ટ્રેન્ડિંગનેશનલ

અશોક તંવર આજે ભાજપમાં જોડાશે, AAPમાંથી આપ્યું હતું રાજીનામું

Text To Speech

નવી દિલ્હી, 20 જાન્યુઆરી:  આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ હરિયાણાના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ અશોક તંવર આજે ભાજપમાં જોડાશે. દિલ્હી બીજેપી હેડક્વાર્ટર ખાતે બપોરે 1 વાગ્યે જોડાશે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ અને પ્રદેશ અધ્યક્ષ નાયબ સૈની પણ હાજર રહેશે. તેમના સમર્થકોનો શુક્રવારથી દિલ્હીમાં તંવરના ઘરે મેળાવડો લાગ્યો છે. પૂર્વ સાંસદે પોતાના સમર્થકોને સવારથી દિલ્હી સ્થિત બીજેપી કાર્યાલય પર પહોંચવાનું કહ્યું હતું.એટલું જ નહીં, દિલ્હીમાં અશોક તંવરના નિવાસસ્થાને આશરે 1000થી 1500 કાર્યકરો અને નેતાઓને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

તંવર ગઠબંધનથી નારાજ હતા

કહેવામાં આવી રહ્યું છે કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને કારણે અશોક તંવર નારાજ હતા. તેમણે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું કે જે રીતે આમ આદમી પાર્ટીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે, મારો અંતરાત્મા આ વાતની સાક્ષી આપતો નથી. તેથી, હું ચૂંટણી ફરિયાદ સમિતિના અધ્યક્ષ પદેથી અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. હું હરિયાણા અને ભારત દેશના ભલા માટે કામ કરવાનું ચાલુ રાખીશ.

અશોક તંવરની રાજકીય કારકિર્દી

અશોક તંવરની હરિયાણામાં લાંબી રાજકીય કારકિર્દી છે. તેઓ લાંબા સમયથી હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા છે. 2019ની વિધાનસભા ચૂંટણી પહેલા હુડ્ડા અને અશોક તંવર વચ્ચે મતભેદોને કારણે તેમને અધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ તંવરે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. રાહુલ ગાંધીના નજીકના ગણાતા અશોક તંવરે કોંગ્રેસ છોડ્યાના લગભગ દોઢ વર્ષ પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીમાં જોડાયા અને હરિયાણામાં દીદીની પાર્ટીના અધ્યક્ષ બન્યા. લગભગ 6 મહિના પછી તંવરે પણ TMC છોડી દીધી. ત્યારબાદ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા. કેજરીવાલે તેમને હરિયાણામાં AAPની પ્રચાર સમિતિના અધ્યક્ષ પણ બનાવ્યા હતા, પરંતુ લગભગ અઢી વર્ષ ત્યાં રહ્યા બાદ હવે તંવર લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો: પંજાબમાં AAP સરકારના પ્રથમ નાણાકીય વર્ષમાં રોકાણ 85% ઘટ્યું: અભ્યાસ

Back to top button