ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિધાનસભા ચૂંટણી 2023 : રાજસ્થાનમાં 199 વિધાનસભા બેઠકો પર મતદાન થયું શરૂ

  • 5.25 કરોડથી વધુ મતદારો મત આપીને પોતાનું ભાવિ કરશે નક્કી  
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં વધુ મતદાન કરીને રેકોર્ડ તોડવાની કરી અપીલ
  • રાજ્યમાં 36,101 સ્થળોએ કુલ 51,507 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી : રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે શનિવારે મતદાન થઈ રહ્યું છે. આ મતદાન સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. રાજ્યમાં વિધાનસભાની 200 બેઠકો છે પરંતુ 199 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આજે રાજસ્થાનના 5.25 કરોડથી વધુ મતદારો મત આપીને પોતાનું ભાવિ નક્કી કરશે. રાજ્યમાં 36,101 સ્થળોએ કુલ 51,507 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે. ચૂંટણીને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના લોકોને વધુમાં વધુ મતદાન કરીને રેકોર્ડ તોડવાની અપીલ કરી છે તેમજ પ્રથમ વખત મતદાન કરતા યુવાનોને શુભેરછા પાઠવી છે.

 

ધારાસભ્ય ગુરમીત સિંહ કુન્નરના નિધનને કારણે કરણપુર સીટની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. આ વખતે પણ તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા. ગુરુવારે (23 નવેમ્બર) વિધાનસભા ચૂંટણી માટે પક્ષોનો પ્રચાર બંધ થઈ ગયો હતો.

PM મોદીની મતદારોને સૌથી વધુ મતદાન કરીને રેકોર્ડ બનાવવાની અપીલ

 

મતદારોને રેકોર્ડ બનાવવાની અપીલ કરતા પીએમ મોદીએ તેમના X ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યું કે, ‘રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન છે. હું તમામ મતદારોને વિનંતી કરું છું કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં તેમના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. આ અવસરે રાજ્યના તમામ યુવા મિત્રોને મારી શુભેચ્છાઓ કે જેઓ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે.”

5.25 કરોડથી વધુ મતદારો મતદાન કરશે

 

રાજ્યની 200માંથી 199 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે જ્યાં 5.25 કરોડથી વધુ મતદારો પોતાનો મત આપી શકશે. જેમાં અંદાજે 2.73 કરોડ પુરુષો તેમજ 2.51 કરોડ સ્ત્રીઓ રહેલી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મતદાન માટે ત્રણ લાખથી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ 199 બેઠકો માટે 1862 ઉમેદવારો મેદાનમાં છે, જ્યાં મતદારોની સંખ્યા 5,25,38,105 છે. તેમાં 18-30 વર્ષની વયજૂથના 1,70,99,334 યુવા મતદારોનો સમાવેશ થાય છે, જેમાં 18-19 વર્ષની વયજૂથના 22,61,008 નવા મતદારોનો સમાવેશ થાય છે.

મુખ્ય ચૂંટણી અધિકારીએ શું જણાવ્યું ?

મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાના જણાવ્યા અનુસાર, “રાજ્યમાં 36,101 સ્થળોએ કુલ 51,507 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાં શહેરી વિસ્તારોમાં કુલ 10,501 અને ગ્રામ્ય વિસ્તારોમાં 41,006 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.” વધુમાં કહ્યું કે, “કુલ 26,393 મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ મતદાન કેન્દ્રો પર જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમમાંથી નજર રાખવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં 65,277 બેલેટ યુનિટ, 62,372 કંટ્રોલ યુનિટ અને અનામત સહિત 67,580 VVPAT મશીનોનો મતદાન માટે ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ જાણો :રાજસ્થાનમાં અશોક ગેહલોતનું લોકલ કાર્ડઃ અહીં ગુજરાતી આવીને મત માંગે છે તો હું ક્યાં જઈશ?

Back to top button