ઉમેદવાર મેવાણી 19696 મતની લીડથી વિજયી બન્યા હતા.

સામાજિક સમીકરણો

વડગામ બેઠકના જ્ઞાતિ મુજબના સમીકરણ જોઈએ તો સૌથી વધુ 63420 મુસ્લિમ મતદારો છે. ત્યાર પછી 41263 દલિત, 33960 ઠાકોર અને 31964 ચૌધરી મતદારો છે. જ્યારે રાજપૂત 13910 અને પ્રજાપતિ 11660 મતદારો તેમજ અન્ય જ્ઞાતિના પાંચ હજારથી ત્રણ હજાર સુધીની સંખ્યા ધરાવતા મતદારો છે. આ બેઠક પર મુસ્લિમ અને દલિત મતદારોનો પ્રભાવ રહ્યો છે.

 

વિધાનસભા ચૂંટણી 2022 : બનાસકાંઠામાં નવ પૈકી ભાજપ પાસે માત્ર બે બેઠક, આ વખતે એડીચોટીનો જોર લગાવશે -humdekhengnews

કુલ મતદાર કેટલા

આ બેઠક પર 2022 ની ચૂંટણી માટે નોંધાયેલા મતદારોમાં 149970 પુરુષ અને 144770 સ્ત્રી મતદારો મળીને કુલ 294742 મતદારો નોંધાયા છે. આ વિસ્તારમાં મોટાભાગે ખેડૂતોને ખેતી માટે સિંચાઈના પાણીનો પ્રશ્ન છે. કર્માવદ તળાવ અને મુકેશ્વર ડેમમાં નર્મદાના પાણી ભરવા માટે અહીંના લોકોએ આંદોલન કર્યું હતું. જેના માટેની યોજનાને સરકારે મંજૂરી આપી છે. જેનો લાભ ભાજપને કેટલો મળે છે તે તો સમય જ કહેશે.

12-પાલનપુર

બનાસકાંઠા જિલ્લાનું વહીવટી મથક પાલનપુર છે. જે 182 વિધાનસભા મત વિસ્તારના 12- પાલનપુર વિધાનસભા બેઠક તરીકે ઓળખાય છે. પાલનપુર અગાઉ પ્રહલાદન પાટણ કહેવાતું હોવાનું અને ચંદ્રાવતીના પરમાર વંશના ધારાવર્ષદેવ પરમાર ના ભાઈ પ્રહલાદન દેવ દ્વારા ઇ.સ. 1184 માં સ્થાપના કરાઈ હતી. પાલનપુર પાછળથી બ્રિટિશ રાજનો ભાગ બન્યો હતો. આ શહેરને ફરતા સાત દરવાજા હતા. સોલંકી વંશના શાસક સિધ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં થયો હોવાનો મનાય છે. પાલનપુરના છેલ્લા શાસક તાલે મહંમદખાન ઈસવીસન 1957માં મૃત્યુ પામ્યા હતા. તાલે મહંમદખાન પછી કુટુંબના વડા ઇકબાલ મહંમદખાન અને ઈસવીસન 2010માં મુજફરખાન શાસક બન્યા હતા. 1949 માં પાલનપુર રાજ્યનું અસ્તિત્વ મટી ગયું અને બોમ્બે પ્રેસિડેન્સીમાં ભેળવી દેવાયું હતું. પાલનપુર અત્તર અને શાયરોની નગરી કહેવાય છે. અહીંયા ડાયમંડ બિઝનેસ પણ વિકાસ પામ્યો છે. 1969 માં સહકારી ક્ષેત્રે બનાસ ડેરીની સ્થાપના થઈ હતી. અહીંના જાણીતા લેખક સ્વર્ગસ્થ ચંદ્રકાંત બક્ષી પાલનપુરના વતની હતા. જ્યારે સિકસ્થ સેન્સના પ્રણેતા પ્રણવ મિસ્ત્રી પણ પાલનપુરના વતની છે. અહીંના વ્યાપારીઓનો મુંબઈના હીરા બજારમાં ભારે દબદબો છે.

પાલનપુર વિધાનસભાની બેઠકો ઉપર છેલ્લી પાંચ ચૂંટણીઓમાં કોંગ્રેસ ત્રણ વખત અને ભાજપ બે વખત જીત્યું છે. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર શંકરસિંહ વાઘેલાની સરકારમાં કૃષિ મંત્રી પદે રહેલા અમૃતલાલ પટેલના પુત્ર મહેશકુમાર પટેલ ચૂંટણી લડ્યા હતા. જેમને 75097 (47.7 ટકા) મત મળ્યા હતા. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવાર પ્રજાપતિ ગોવિંદભાઈ માધવલાલને 69813 (44.34%) મત મળ્યા હતા. આમ કોંગ્રેસના ઉમેદવાર 5284 મતની લીડથી વિજેતા બન્યા હતા. જેમાં કોંગ્રેસનો વોટ શેર 3.4 ટકા વધુ રહ્યો હતો. આ બેઠક કોંગ્રેસ સતત છેલ્લી બે ટર્મ થી જીતતી આવી છે.

કોંગ્રેસે 2017માં પણ મહેશ પટેલ ને ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ ભાજપ પક્ષે આ ચૂંટણીમાં નવોદિત ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં કોંગ્રેસના મહેશ પટેલ ને 91512 (52.1 ટકા) મત જ્યારે ભાજપના લાલજીભાઈ કાનજીભાઈ પ્રજાપતિને 73919 (42.9%) મત મળ્યા હતા. આમ 10% વોટ શેર કોંગ્રેસને વધુ મળ્યા હતા. અને મહેશ પટેલ 17593 મતની લીડ થી વિજેતા બન્યા હતા. જોકે સતત બે ટર્મ થી ચુટાતા કોંગ્રેસના મહેશ પટેલ સામે મતદારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ચૂંટાયા પછી તેઓ મતવિસ્તારમાં દેખાયા ન હોવાની મતદારો ફરિયાદ કરી રહ્યા છે. વિકાસના કામોમાં પણ કોઈ નોંધપાત્ર કામ ઉડીને આંખે ઓળખે તેવું પાંચ વર્ષમાં ન થયું હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. જ્યારે મહેશ પટેલ કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં જોડાવાના હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. બીજી તરફ કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં તેમની ગેરહાજરીની પણ લોકોએ નોંધ લીધી હતી. આ વખતે પાલનપુર વિધાનસભા બેઠક ઉપર પણ ત્રિપાંખીઓ જંગ લડાવવાનો છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવાર મેદાનમાં આવશે. જેથી આ વખતની ચૂંટણી રસપ્રદ બની રહેશે તે નક્કી છે.

સામાજિક સમીકરણો

જ્ઞાતિવાદી સમીકરણો જોઈએ તો આ મતવિસ્તારમાં પટેલ મતદારોનો વિશેષ પ્રભુત્વ રહ્યું છે. આ બેઠકમાં ચૌધરી 20524, દલિત 28967, મુસ્લિમ 29959, કડવા પટેલ 15863, લેઉવા પટેલ 14065, ઠાકોર 26057 અને અન્ય જ્ઞાતિના 90,000 થી વધુ મતદારો છે. જોકે ચૌધરી, કડવા અને લેઉવા પટેલ આ બેઠક પર પ્રભાવી મતદારો રહ્યા છે. છેલ્લી બે ટર્મથી પટેલ જ્ઞાતિના ઉમેદવાર વિજયી બન્યા છે. પરંતુ આ વખતે ઉમેદવાર સામે અસંતોષ પરિણામ ને અસર કરે તેવી શક્યતા રાજકીય વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.

વિધાનસભા ચૂંટણી 2022 : બનાસકાંઠામાં નવ પૈકી ભાજપ પાસે માત્ર બે બેઠક, આ વખતે એડીચોટીનો જોર લગાવશે -humdekhengnews

આ બેઠક ઉપર કેટલા મતદારો

આ બેઠક પર 2022 ની ચૂંટણી માટે નોંધાયેલા મતદારોમાં 146202 પુરુષ મતદારો 138186 સ્ત્રી મતદારો મળીને કુલ 284390 મતદારો નોંધાયા છે.પાલનપુર મત વિસ્તારમાં મલાણા વિસ્તારના તળાવને પાણીથી ભરવા માટે મલાણા ગામના ખેડૂતોએ આંદોલન છેડ્યું હતું પરંતુ બાલારામ સિંચાઈ યોજનામાંથી તળાવ ભરવા માટે સરકારે મંજૂરી આપી દીધી છે. વળી પાલનપુર પંથકમાં ભૂગર્ભજળની સમસ્યા, શહેરમાં એરોમાં સર્કલ ઉપર ટ્રાફિકની સમસ્યા, બાયપાસ રોડ તેમજ પાલનપુર શહેરમાં પાલિકા વિસ્તારમાં રોડ રસ્તા અને સફાઈના પ્રશ્નો સ્થાનિક સ્તરે ગંભીર મુદ્દાઓ છે. જેને લઈને લોકોમાં અસંતોષ જોવા મળે છે.

આ પણ વાંચો : પાલનપુર : ડીસામાં 20 વર્ષ બાદ માળી સમાજને મળી ટિકિટ

13-ડીસા

ડીસા બનાસકાંઠા જિલ્લાનું આર્થિક પાટનગર ગણાય છે. જે 13-ડીસા વિધાનસભા મતવિસ્તાર તરીકે ઓળખાય છે. બટાકાના હબ તરીકે પણ ડીસા જાણીતું છે. ડીસા મંડોરી (ઝાલોરી) વંશ દ્વારા શાસિત એસ્ટેટ અને થાણું હતું. જે મૂળ જુનાડીસા તરીકે ઓળખાતું. જ્યારે નવા ડીસાને કેમ્પ તરીકે ઓળખવામાં આવે છે. 1820 માં ડીસામાં બ્રિટિશ લશ્કરી છાવણીનો પડાવ હતો. અહીંયાથી બનાસ નદી પસાર થાય છે. જેના કારણે પાણીની સમસ્યા નહિવત છે. અને ધંધા રોજગારમાં અવલ છે. સૌથી વધુ ઠંડી અને ગરમી અહીંયા પડે છે. ડીસામાં ઍરપોર્ટ આવેલું છે. જ્યારે હવાના દબાણને માપવા માટે 1824 માં બ્રિટિશરો દ્વારા હવાઈ પિલર તરીકે ઓળખાતા ટાવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે આજે પણ હયાત છે. ગ્રામ્ય વિસ્તારમાં મુખ્યત્વે કૃષિ અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. અને બટાકા સંશોધન ફાર્મ પણ અહીંયા આવેલું છે.

રાજકીય ઇતિહાસ

ડીસા વિધાનસભા બેઠકની 2012 ની ચૂંટણીમાં ભાજપ પક્ષે ઠાકોર સમાજના દિગ્ગજ નેતા લીલાધર વાઘેલાને ચૂંટણી લડાવી હતી. જેમને 66294 (42.5%) મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કેસર સેવા દ્વારા સામાજિક સેવા કરતા જોશી રાજેન્દ્રકુમાર ધુડાલાલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. જેઓને 48588 (31.19%) મત મળ્યા હતા. જેથી લીલાધર વાઘેલા 17706 મતની લીડથી વિજેતા બન્યા હતા. આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર માળી મંગળજી મદરૂપજી 21148 મત (13.58 ટકા) મત ખેરવી ગયા હતા. જે કોંગ્રેસની હારનું પરિબળ બની રહ્યું હતું. જ્યારે 2014માં સંસદની ચૂંટણીમાં ડીસા વિધાનસભાના ધારાસભ્ય લીલાધર વાઘેલાને ભાજપ પક્ષે પાટણ સાંસદની બેઠક ઉપર ચૂંટણી લડાવી હતી. જેથી આ બેઠક ખાલી પડતા અહીંયા પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના ગોવાભાઇ રબારીને 73962 મત જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ભાજપના લેબજી ચમનાજી ઠાકોરને 63568 મત મળ્યા હતા. જેમાં કોંગ્રેસના ગોવાભાઇ રબારી 10394 મતની લીડથી વિજેતા બન્યા હતા. પરંતુ 2017 ની ચૂંટણીમાં હિન્દુવાદી નેતાની છાપ ધરાવતા ભાજપના શશીકાંત પંડ્યાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવાભાઇ ને હરાવી આ બેઠક આંચકી લીધી હતી. જેમાં શશીકાંત પંડ્યાને 85411 મત મળ્યા હતા. જ્યારે ગોવાભાઇ રબારીને 70880 મત મળ્યા હતા. આમ શશીકાંત પંડ્યા 14531 મતની લીડથી વિજેતા બન્યા હતા. ગોવાભાઈને કોંગ્રેસે પાંચ વખત આ બેઠક પર ઉમેદવાર બનાવ્યા હતા. જેમાં ત્રણ વખત તેઓ હારી ગયા હતા, અને બે વખત જીત્યા હતા. આ વખતે તેમના પુત્ર સંજય રબારી ને ઉમેદવાર બનાવતા કોંગ્રેસમાં કાગારોળ મચી છે. અને 15 જેટલા આગેવાનોએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામાં કરી દીધા છે. આ બેઠક પર કોંગ્રેસ, ભાજપ અને આપ સહિતના ઉમેદવારો ચૂંટણી લડશે. જેથી અહિયાં પણ ત્રિપાંખીઓ જંગ ખેલાવવાનું નક્કી છે.

ડીસા બેઠકનું જ્ઞાતિ સમીકરણ

ડીસા બેઠક પર જ્ઞાતિવાઇસ સમીકરણ જોઈએ તો સૌથી વધુ ઠાકોર જ્ઞાતિના 45000 કરતાં વધુ મત છે. રબારી 24300, માળી 22900, દલિત 20100, પટેલ 16285, દરબાર 14229 અને મુસ્લિમ 11559 જેટલા મત સાથે અન્ય રાવળ, બ્રાહ્મણ, ઠક્કર, ભીલ, સુથાર, પંચાલ, જૈન, મોદી, દેવીપુજક, નાઈ અને જાટ સહિતની જ્ઞાતિઓ 3,000 થી 9000 સુધીની સંખ્યા જેટલા મત ધરાવે છે. જેમાં પ્રભાવી મતદારોમાં ઠાકોર, રબારી અને માળી જ્ઞાતિના મત ગણાય છે. અત્યારે સુધી આ જ્ઞાતિમાંથી રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા હતા.

વિધાનસભા ચૂંટણી 2022 : બનાસકાંઠામાં નવ પૈકી ભાજપ પાસે માત્ર બે બેઠક, આ વખતે એડીચોટીનો જોર લગાવશે -humdekhengnews

આ બેઠક પર કેટલા મતદાર

ડીસા વિધાનસભા બેઠક પર 2022 ની ચૂંટણીને લઈ જાહેર થયેલા મતદારોના આંકડા મુજબ 150428 પુરુષ અને 138186 સ્ત્રી મતદારો મળીને કુલ 2,53,162 જેટલા મતદારો નોંધાયા છે. ડિસાની આ બેઠક ભાજપ કોંગ્રેસ અને આપના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવીને એડી ચોટીનું જોર લગાવશે. જેમાં ભાજપ દ્વારા મરણિયા પ્રયાસો થશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ ચૂંટણીમાં રોડ -રસ્તા, મોંઘવારી અને બેકારીના મુદ્દા ગાજી રહ્યા છે. ત્યારે ભાજપ તેને કેવી રીતે ખાળે છે તે જોવું રસપ્રદ બની રહેશે.

વિધાનસભા ચૂંટણી 2022 : બનાસકાંઠામાં નવ પૈકી ભાજપ પાસે માત્ર બે બેઠક, આ વખતે એડીચોટીનો જોર લગાવશે -humdekhengnews

14-દિયોદર

વિધાનસભાની 182 બેઠક પૈકી બનાસકાંઠાની આ બેઠક 14-દિયોદર બેઠક તરીકે ઓળખાય છે. આ બેઠકમાં દિયોદર તાલુકાના ગામો સાથે ડીસા તાલુકાના 51 ગામોનો સમાવેશ થાય છે.

દિયોદરનો રાજકીય ઇતિહાસ

દિયોદરનો રાજકીય ઇતિહાસ ટૂંકમાં જોઈએ તો, દિયોદર પર ભીલરીયા વાઘેલાઓનું શાસન પાટણના રાજપુત શાસનના અંત સાથે 1297 માં થયું હતું. અને કેટલીક પેઢીઓ સુધી ટક્યું હતું. વાઘેલાઓ પછી ઠાકોરો દ્વારા કબજે કરાયેલા દિયોદરને રાધનપુરના નવાબના ભાયાત રહેલા પુંજાજીએ દિયોદર પર કબજો મેળવ્યો હતો. દિયોદરનું શાસન ઠાકોર પુંજાજીના બે પુત્રો અખેસિંહજી અને ચંદાજી દ્વારા સંયુક્ત રીતે થયો હતો. જેઓ દિયોદરના શાસક ગણાતા હતા. અખેસિંહજી અને ચંદાજીના મૃત્યુ પછી અખેસિંહજીના પુત્ર માલુજી અને ચંદાજીના પૌત્ર ભૂપતસિંહજી ઠાકોર બન્યા હતા. 1820 ના દાયકામાં દિયોદરના શાસકોએ બ્રિટિશરો જોડે સંધિ કરી હતી. તે બાદ બોમ્બે પ્રેસિડેન્સીના પાલનપુર એજન્સીમાં આવ્યું હતું. જે 1925 માં બનાસકાંઠા એજન્સી બની. 1947 માં ભારતની સ્વાતંત્રતા પછી બોમ્બે પ્રેસિડેન્સી નો ભાગ બન્યો. અને 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના પછી દિયોદર બનાસકાંઠા જિલ્લામાં આવ્યું હતું.

દિયોદરની બેઠક પર 2012માં કેશાજી ચૌહાણને ભાજપે ચુંટણી લડાવી હતી. કેશાજી ચૌહાણ અગાઉ કોંગ્રેસમાં હતા. જેઓ ભાજપમાં જોડાયા બાદ બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ પદે રહ્યા હતા. અને 2012માં ભાજપે દિયોદરની ચૂંટણી લડાવતા તેમને 72265 (48.95 ટકા) મત મળ્યા હતા. તેમની સામે કોંગ્રેસના ગોવાભાઇ હમીરાભાઇ રબારીને 55456 (35.60 ટકા) મત મળ્યા હતા. આમ કેસાજી ચૌહાણ 16809 મતની લીડથી વિજેતા બન્યા હતા. બાદમાં રાજ્ય કક્ષાના મંત્રી પદે રહ્યા હતા. જ્યારે 2017ની ચૂંટણીમાં કેસાજી ચૌહાણ કોંગ્રેસના શિવાભાઈ ભુરીયા સામે હારી જતા આ બેઠક ભાજપે ગુમાવી હતી. જેમાં શિવાભાઈ ભુરીયાને 80432 (48.27 ટકા) મત જ્યારે ભાજપના કેસાજીને 79460 (47.59 ટકા) મત મળ્યા હતા. જેમાં કેશાજી માત્ર 972 જેટલા ઓછા મતના માર્જિનથી આ બેઠક હારી ગયા હતા. આ બેઠક ઉપર છેલ્લી પાંચ ચૂંટણીઓમાં ભાજપ ચાર વખત અને કોંગ્રેસે એક વખત બેઠક ઉપર જીત મેળવી છે.

સામાજિક સમીકરણ શું છે

દિયોદર બેઠક ઉપર સામાજિક સમીકરણમાં સૌથી વધુ મતદારોનો પ્રભાવ ઠાકોર સમાજનો રહ્યો છે. આ બેઠકમાં ઠાકોર 54300, પટેલ- ચૌધરી 31500, દેસાઈ 26300, દલિત 20100, ક્ષત્રિય 17400, બ્રાહ્મણ 9000, પ્રજાપતિ 6200, આદિવાસી 4400, સુથાર 4400, મુસ્લિમ 3600, માળી 3500 તેમજ નાઈ, પંચાલ, રાવણા- રાજપુત, દેવીપુજક, ગૌસ્વામી અને ઠક્કર જ્ઞાતિના 3,000 થી 2200 જેટલા મતદારોની સંખ્યા ધરાવે છે. જ્યારે અન્ય 13 હજાર મતદારો છે. આ બેઠક ઉપર મુખ્ય ત્રણ જ્ઞાતિના ઠાકોર, પટેલ, ચૌધરી તેમજ દેસાઈ સમાજના મતદારો પ્રભાવી બની રહ્યા છે. મોટા ભાગે રાજકીય પક્ષોએ ઠાકોર, દેસાઈ અને માળી સમાજમાંથી જ ઉમેદવારો ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.

વિધાનસભા ચૂંટણી 2022 : બનાસકાંઠામાં નવ પૈકી ભાજપ પાસે માત્ર બે બેઠક, આ વખતે એડીચોટીનો જોર લગાવશે -humdekhengnews

મતદારોની સંખ્યા કેટલી

દિયોદર બેઠકની 2020 ની ચૂંટણીને લઈને નોંધાયેલા મતદારો મુજબ 133013 પુરુષ મતદારો, 120148 સ્ત્રી મતદારો મળીને કુલ 253162 મતદારો નોંધાયા છે.

દિયોદર મત વિસ્તારમાં ખેતી માં કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. પરંતુ અહીંયા જીઆઇડીસી નો પ્રશ્ન મુખ્ય છે. જ્યારે ઓવરબ્રિજની ધીમી કામગીરીને લઈને લોકોમાં નારાજગી છે. વળી કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા છે. જેઓ સ્થાનિક લોકોના પ્રશ્નો અંગે વિધાનસભામાં અનેક પ્રશ્નો ઉઠાવે છે પરંતુ ધાર્યું નિરાકરણ લાવી શકતા નથી. આ વખતે દિયોદરમાં આપ પાર્ટી એ પહેલી યાદીમાં જ પ્રથમ ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી ને જાહેર કર્યા છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર હવે જાહેર કરશે. ત્યારે આ બેઠક ઉપર પણ ત્રિપાંખીઓ ચૂંટણી જંગ નિશ્ચિત છે. આ બેઠક ઉપર ગઈ ચૂંટણીમાં ભાજપના કેસાજી ચૌહાણ માત્ર 972 મતથી જ હારી ગયા હતા એટલે ભાજપ આ બેઠક મેળવવા માટે એડીચોટીનું જોર લગાવશે.

વિધાનસભા ચૂંટણી 2022 : બનાસકાંઠામાં નવ પૈકી ભાજપ પાસે માત્ર બે બેઠક, આ વખતે એડીચોટીનો જોર લગાવશે -humdekhengnews

15-કાંકરેજ

બનાસકાંઠા જિલ્લાની આ બેઠક 15-કાંકરેજ વિધાનસભા બેઠક તરીકે ઓળખાય છે. જેનો રાજકીય ઇતિહાસ જોઈએ તો કાંકરેજ તાલુકો પ્રાચીન સમયમાં એક વિશાળ રાજ્ય ધરાવતો હતો. આગળ આ તાલુકો મહીકાંઠા એજન્સીમાં હતો. પરંતુ 1844 માં વહીવટની સગવડતા ખાતર આ તાલુકાના પાલનપુર એજન્સીમાં મૂકવામાં આવ્યો હતો. ઘણા જૂના સમયથી આ તાલુકો જુદી જુદી જાગીરોમાં વહેંચાયેલો છે. આ જાગીરોના અસલ માલિક વાઘેલા રાજપૂતમાંથી નીકળેલા રાજપુત દરબારો છે. માન્યતા પ્રમાણે અહીંના દરબારો રાણકદેવજી નામના વાઘેલા રાજપૂતના વંશમાંથી ઉતરી આવેલા છે. અહીંયા ગાય માતાનું મંદિર શિહોરી ગામની અધવચ્ચે આવેલું છે, જે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તે સિવાય દુગાવાડા પંચમુખી મંદિર, થળી ઓગડનાથ ગંગાપુરા મંદિર અને ઝાંઝાવાડા વાળીનાથ મંદિર પણ આવેલા છે. અહીંની કાંકરેજી ગાયો અને બળદો માટે આ તાલુકો જાણીતો છે.

બનાસકાંઠા જિલ્લાની આ બેઠકની વાત કરીએ તો અહીંયાથી વર્તમાન સરકારમાં ભાજપના કિર્તીસિંહ વાઘેલા રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી તરીકે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. કાંકરેજ બેઠકમાં કાંકરેજ તાલુકો અને ડીસા તાલુકાના 20 ગામોનો સમાવેશ થયેલો છે. આ બેઠક પરંપરાગત રીતે આમ તો કોંગ્રેસના પ્રભુત્વ વાળી છે. જ્યાં છેલ્લી બાર ચૂંટણીઓમાં આઠ વખત કોંગ્રેસ, એક વખત જનતા પક્ષ, એક વખત જનતા દળ તેમજ બે વખત ભાજપના ઉમેદવાર ચૂંટાયા છે. કાંકરેજ વિધાનસભાની 2012 ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધારશી ખાનપુરા ચૂંટણી લડ્યા હતા. જેમને 73900 (45.13 ટકા) મત મળ્યા હતા. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવાર કિર્તીસિંહ વાઘેલાને 73300 (44.76%) મત મળ્યા હતા. જેમા કીર્તિસિંહ વાઘેલા માત્ર 600 મતના સામાન્ય માર્જિનથી હારી ગયા હતા. આ બેઠક ઉપર કોંગ્રેસના ધારશી ખાનપુરા ચાર વખત જીત્યા હતા. જો કે કોંગ્રેસે 2017માં ઉમેદવાર બદલતા આ બેઠક ગુમાવી હતી. જેમાં ભાજપના કિર્તીસિંહ વાઘેલાને 95131 (49.5%) મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ પક્ષના દિનેશજી જાલેરાને ચૂંટણી લડાવતા તેમને 86543 (45.17 ટકા) મળ્યા હતા. જેમાં કીર્તિસિંહ વાઘેલા 8588 મતની લીડથી વિજેતા બન્યા હતા. આ બેઠક હાલ ભાજપ પાસે છે. અહીંયા ‘આપ’ પાર્ટી એ ઉમેદવાર તરીકે મુકેશ ઠક્કરને જાહેર કર્યા છે. એટલે આ બેઠક પર પણ ત્રિપાંખીયો જંગ ખેલાવવાનો છે.

સામાજિક સમીકરણ

આ બેઠકનું સામાજિક સમીકરણ જોઈએ તો સૌથી વધુ ઠાકોર 76700, દરબાર 55854, પટેલ 15100, દેસાઈ 23800, બ્રાહ્મણ 9803, પ્રજાપતિ 5443, ઠક્કર 2716, જૈન 2250, મુસ્લિમ 4081, પંચાલ 3014 સહિત દરજી, સોની, નાઇ સહિત અન્ય જ્ઞાતિઓની સંખ્યા 800 થી 6,000 સુધીની સંખ્યામાં મતદારો છે. જેમાં સૌથી વધુ મતદારો ઠાકોર જ્ઞાતિના છે. જેનો લાભ ધારસી ખાનપુરાને અત્યાર સુધી મળતો રહ્યો હતો. અને તેઓ આ બેઠક ઉપરથી ચાર વખત ચૂંટાયા હતા.

 

વિધાનસભા ચૂંટણી 2022 : બનાસકાંઠામાં નવ પૈકી ભાજપ પાસે માત્ર બે બેઠક, આ વખતે એડીચોટીનો જોર લગાવશે -humdekhengnews

કેટલા મતદારો

કાંકરેજ વિધાનસભા સંસદીય મતવિસ્તાર પાટણમાં આવે છે. જ્યારે વિધાનસભા બેઠક બનાસકાંઠામાં આવે છે. આ બેઠકમાં 2022 ની ચૂંટણી માટે નોંધાયેલા મતદારોમાં 152767 પુરુષ, 138712 સ્ત્રી મતદારો મળીને કુલ 291481 મતદારો છે. આ બેઠક હાલ ભાજપના કબજામાં છે પરંતુ અહીંયા ત્રિપાંખીઓ જંગ ખેલાવવાનો છે. અને ઠાકોર સમાજ દ્વારા પણ ભાજપ પક્ષ પાસે ટિકિટની માંગણી કરવામાં આવી છે. જો ઠાકોરને આ વખતે વખતે ટિકિટ ના અપાય તો ચૂંટણીના પરિણામ પર તેની અસર કેવી પડે છે તે સમય જ બતાવશે.

Back to top button