ICC દ્વારા ભારત અને પાકિસ્તાન બંને સામે લેવામાં આવ્યા કડક પગલાં


એશિયા કપમાં ભારતે મેચ તો જીતી લીધી, પરંતુ મેચમાં ધીમી ઓવર નાંખવા બદલ દંડ પણ ભરવો પડ્યો છે. જો કે પાકિસ્તાની ટીમે પણ આવી જ ભૂલ કરી હતી અને નિયત સમય મર્યાદાથી ધીમી ઓવર નાંખી હતી. બંને ટીમને દંડ ભરવાની નોબત આવી છે. એશિયા કપ 2022ની પોતાની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું. ચાહકોને અહીં રોમાંચક મેચ જોવા મળી હતી, પરંતુ International Cricket Council (ICC) દ્વારા બંને ટીમોને દંડ ફટકારવામાં આવ્યો છે. બંને ટીમો દ્રારા ધીમી ઓવરો નાંખવાને ICCએ આ પગલું લીધું છે. ટીમોને 40 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
ICC દ્વારા ભારત અને પાકિસ્તાનની ટીમને 40 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે, આ ધીમી ઓવર રેટના કારણે થયું છે. બંને ટીમોએ તેમની ફિલ્ડિંગ સમયે ઓવર પૂરી કરવામાં નિર્ધારિત સમય કરતા વધુ સમય લીધો હતો. આ દંડ ખેલાડીઓની મેચ ફી પર આધારિત છે, એટલે કે ભારતીય ટીમને આમાં વધુ નુકસાન થયું છે. કારણ કે ભારતીય ખેલાડીઓની મેચ ફી પાકિસ્તાની ખેલાડીઓ કરતા ઘણી વધારે છે.
આ પણ વાંચો : AsiaCup-2022 : હોંગકોંગ સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાની શું રહેશે રણનીતિ ?
મેચ રેફરી જેફ ક્રોના જણાવ્યા અનુસાર, રોહિત શર્મા અને બાબર આઝમ બંને કેપ્ટન શેડ્યૂલથી લગભગ બે ઓવર પાછળ ચાલી રહ્યા હતા. ICCએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ખેલાડીઓ અને તેમના સપોર્ટ સ્ટાફ માટે ધીમી ઓવર રેટ સંબંધિત ICC કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.22 અનુસાર, નિર્ધારિત સમયમાં એક ઓવર ઓછી નાંખવા પર મેચ ફીના 20 ટકા દંડ કરવામાં આવે છે.
ICCનું કહેવું છે કે બંને કેપ્ટનોએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને તેમણે દંડ સ્વીકારી લીધો છે, તેથી ઔપચારિક સુનાવણીની જરૂર નહોતી. મેદાન પરના અમ્પાયર મસૂદુર રહેમાન અને રુચિરા પિલિયાગુરુગે, ત્રીજા અમ્પાયર રવિન્દ્ર વિમલાસિરી અને ચોથા અમ્પાયર ગાઝી સોહેલે બંને ટીમો પર આ આરોપો લગાવ્યા હતા.