અમદાવાદ, 16 મે 2024, શહેરમાં દારૂ પકડવા માટે ગયેલી પોલીસ પર થતાં હૂમલાઓ પર હવે નવી બાબત નથી રહી. શહેરના કુબેરનગર વિસ્તારમાં સ્થિત કેકાડીવાસમાં દારૂની બાતમીને આધારે તપાસ કરવા માટે ગયેલા પોલીસ કર્મીઓ પર હૂમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઘાયલ થયેલા પોલીસ જવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ કેસમાં બે મહિલા સહિત ચાર લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શહેરમાં પોલીસ ખુદ સુરક્ષિત નથી એવું આ ઘટના સાબિત કરી રહી છે. સુત્રો એવું જણાવી રહ્યાં છે કે, આ હૂમલા બાબતે રાજ્યના પોલીસવડાની ઑફિસેથી ખૂલાસો માંગવામાં આવ્યો છે.
ચાર જણાએ ઉશ્કેરાઈને પોલીસ જવાન પર હૂમલો કર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે સરદારનગર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, ભાનુ સ્કુલની પાસે કેકાડીવાસ ખાતે રહેતી બુટલેગર અલકા શંકરભાઈ ગાયકવાડના ઘરમાં ઇંગ્લીશ દારૂ લાવેલ છે. જે દારૂ સગેવગે ના થાય તે માટે હુ તેના ઘરે એકલો જતા અલકા ગાયકવાડ તથા તેના બે દિકરા સાગર શંકરભાઇ ગાયકવાડ તથા રાજ શંકરભાઇ ગાયકવાડ તથા સાગરની પત્ની શ્વેતા ગાયકવાડ હાજર હતા. તેમના ઘરમાં તપાસ કરતા એક પેટી બિયરની મળી આવી હતી. જે બાબતે અમે બિયરની પેટી કયાંથી લાવેલ છો તેમ કહેતા આ ચારેય જણા અમારી કાયદેસરની ફરજમાં અડચણ કરી ઉશ્કેરાઇ ગયેલા અને અલકા તથા શ્વેતાએ પોલીસ કોન્સ્ટેબલ રમેશસિંહને જેમફાવે તેમ ગંદી ગાળો બોલવા લાગેલ અને આ ચારેય જણા રમેશસિંહને કહેતા હતા કે તુ અહી કેમ આવ્યો છે તને જીવતો જવા દેવાનો નથી.
બે મહિલા સહિત ચાર લોકો સામે ફરિયાદ
રાજે એક રમેશસિંહને આગળથી બે હાથ પકડી લીધેલ અને સાગરે ફેંટ પકડીને આજે તો હુ તને મારી જ નાંખીશ તેમ કહી દિવાલ સાથે રમેશસિંહનું માથુ બે ત્રણ વાર મારી નાંખવાના ઇરાદે જોરથી પછાડ્યું હતું. તેમજ જમણી સાઇડે પાસળીના ભાગે જોર જોરથી ખેંચી ખેંચીને ફેંટો મારી હતી.રમેશસિંહને માથાના પાછળના ભાગેથી લોહી નીકળવા લાગેલ જેથી આ બંનેને ધક્કો મારી રમેશસિંહ જીવ બચાવવા સારૂ બાઇક લઈને ત્યાંથી નીકળી કુબેરનગર ડી સ્ટાફની ઓફીસે આવી ગયેલ અને ત્યાં આવતા જ રમેશસિંહે ઉપરોકત બનાવ અંગે સોનારા સાહેબ તથા રઘુભાઈ તથા રોહીતભાઇ તથા જયેશભાઇને જાણ કરી હતી. ત્યાર બાદ રમેશસિંહને ચક્કર આવતા બેભાન જેવા થઇ ગયા હતાં. રમેશસિંહને પાસળીના જમણી બાજુએ સીટી સ્કેન તથા એક્ષરેમાં પાંચ ફેકચર હોવાનુ ભાનમાં આવ્યા બાદ તુલસી હોસ્પીટલના ડોકટર દ્વારા જાણવા મળેલ છે. પોલીસે બે મહિલા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ ભવનથી અનેક સવાલના જવાબ માગવામાં આવ્યા
ગાંધીનગર પોલીસ ભવનમાં બેસતા નાયબ પોલીસ મહાનિરિક્ષક દીપક મેઘાણીએ અમદાવાદ પોલીસ કમિશનર પાસે આરોપીના ગુનાહિત ઇતિહાસ સાથેનો વિગતવાર અહેવાલ માગ્યો છે. દારૂ-જુગાર અને ડ્રગ્સના ધંધા પર અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ઉપરાછાપરી દરોડાને લઈને કેટલાક બુટલેગરોએ ગણતરીના દિવસો માટે ધંધા બંધ કરવાનો નિર્ણય લીધો હતો. દરમિયાનમાં દારૂ-જુગાર અને ડ્રગ્સના ધંધા શહેરમાં જડબેસલાક બંધ કરવા અમદાવાદ પોલીસને ઉચ્ચ કક્ષાએથી સૂચના અપાઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃકચ્છના રણમાં જમીન માટે ધીંગાણુંઃ ગાડીઓ ભરીને આવેલા લોકોએ ધડાઘડ ફાયરિંગ કર્યું, એકનું મૃત્યુ