ટ્રેન્ડિંગસ્પોર્ટસ

એશિયન ગેમ્સ 2023: ભારતે અત્યારસુધી 107 મેડલ જીત્યા

એશિયન ગેમ્સ 2023માં ભારતે 107 મેડલ જીત્યા છે. એશિયન ગેમ્સની એક જ આવૃત્તિમાં ભારતે પ્રથમ વખત 107 મેડલ જીત્યા છે. અગાઉ એશિયન ગેમ્સમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 70 મેડલ હતું, જે 2018માં જીત્યા હતા. એશિયન ગેમ્સ માટે ખેલાડીઓને વિદાય આપતી વખતે ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે આ વખતે 100 પાર કરવાનો નારો આપ્યો હતો અને ખેલાડીઓએ તેને સાચો સાબિત કર્યો છે.

ભારતે આજે ક્રિકેટ, કબડ્ડીમાં ગોલ્ડ જીત્યો

7 ઓક્ટોબર શનિવારના રોજ ભારતીય ટીમે ક્રિકેટ, કબડ્ડી, બેડમિન્ટન અને તીરંદાજીમાં લગભગ 6 ગોલ્ડ મેડલ જીત્યા. આ સાથે ભારતને અત્યાર સુધીમાં 107 મેડલ મળ્યા છે. જેમાં 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા છે. 23 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ એશિયન ગેમ્સ આવતીકાલે અથવા 8 ઓક્ટોબરે પૂરી થવાની છે.

Asian Games

14મા દિવસે મેડલ જીતનાર ખેલાડી

કમ્પાઉન્ડ તીરંદાજી, મહિલા, અદિતિ સ્વામી (બ્રોન્ઝ): અદિતિએ મહિલા તીરંદાજીની સિંગલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહેલી અદિતિએ અદ્દભૂત પ્રદર્શન કર્યું. તેણીએ ઈન્ડોનેશિયાની રતિહ ફાદલી સામે 146-140ના માર્જીનથી જીત મેળવી હતી.

કમ્પાઉન્ડ તીરંદાજી, મહિલા, જ્યોતિ સુરેખા (ગોલ્ડ): જ્યોતિ સુરેખા વેન્નમે મહિલાઓની કમ્પાઉન્ડ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સમાં રેકોર્ડ બનાવતા તેણે ફાઈનલ મેચ 149-145ના માર્જીનથી જીતી હતી. તેણીએ દક્ષિણ કોરિયાની સો સીને હરાવ્યા.

કમ્પાઉન્ડ તીરંદાજી, પુરુષો (ગોલ્ડ અને સિલ્વર): ભારતને કમ્પાઉન્ડ તીરંદાજીમાં બે મેડલ મળ્યા છે. ઓજસ દેવતલે ગોલ્ડ મેડલ અને અભિષેક વર્માએ સિલ્વર મેડલ જીત્યો છે. ફાઇનલમાં બે ભારતીય તીરંદાજો વચ્ચે મુકાબલો હતો. આવી સ્થિતિમાં, દેશને બંને મેડલ મળવાની ખાતરી હતી, પરંતુ બંનેએ વ્યક્તિગત રીતે મેડલનો રંગ નક્કી કરવાનો હતો. ઓજસે 149ના સ્કોર સાથે ગોલ્ડ અને અભિષેકે 147ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

કબડ્ડી, મહિલા ટીમ, (ગોલ્ડ): મહિલા કબડ્ડી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સ 2023માં ભારતનો આ 25મો ગોલ્ડ અને એકંદરે 100મો મેડલ છે. ભારતે પ્રથમ વખત એશિયન ગેમ્સમાં 100 મેડલ જીત્યા છે. આ વખતે ભારતીય ખેલાડીઓએ 100 ઇનિંગ્સના સૂત્રને સાકાર કર્યું છે.

બેડમિન્ટન, સાત્વિક-ચિરાગ (ગોલ્ડ): સાત્વિક-ચિરાગની જોડીએ બેડમિન્ટન મેન્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સમાં ભારતે પ્રથમ વખત બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જોડીએ ગયા વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે બંનેએ એશિયન ગેમ્સમાં પણ ઈતિહાસ રચ્યો છે.

ક્રિકેટ, મેન્સ ટીમ (ગોલ્ડ): ભારતીય મેન્સ ક્રિકેટ ટીમે પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ફાઈનલ મેચમાં ભારતનો સામનો અફઘાનિસ્તાન સામે થયો હતો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 18.5 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા હતા. આ પછી વરસાદના કારણે આગળની રમત રમાઈ શકી ન હતી અને વધુ સારી સીડીંગના આધારે ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.

કબડ્ડી, મેન્સ ટીમ (ગોલ્ડ): ભારતીય મેન્સ ટીમે કબડ્ડીમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે વિવાદોથી ભરેલી ફાઈનલ મેચમાં ઈરાનને હરાવ્યું છે. ભારતે આ મેચ 33-29થી જીતી હતી.

હોકી, મહિલા ટીમ (બ્રોન્ઝ): ભારતીય મહિલા હોકી ટીમે જાપાનને 2-1થી હરાવ્યું છે. આ સાથે ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારત તરફથી સુશીલા ચાનુ અને દીપિકાએ ગોલ કર્યા હતા.

કુસ્તી, મેન્સ ફ્રીસ્ટાઇલ (સિલ્વર): ભારતના દીપક પુનિયા પુરુષોની 86 કિગ્રા કુસ્તી મેચમાં ઈરાનના હસન યઝાદાની સામે હારી ગયા. ઈરાની ખેલાડીએ ટેકનિકલ પસંદગીના આધારે જીત મેળવી હતી. આથી દીપકને રજતથી સંતોષ માનવો પડ્યો.

ચેસ, મહિલા ટીમ (સિલ્વર): મહિલાઓમાં, દ્રોણાવલ્લી હરિકા, રમેશબાબુ વૈશાલી, વંતિકા અગ્રવાલ અને સવિતા ભાસ્કરે દેશ માટે સિલ્વર જીત્યો.

ચેસ, મેન્સ ટીમ (સિલ્વર): ભારતની મેન્સ ટીમે ચેસમાં સિલ્વર મેડલ જીત્યો છે. વિદિત ગુજરાતી, અર્જુન અર્ગાસી અને પી હરિકૃષ્ણાએ ફિલિપાઇન્સ સામે પોતપોતાની રાઉન્ડ 9 મેચ જીતી હતી, જ્યારે આર પ્રજ્ઞાનંધાએ તેની મેચ ડ્રો કરી હતી.

INDIA 100 MEDAL

Back to top button