એશિયાની સૌથી મોટી રાજકોટ – લોધિકા સંઘની ચૂંટણી યોજાઈ, જાણો કોણ બન્યું સુકાની ?
- રા.લો. સંઘમાં ફરી નરેન્દ્રસિંહ જાડેજા ચેરમેન
- અરજણ રૈયાણી વાઇસ ચેરમેન પદે ચૂંટાયા
- બન્ને સુકાનીઓની સર્વાનુમતે વરણી કરવામા આવી
- પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીનું લોબિંગ ટૂંકું પડ્યું
સહકારી ક્ષેત્રે એશિયાની અગ્રગણ્ય સંસ્થા રાજકોટ – લોધિકા સહકારી સંઘના આગામી અઢી વર્ષ માટેના સુકાનીઓ નક્કી કરવા આજે સંઘની ઓફિસે ચૂંટણી અધિકારી અને ડે.કલેકટર સંદીપ વર્માની અધ્યક્ષતામાં બેઠક મળેલ હતી. સંઘમાં ભાજપનું શાસન છે. જેમાં પ્રદેશ ભાજપના નિર્ણય મુજબ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયાએ ચેરમેન તરીકે ફરી વર્તમાન ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા અને વાઇસ ચેરમેન તરીકે ત્રંબાના અરજણ રૈયાણીની પસંદગી થયાનું જાહેર કરેલ હતું. જેને બધા સભ્યોએ વધાવી બિનહરીફ ચૂંટી કાઢયા હતા. નરેન્દ્રસિંહ જાડેજાની પ્રથમ અઢી વર્ષની કામગીરીની કદરરૂપે ફરી તેમને ચેરમેન બનવાની તક મળી છે.
અગાઉ ચૂંટણી મોકૂફ રહી હતી
રા.લો. સંઘના સુકાનીઓની ચૂંટણી જાહેર થઇ તે વખતથી સ્થાનિક સહકારી રાજકારણમાં ગરમાવો હતો. ગઇ તા.17 એપ્રિલે ચૂંટણી યોજવાનું જાહેર થયેલ પરંતુ એક જૂથની ઇચ્છા મુજબ સરકારના નિર્દેશથી તે વખતે ચૂંટણી મોકૂફ રહેલ હતી. તે ચૂંટણી આજે સવારે યોજાઇ હતી. સહકારી ક્ષેત્રના અગ્રણીઓની હાજરીમાં બંને જૂથોએ એકતા બતાવી આગામી અઢી વર્ષ માટેના સુકાનીઓને બિનહરીફ ચૂંટી કાઢયા હતા. સંઘમાં નરેન્દ્રસિંહ લોધીકા તાલુકાનું પ્રતિનિધિત્વ કરે છે. વાઇસ ચેરમેન બનેલા અરજણ રૈયાણી રાજકોટ તાલુકામાંથી ચૂંટાયેલા છે. આમ પાર્ટીએ ભૌગોલિક સંતુલન કરવાનો પ્રયાસ કર્યો છે.
એક જૂથ પુનરાવર્તન અને બીજું પરિવર્તન ઇચ્છતું હતું
ચૂંટણી જાહેર થઇ તે વખતે સંઘમાં ભાજપના બે જૂથો સામસામે આવેલ. એક જૂથ સત્તામાં પુનરાવર્તન ઇચ્છુ હતું. બીજુ જૂથ પરિવર્તન માટે પ્રયત્નશીલ હતું. છેવટ સુધી નરેન્દ્રસિંહ ઉપરાંત બીજી તરફ નિતીન ઢાંકેચા અને અરવિંદ રૈયાણીના નામ ચર્ચામાં રહેલ. સેન્સ વખતે પણ આવુ ચિત્ર ઉપસ્યું હતું. તમામ દાવેદારો અને ચૂંટાયેલા સભ્યોએ પાર્ટી જે નિર્ણય કરે તે સ્વીકારવાનું જાહેર કરેલ. આજે પાર્ટીએ ચેરમેન તરીકે પુનરાવર્તન કરી નરેન્દ્રસિંહનું નામ જાહેર કરેલ અને વાઇસ ચેરમેનમાં પરિવર્તન કરી સંજય આમરોલિયાના સ્થાને અરજણ રૈયાણીનું નામ નક્કી કરતા બધા સભ્યોને આગેવાનોએ તેને સ્વીકારી નવા બંને સુકાનીઓને અભિનંદન આપ્યા હતા