ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા

Text To Speech
  • નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અશોક ચવ્હાણને ભાજપનું પ્રાથમિક સભ્યપદ આપ્યું 

મુંબઈ, 13 ફેબ્રુઆરી: લોકસભા ચૂંટણી 2024 પહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ કોંગ્રેસને ઝટકો આપતા ભાજપમાં જોડાઈ ગયા છે. અશોક ચવ્હાણ મંગળવારે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. દેવેન્દ્ર ફડણવીસે અશોક ચવ્હાણને ભાજપનું પ્રાથમિક સભ્યપદ આપ્યું છે. એક દિવસ પહેલા એટલે કે સોમવારે અશોકે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. માનવામાં આવે છે કે, ભાજપ અશોક ચવ્હાણને રાજ્યસભામાં મોકલશે. અશોક ચવ્હાણે સોમવારે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.

 

ભાજપમાં જોડાતા પહેલા અશોક ચવ્હાણે શું કહ્યું?

ભાજપમાં જોડાતા પહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે મંગળવારે કહ્યું હતું કે, તેઓ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાશે. તેમણે પત્રકારોને જણાવ્યું કે, ‘હું આજે મુંબઈમાં બીજેપી કાર્યાલય જઈને તેમાં (ભાજપ) જોડાઈ રહ્યો છું. આજે મારા જીવનમાં એક નવી રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ રહી છે.’ જ્યારે ચવ્હાણને પૂછવામાં આવ્યું કે, શું કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ તેમને કોઈ ફોન કર્યો છે, તો તેનો તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો.

અશોક ચવ્હાણે રાજીનામું આપવાનું કારણ આપ્યું નથી

ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એસબી ચવ્હાણના પુત્ર 65 વર્ષીય અશોક ચવ્હાણે સોમવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “કોંગ્રેસ છોડવું એ તેમનો સ્વતંત્ર નિર્ણય છે” અને તેમના નિર્ણય માટે કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ બાબા સિદ્દીકી અને મિલિંદ દેવરાએ પણ થોડા દિવસો પહેલા પાર્ટી છોડી દીધી હતી. ચૌહાણ મરાઠાવાડા ક્ષેત્રના નાંદેડ જિલ્લાના રહેવાસી છે. તેઓ 2014-19 દરમિયાન કોંગ્રેસના રાજ્ય એકમના વડા પણ હતા. તેમણે ભોકર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું અને નાંદેડ લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ પણ રહી ચૂક્યા છે.

આ પણ જુઓ: મહારાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ફટકો, પૂર્વ CM અશોક ચવ્હાણનું MLA પદ પરથી રાજીનામું

Back to top button