ઘૂસણખોરી રોકવા આસામ સરકારનો મોટો નિર્ણય, આધાર કાર્ડ માટે ફરજિયાત કર્યો આ દસ્તાવેજ
નવી દિલ્હી, 8 સપ્ટેમ્બર : હવે આસામમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન વિના આધાર કાર્ડ બની શકશે નહીં. શનિવારે, મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ જાહેરાત કરી હતી કે રાજ્યમાં નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓ માટે નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) એપ્લિકેશન રસીદ નંબર સબમિટ કરવો ફરજિયાત રહેશે. તેમણે કહ્યું કે આનાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને આપવામાં આવતા ઓળખ કાર્ડ પર રોક લાગશે.
શનિવારે એક પત્રકાર પરિષદમાં બોલતા સરમાએ જણાવ્યું હતું કે આધાર કાર્ડ માટેની અરજીઓની સંખ્યા રાજ્યની વસ્તી કરતા વધી ગઈ છે. જેના કારણે સંભવિત છેતરપિંડીની અરજીઓ અંગે ચિંતા વધી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ઓછામાં ઓછા ચાર જિલ્લામાં આધાર કાર્ડ ધારકોની સંખ્યા અંદાજિત વસ્તી કરતા વધુ છે, જે ચિંતાજનક છે.
વસ્તી કરતાં વધુ આધાર કાર્ડ બન્યા
તેમણે કહ્યું, આધાર કાર્ડ માટેની અરજીઓની સંખ્યા વસ્તી કરતા વધુ છે… જે દર્શાવે છે કે રાજ્યમાં શંકાસ્પદ નાગરિકો છે અને અમે નિર્ણય કર્યો છે કે નવા અરજદારોએ તેમની NRC અરજીની રસીદ નંબર સબમિટ કરવાનો રહેશે. તેમણે કહ્યું કે રાજ્ય અમે આસામમાં નવા આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયાને કડક બનાવીશું, હવે આધાર કાર્ડ બનાવવું સરળ નહીં હોય અમારા પગલાનો હેતુ રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા લોકોના ધસારાને રોકવાનો છે.
મુખ્યમંત્રીએ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં થતી ગેરરીતિઓ પર પ્રકાશ પાડ્યો હતો અને ધુબરી જિલ્લા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, ધુબરી જિલ્લામાં વસ્તી કરતા વધુ આધાર કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા છે, શક્ય છે કે કેટલાક શંકાસ્પદ લોકોના આધાર કાર્ડ બની ગયા હોય.
10 દિવસમાં જાહેરનામું બહાર પાડવામાં આવશે!
તેમણે કહ્યું કે આગામી 10 દિવસમાં ઔપચારિક સૂચના જારી થવાની અપેક્ષા છે, જો તમે NRC માટે અરજી નહીં કરો તો તમને નવી પ્રક્રિયા હેઠળ આધાર કાર્ડ નહીં મળે. જોકે, આ નિયમ ચાના બગીચા વિસ્તારોમાં લાગુ થશે નહીં. અન્ય જિલ્લાઓમાં 1 ઓક્ટોબરથી આ નિયમનો કડક અમલ કરવામાં આવશે.
નવો નિયમ 9.55 લોકોને લાગુ નહીં પડે
તેમણે સ્પષ્ટ કર્યું કે NRC અરજીની રસીદ નંબર સબમિટ કરવાની આવશ્યકતા તે 9.55 લાખ લોકોને લાગુ પડશે નહીં જેમની NRC પ્રક્રિયા દરમિયાન બાયોમેટ્રિક્સ લૉક કરવામાં આવ્યા હતા. આ લોકોને કોઈપણ વધારાની શરતો વિના આધાર કાર્ડ આપવામાં આવશે. આ ઉપરાંત, સરમાએ રાજ્યમાં ગેરકાયદેસર વસાહતીઓને ઓળખવાના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવાની તેમની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને જાહેર કર્યું કે છેલ્લા બે મહિનામાં બાંગ્લાદેશથી આવેલા ઘણા લોકોને પકડવામાં આવ્યા છે અને અધિકારીઓને સોંપવામાં આવ્યા છે.