રાજસ્થાનની રાજકીય પરિસ્થિતિ માટે અશોક ગેહલોત જવાબદાર નહીં, નિરીક્ષકોએ આપ્યો રિપોર્ટ
રાજસ્થાનના રાજકીય સંકટ પર નિરીક્ષકોએ રિપોર્ટ સોનિયા ગાંધીને મોકલી આપ્યો છે. આ રિપોર્ટમાં રાજકીય સંકટ માટે અશોક ગેહલોતને જવાબદાર ઠેરવ્યા વિના ક્લીનચીટ આપવાની વાત સામે આવી છે. આ સાથે નિરીક્ષકો સિવાય બીજી બેઠક બોલાવનાર અગ્રણી નેતાઓ સામે શિસ્તભંગના પગલાંની ભલામણ કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો ?
મળતી માહિતી મુજબ, રાજસ્થાનમાં કોંગ્રેસના ધારાસભ્યો સચિન પાયલટને સીએમ બનાવવાનો વિરોધ કરી રહ્યા હતા. વિરોધને સમાપ્ત કરવા માટે, કોંગ્રેસ હાઈકમાન્ડે મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને નિરીક્ષક તરીકે મોકલ્યા હતા. પરંતુ ધારાસભ્યોએ નિરીક્ષકોના મંતવ્યો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમજ અજય માકન પર સચિન પાયલટ માટે લોબિંગ કરવાનો આરોપ હતો. દિલ્હી આવ્યા બાદ મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન સોનિયા ગાંધીને મળ્યા હતા. અહીં સોનિયા ગાંધીએ બંનેને લેખિત રિપોર્ટ આપવા કહ્યું હતું. ખડગે અને માકને કહ્યું હતું કે ધારાસભ્યોએ તેમની સામે ત્રણ શરતો મૂકી છે. પહેલી શરત 19 ઓક્ટોબર પછી રાજસ્થાનના સીએમ અંગે નિર્ણય લેવામાં આવે એટલે કે કોંગ્રેસ પ્રમુખ પદ માટેની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ. બીજી શરત એ હતી કે કોંગ્રેસના ધારાસભ્યો સાથે સમૂહમાં મળીને વાત કરવી જોઈએ. તેમની સાથે અલગથી વાત ન કરો અને ત્રીજી શરત એ હતી કે રાજસ્થાનના સીએમ ગેહલોત ગ્રુપના હોવા જોઈએ. અહીં પાયલોટનો સીધો વિરોધ જોવા મળ્યો હતો. ગેહલોત જૂથના મોટાભાગના ધારાસભ્યો પાયલટ વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે પાયલોટે ગેહલોત સરકારને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલા માટે તેમને સીએમ બનવાની મંજૂરી આપી શકાય નહીં.
ગેહલોતે સોનિયા ગાંધી સાથે વાત કરી હતી
રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે સીએમ અશોક ગેહલોતે મંગળવારે જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ વાત કરી હતી. ગેહલોતે સોનિયાને કહ્યું કે હું કોંગ્રેસ હાઈકમાન્ડને ક્યારેય પડકારીશ નહીં. આ વાતચીતમાં ગેહલોતે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ હાઈકમાન્ડનો નિર્ણય સ્વીકારશે. મતલબ કે જો સચિન પાયલટને રાજસ્થાનના સીએમ બનાવવામાં આવશે તો તેઓ વિરોધ નહીં કરે.