ગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાતશતાબ્દી મહોત્સવ

શતાબ્દી મહોત્સવમાં આજે ઉજવાયો ‘એશિયા પેસિફિક દિન’ : જાણો શુું રહ્યું ખાસ

અમદાવાદને આંગણે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાય રહ્યો છે, તેને અંતર્ગત રોજ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતુ હોય છે. તેથી આજે પણ શતાબ્દી મહોત્સવમાં ‘એશિયા પેસિફિક દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે  પ્રમુખસ્વામી મહારાજે એશિયા પેસિફિક દેશોમાં ભારતીય સંસ્કૃતિના પડઘમ ગુંજાવ્યા છે, જ્યાં 18  જેટલાં BAPS મંદિરો દ્વારા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉત્કર્ષ અને સામાજિક સેવાકાર્યોનું ઉમદા કાર્ય થઈ રહ્યું છે. જેમાં સિંગાપોર, થાઈલેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયાથી લઈને એશિયા પેસિફિકના અનેકવિધ દેશોમાં ભવ્યતાથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત વ્યસનમુક્તિ, પર્યાવરણ જાગૃતિ, આરોગ્યજાગૃતિના કાર્યક્રમો યોજાયા છે.

આ પણ વાંચો : શતાબ્દી મહોત્સવમાં આજે ભારતની પહેલી ટુરિઝમ કોન્ફરન્સ યોજાઈ : ‘નોર્થ અમેરિકા દિન’ની પણ કરાઈ ઉજવણી

Pramukhswami Maharaj Shatabdi Mohtsav - Hum Dekhenge News
પૂજ્ય મહંતસ્વામી મહારાજ

બાપાએ એશિયા પેસિફિક દેશોમાં ભારતીય સંસ્કૃતિના પડઘમ ગુંજાવ્યા

જુલાઈ 2022માં પેસિફિક મહાસાગરમાં ‘ગ્રેટ બેરીયર રીફ’ માં પ્રમુખસ્વામી મહારાજને વિશિષ્ટ અંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં સમસ્ત વિશ્વની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી છે. આ ઉપરાંત નવેમ્બર, 2022માં પણ ઇન્ડોનેશિયામાં બાલી ખાતે યોજાયેલ ‘R20’ રિલિજિયસ ફોરમમાં BAPS ના મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીએ સનાતન હિન્દુ ધર્મનું  પ્રતિનિધિત્વ  કર્યું હતું. આ સિવાય એપ્રિલ, 2022 માં સિડનીમાં ‘ઓપેરા હાઉસ’ ખાતે 3000 ભક્તો-ભાવિકોની ઉપસ્થિતિમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ ઉજવાયો હતો.

Pramukhswami Maharaj Shatabdi Mohtsav - Hum Dekhenge News
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ

સ્વયંસેવકોએ ઓસ્ટ્રેલિયન બુક ઓફ રેકોર્ડ્સમાં રેકોર્ડ દર્જ કર્યો

નવેમ્બર, 2022માં મેલબોર્નમાં ‘માર્વેલ’ સ્ટેડિયમમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવમાં 7500 ભક્તો-ભાવિકો, 32 સાંસદ સભ્યો અને 212 જેટલી વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ નિમિત્તે સિડનીમાં 60 સ્વયંસેવકો દ્વારા વિશ્વની સૌથી મોટી 1023 કિલોની,  ‘eggless’ મહા અન્નકૂટ કેકનું નિર્માણ કરી, ઓસ્ટ્રેલિયન બુક ઓફ રેકોર્ડ્સમાં રેકોર્ડ દર્જ કર્યો હતો.  જેમાં પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ મંદિરના આકારની કેક બનાવવામાં આવી હતી , કેક બનાવતી સમયે સ્વયંસેવકોએ 2535 વાર 108 નામ ધરાવતી સહજાનંદ નામાવલિનો પાઠ પણ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયામાં BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી

સપ્ટેમ્બર, 2022માં  કેનબેરામાં ઓસ્ટ્રેલિયન પાર્લામેન્ટમાં પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પણ કરતો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં BAPSના ઓસ્ટ્રેલિયામાં 10 કરતાં વધુ મંદિરો અને 58 જેટલાં સત્સંગ કેન્દ્રો દ્વારા થઈ રહેલા સામાજિક સંવાદિતા, સેવા અને સંસ્કારપ્રસારના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી સિડનીમાં વિરાટ શિખરબદ્ધ BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર નિર્માણાધીન  કરવામાં આવ્યું છે અને સિડની, કેનબેરા, મેલબોર્ન, પર્થ, બ્રિસ્બેન, એડિલેડમાં BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના પણ કરવામાં આવી છે.

Pramukhswami Maharaj Shatabdi Mohtsav - Hum Dekhenge News
શતાબ્દી મહોત્સવ

ઓગસ્ટ, 2022માં મેલબોર્નમાં પાર્લામેન્ટ ઓફ વિક્ટોરિયાની લાઇબ્રેરીમાં  પ્રસ્થાનત્રયી (શ્રીમદ્ ભગવદ્ ગીતા, ઉપનિષદો અને બ્રહ્મસૂત્ર) પર BAPS ના મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીએ લખેલાં સ્વામિનારાયણ ભાષ્યો, પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે રચેલ સત્સંગદીક્ષા ગ્રંથ અને ડો. કલામ દ્વારા લખાયેલ પુસ્તક ‘ટ્રાન્સેન્ડન્સ’  અર્પણ કરવામાં આવ્યા હતા.

કેવો રહ્યો આજનો કાર્યક્રમ 

આજના કાર્યક્રમની શરુઆત સાંજે 5 વાગ્યે ધૂન-પ્રાર્થના સાથે થઈ હતી.  આ ઉપરાંત આજે  સંવાદ, વિડિયો, નૃત્ય  દ્વારા પ્રમુખસ્વામી મહારાજના એશિયા પેસિફિક દેશોમાં સંસ્કૃતિ પ્રસારના કાર્યને દર્શાવતી રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેમાં 120 બાળ –બાલિકાઓએ સત્સંગદીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કર્યો હતો, 59 બાળ-બાલિકાઓએ સંસ્કૃતમાં સ્વામિનારાયણ સિદ્ધાંતકારિકાઓનો 565 સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કર્યો હતો અને 128 બાળ-બાલિકાઓએ સ્વામિનારાયણ મહાપૂજાની તાલીમ પ્રાપ્ત કરી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં 150 કરતાં વધુ મહાપૂજા કરી  હતી. આજે આદરણીય જૈન ધર્મગુરુ પરમ પૂજ્ય વિજય અભયસૂરીશ્વરજી મહારાજ દ્વારા સ્વર્ણિમ શાહીથી લખાયેલી હસ્તલિખિત શિક્ષાપત્રી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને અર્પણ કરવામાં આવી હતી.

આજે અનેક અગ્રણીઓએ પણ આજની સભામાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 

Pramukh Swaami Maharaj Shatabdi Mohtsav - Hum Dekhenge News
આચાર્ય ચંદ્રજિતસૂરીજી મહારાજ

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ સદીનું સર્વશ્રેષ્ઠ આયોજન છે : આચાર્ય ચંદ્રજિતસૂરીજી મહારાજ

આદરણીય જૈન ધર્મગુરુ પૂજ્ય આચાર્ય ચંદ્રજિતસૂરીજી મહારાજે જણાવ્યું હતું કે“પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ સદીનું સર્વશ્રેષ્ઠ આયોજન છે. શરીરનું જીવન સૂર્યને આભારી છે પરંતુ આત્માનું જીવન સંસ્કાર, સહિષ્ણુતા, સંયમ, આત્મીયતાને આભારી છે. ભારતીય પરંપરામાં સંતો જ સૂર્ય સમાન છે. હિન્દુ ધર્માંચાર્યોમાં પ્રમુખસ્વામી મહારાજને સેઇન્ટ ઓફ સેંચ્યુરી (Saint of Century)’ થી સન્માનવા જોઈએ તેવું હું દૃઢપણે માનું છું માટે આજે તેમને ભાવાંજલિ આપવા અમે સૌ પદયાત્રા કરીને આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવ્યા છીએ. પ્રમુખસ્વામી મહારાજ માત્ર સંપ્રદાયના આચાર્ય નહોતા પરંતુ સમષ્ટિના ધર્માચાર્ય હતા. આ પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શન કરીને સમગ્ર ભારત વર્ષ સદાચારનું પાલન કરવાનું શરૂ કરશે તેવી મને આસ્થા છે.”

આજની સભામાં આમંત્રિત મહાનુભાવો

આ સિવાય આજની  સભામાં જૈન ધર્મગુરુ પરમ પૂજ્ય વિજય અભયસૂરીશ્વરજી મહારાજ, જેકે યોગ (જગદગુરુ કૃપાલુજી યોગ)ના સ્થાપક સ્વામી મુકુંદાનંદ, કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજકુમાર રંજન સિંહ, ભારતમાં ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર ડેવિડ પાઈન, ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોન, ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર અને ભૂટાનમાં રાજદૂત બેરી ઓ’ફેરેલ AO, ભારતમાં કોરિયાના રાજદૂત ચાંગ જે-બોક, ઓસ્ટ્રેલિયા સરકારના શેડો મિનિસ્ટર જેસન વુડ MP, ભારતમાં નેપાળના રાજદૂત ડૉ. શંકર પ્રસાદ શર્મા, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ શેડો મંત્રી – વિક્ટોરિયા રાજ્ય સરકારના ક્રેગ ઓંડાર્ચી, ભારતમાં શ્રીલંકાના હાઈ કમિશનરઅસોકા મિલિન્દા મોરાગોડા, ભારતમાં કઝાકિસ્તાનના રાજદૂત અર્દક કાકિમઝાનોવ, ભારતમાં મંગોલિયાના રાજદૂત ગેનબોલ્ડ ડંબજાવ્, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ગાંધીનગરના વાઇસ ચાન્સેલર ડો. અર્જુનસિંહ રાણા અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. ડો. બિમલ પટેલ જેવાં આમંત્રિત મહાનુભાવો હાજર રહ્યાં હતાં.

આ ઉપરાંત  આજે અનેક સંતોએ આજની સભામાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

BAPSના પૂજ્ય ગુણચિંતન સ્વામીએ ‘સમજણનો આયામ’ વિષયક વક્તવ્યમાં જણાવ્યું હતું કે, “પ્રમુખસ્વામી મહારાજે આપેલી સમજણથી શાંતિનો રાજમાર્ગ ખુલ્લો થઈ જાય છે. મૃત્યુ સામે હોય છતાં પણ બળની વાત કરનારા હરિભક્તો પ્રમુખસ્વામી એ તૈયાર કર્યા છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે કે સમજણ આપત્કાળે કળાય છેઅને પ્રમુખસ્વામી મહારાજે તેવા હરિભક્તોનું નિર્માણ કર્યું છે.”

BAPSના પૂજ્ય પ્રિયચિંતન સ્વામીએ ‘સંસ્કારનો આયામ’ વિષયક વક્તવ્યમાં જણાવ્યું હતું કે, “પ્રમુખસ્વામી મહારાજે પ્રમાણિકતા, તપ, જ્ઞાન, નિયમધર્મ અને આજ્ઞાના સંસ્કારોનું સિંચન દેશ વિદેશના તમામ બાળકોમાં કર્યું છે. તમામ બાળ બાલિકાઓ અને સત્સંગીઓ નિયમ ધર્મમાં રહીને ગુરુહરિનો રાજીપો પ્રાપ્ત કરી રહ્યા છે.”

BAPSના પૂજ્ય આર્ષપુરુષ સ્વામીએ ‘સુહૃદભાવનો આયામ’ વિષયક વક્તવ્યમાં જણાવ્યું હતું કે,  “ભગવાન સ્વામિનારાયણે કહ્યું હતું કે, ‘જ્યાં સંપ અને સુહૃદયભાવ દયા અને મર્યાદા હોય ત્યાં પ્રભુ નિવાસ કરીને રહે છે. સમગ્ર ભક્ત સમુદાય એક પરિવારના ભાવ સાથે જીવી રહ્યા છે.”

BAPSના પૂજ્ય પરમચિંતન સ્વામીએ જણાવ્યું હતું કે, “સત્સંગ વ્યક્તિને વિવેક આપે છે, જીવન પરિવર્તન તરફ આગળ લઈ જાય છે, સત્સંગ ભગવતશ્રદ્ધા દૃઢાવે છે, સત્સંગ વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક જ્ઞાન પ્રેરે છે અને અંતે મોક્ષ તરફ લઈ જાય છે. મહંતસ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં કહ્યું છે કે સઘળું સુફળ સત્સંગ કરવાથી પ્રાપ્ત થાય છે , માટે મુમુક્ષુઓએ સદાય સત્સંગ કરવો.  સત્સંગ કરવા માટે મંદિર ખૂબ જ જરૂરી છે અને પ્રમુખસ્વામી મહારાજે અનેક મંદિરોનું નિર્માણ દેશ વિદેશમાં કર્યું છે.”

Back to top button