સ્પોર્ટસ

એશિયા કપ : ભારત અને પાકિસ્તાનના મેચની ટિકિટ માટે ચેતવણી જાહેર કરવામાં આવી, શું છે ઈશ્યુ ?

Text To Speech

ક્રિકેટ રસીકો માટે સૌથી પ્રિય એવી ભારત પાકિસ્તાનની મેચ હોય તો સૌ કોઈના માટે અનેરો ઉત્સાહ હોય છે. આ વખતે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાવાની છે. તમામ ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેચની ટિકિટનું વેચાણ પણ 15 ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે. એક મીડિયા અહેવાલ અનુસાર, સોમવારે ભારત અને પાકિસ્તાનની આ મેચની ટિકિટ માત્ર ત્રણ કલાકમાં જ વેચાઈ ગઈ હતી, પરંતુ કેટલાક લોકો આ મેચની ટિકિટો ફરીથી વેચતા જોવા મળ્યા હતા.

કેમ આપવી પડી ચેતવણી ?

એશિયા કપ ટિકિટિંગ પાર્ટનર પ્લેટિનિયમે કહ્યું છે કે જે ટિકિટ ફરીથી વેચાઈ છે તે આપોઆપ રદ થઈ જશે. આ પ્લેટફોર્મે તેની વેબસાઈટ પર આ માહિતી આપી અને એ પણ કહ્યું કે ટિકિટનું ફરીથી વેચાણ કરવું ગેરકાયદેસર છે. કંપનીએ તેની વેબસાઈટ પર લખ્યું છે કે, ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સેકન્ડરી ટિકિટ વેબસાઈટ પરથી પ્લેટિનિયમ ટિકિટ ન ખરીદે જે આ ટિકિટોનું રિસેલ કરી રહી છે કારણ કે આ ટિકિટો માન્ય નહીં હોય અથવા એન્ટ્રી કેન્સલ થઈ જાય તેવી શક્યતા છે.

જ્યારે વેબસાઈટ Dubizzle પર જોવામાં આવે છે, ત્યારે ‘હોસ્પિટલાઈઝ લોન્જ એક્સપીયરન્સ’ માટેની ટિકિટોની કિંમત Dh 5,500 હોવાનું કહેવાય છે જ્યારે તેની મૂળ કિંમત Dh 2,500 છે. જો કે સામાન્ય પ્રવેશ ટિકિટની કિંમત Dh 250 છે, વેબસાઇટ તેની કિંમત Dh 700 જણાવી રહી છે.

આ પણ વાંચો : પાકિસ્તાનને ધૂળ ચટાડનાર ક્રિકેટર વેંકટેશ પ્રસાદની ચૌકાવનારી તસવીર આવી સામે, જુઓ ફોટા

કલાકો સુધી ચાહકોએ રાહ જોઈ

યુએઈમાં ચાહકોએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટ ખરીદવા માટે લગભગ ત્રણ કલાક રાહ જોઈ હતી, પરંતુ તેમની રાહ વ્યર્થ ગઈ હતી. આયોજકો થોડા દિવસોમાં ટિકિટની નવી બેચ બહાર પાડશે. ભારત અને પાકિસ્તાનની ટીમો માત્ર એશિયા કપ અથવા આઈસીસીની ટુર્નામેન્ટમાં જ સામસામે હોય છે અને તેથી આ મેચની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.

Back to top button