ગાયિકા જ નહીં, ‘માસ્ટરશેફ’ પણ હતા આશા ભોસલે: જાણો ગાયિકા સિવાયના અન્ય શોખ

Asha Bhosle Passes Away: બોલિવૂડના ‘સુરની મલ્લિકા’ આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. કાર્ડિયાક અરેસ્ટને કારણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. આશાજી માત્ર તેમના સુરીલા અવાજ માટે જ નહીં, પણ રાંધવાના અને ખવડાવવાના અનોખા શોખ માટે પણ જાણીતા હતા. બહુ ઓછા લોકો જાણે છે કે ગાયકીના શિખરો સર કરનાર આશાજી વિશ્વભરમાં ફેલાયેલી અંદાજે 10 રેસ્ટોરન્ટ્સના માલિક પણ હતા.
રેસ્ટોરન્ટ્સની સફર: દુબઈથી લંડન સુધી
આશા ભોસલેએ દુબઈમાં પોતાની પ્રથમ ઈન્ડિયન રેસ્ટોરન્ટ ખોલી હતી. એક ઈન્ટરવ્યુમાં તેમણે ખુલાસો કર્યો હતો કે દુબઈ ઉપરાંત લંડન, મેન્ચેસ્ટર અને બર્મિંગહામમાં તેમની રેસ્ટોરન્ટ્સ ધમધમી રહી છે. આ ઉપરાંત કુવૈત, દોહા, કતાર, બહેરીન અને અબુ ધાબી જેવા મધ્ય-પૂર્વના દેશોમાં પણ તેમના નામની રેસ્ટોરન્ટ્સ આવેલી છે.
પુત્રના વચનથી થઈ શરૂઆત
રેસ્ટોરન્ટ ખોલવાનો વિચાર તેમના પુત્ર આનંદ ભોસલેનો હતો. આશાજીએ જણાવ્યું હતું કે, “જ્યારે આનંદ નાનો હતો, ત્યારે હું કામ પરથી મોડી આવતી છતાં તેને મારા હાથે રસોઈ બનાવી ખવડાવતી. ત્યારે તેણે મને વચન આપ્યું હતું કે ‘મમ્મી, હું મોટો થઈશ ત્યારે તારા નામે રેસ્ટોરન્ટ ખોલીશ અને તેમાં તારી રેસિપીનું જ જમવાનું હશે.'”
શેફ કોટ પહેરવો ગમતો
સંગીત ક્ષેત્રે અનેક એવોર્ડ્સ જીતનાર આશાજીને રસોઈ પ્રત્યે એટલો લગાવ હતો કે તેમને મોંઘા ડ્રેસ કરતા ‘શેફ કોટ’ પહેરવો વધુ ગમતો હતો. 10 વર્ષની ઉંમરે 1943માં ગાયકી શરૂ કરનાર આશાજીએ અંગત જીવનમાં અનેક સંઘર્ષો જોયા, પરંતુ બાળકોને ઉછેરવાની સાથે રસોઈ અને સંગીતનો સમન્વય જાળવી રાખ્યો હતો.












