આ વર્ષે યોજાનાર એશિયા કપની યજમાની શ્રીલંકા પાસે છે.પરંતુ તે આર્થિક સંકટને કારણે ટૂર્નામેન્ટનું આયોજન કરી શકશે નહીં. શ્રીલંકા ક્રિકેટ (SLC) એ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ને સ્પષ્ટપણે આ વાત કહી છે. આવી સ્થિતિમાં એશિયા કપ યુએઈમાં શિફ્ટ થઈ શકે તેવી અટકળો ચાલી રહી હતી. પરંતુ તેના પર પણ ACCના સૂત્રોએ જણાવ્યું છે કે UAE સિવાય ભારત પણ એશિયા કપ યોજવા માટેનો વિકલ્પ છે. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. આવી સ્થિતિમાં જો એશિયા કપ ભારતમાં યોજાય છે તો ટીમ ઈન્ડિયા ફરીથી પાકિસ્તાન સાથે તેના જ ઘર આંગણે જ ટક્કર આપશે.
પેટ્રોલ અને ડીઝલ માટે ક્રિકેટરોને પણ ઉભું રહેવું પડે છે લાઈનમાં
તમને જણાવી દઈએ કે આ વર્ષે શ્રીલંકામાં એશિયા કપનું આયોજન થવાનું છે. પરંતુ આ દેશમાં આર્થિક સંકટ હજુ પણ ચરમસીમા પર છે. 60 લાખથી વધુ લોકો સામે અન્ન સંકટ ઉભું થયું છે. દવા, રાંધણ ગેસ, બળતણ અને ટોઇલેટ પેપર જેવી આવશ્યક ચીજવસ્તુઓની તીવ્ર અછત છે, જેના કારણે શ્રીલંકાના લોકોને ઇંધણ અને રાંધણ ગેસ ખરીદવા કલાકો સુધી દુકાનોની બહાર કતારોમાં રાહ જોવાની ફરજ પડી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને પણ પેટ્રોલ અને ડીઝલ માટે બે દિવસ લાઈનોમાં ઉભા રહેવું પડે છે.
UAE એશિયા કપ યોજવા માટે છેલ્લો વિકલ્પ નથી
ACCના સૂત્રોએ પીટીઆઈને કહ્યું, ‘શ્રીલંકન ક્રિકેટે સ્પષ્ટ કરી દીધું છે કે તેમના દેશમાં રાજકીય અને આર્થિક સ્થિતિ સારી નથી. ખાસ કરીને વિદેશી હૂંડિયામણના સંદર્ભમાં નહીં. આવી સ્થિતિમાં 6 ટીમો સાથે મોટી ટૂર્નામેન્ટનું આયોજન શક્ય નહીં બને.
ACC અધિકારીએ કહ્યું, ‘એશિયા કપ યોજાવા માટે UAE છેલ્લો વિકલ્પ નથી. યાદીમાં અન્ય દેશો પણ છે. આ ટુર્નામેન્ટ ભારતમાં પણ યોજાઈ શકે છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પહેલા UAE ક્રિકેટ બોર્ડના અધિકારીઓ પાસેથી પણ અંતિમ મંજૂરી લેવી પડશે. પછી ત્યાં ટુર્નામેન્ટ યોજી શકાય. તેમણે કહ્યું કે જે પણ નિર્ણય લેવામાં આવશે તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.