આસામ : ગોલપારા જિલ્લામાંથી ઝડપાયા બે શંકાસ્પદ આતંકવાદીઓ
આસામ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે શનિવારે રાત્રે બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ બે શકમંદો અલ-કાયદા ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) અને અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT) સાથે જોડાયેલા હોવાના પુરાવા મળ્યા છે. પોલીસે જણાવ્યું કે બંનેની ગોલપારા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે અને હાલ તેઓની પુછપરછ ચાલુ છે.
તપાસ દરમિયાન જેહાદી તત્વો, પોસ્ટર અને અન્ય વાંધાજનક સામગ્રી પણ મળી
આ અંગે વધુમાં ગોલપારા એસપી વીવી રાકેશ રેડ્ડીએ જણાવ્યું કે, બંને શકમંદોના આતંકવાદી સંગઠનો સાથે સીધો સંબંધ છે. ઘરની તલાશી દરમિયાન તેના અલ-કાયદા સાથે જોડાણના પુરાવા મળ્યા હતા. આ સાથે જેહાદી તત્વો, પોસ્ટર અને અન્ય વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે. તેમના મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને આઈડી કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે બંને શકમંદોએ બાંગ્લાદેશથી આવેલા જેહાદી આતંકવાદીઓને આશ્રય આપવા ઉપરાંત તેમને રાશન પૂરું પાડ્યું હતું. તેણે જિલ્લામાં સ્લીપર સેલની ભરતી કરવા માટે AQIS ના સભ્ય હોવાની કબૂલાત કરી છે.
અગાઉ પણ મદરેસાના ઈમામ સહિત ત્રણ આરોપી ઝડપાયા હતા
વધુમાં સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ અગાઉ પણ આસામમાંથી ત્રણ શંકાસ્પદ જેહાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. કહેવાય છે કે પોલીસે એક ઓપરેશન દરમિયાન તેમની અટકાયત કરી છે. આમાંથી બે લોકોની ઓળખ અબ્દુુલ શોભન અલી અને જલાલ ઉદ્દીન તરીકે થઈ છે. અબ્દુલ શોભાન અલી આયેશા સિદ્દીકા મદરેસાના ઈમામ હોવાનું કહેવાય છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ બંને સિવાય શોભન અલીના મોટા ભાઈ અને ભત્રીજાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ તેમની ભૂમિકા અને તેઓ કોઈ જેહાદી જૂથ સાથે સંકળાયેલા છે કે કેમ તેની તપાસ કરી રહી છે. નોંધનીય છે કે આસામ પોલીસ રાજ્યમાં કથિત રીતે કાર્યરત શંકાસ્પદ જેહાદી આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવા માટે કેન્દ્રીય એજન્સીઓ સાથે ગાઢ સંકલનમાં કામ કરી રહી છે.