આસારામને સુપ્રીમ કોર્ટમાંથી ન મળી રાહત, સજા માફીની અરજી ફગાવી
- સુપ્રીમ કોર્ટને આસારામ બાપુએ સ્વાસ્થ્યના કારણોસર સજાને સ્થગિત કરવાની કરી હતી વિનંતી
નવી દિલ્હી, 1 માર્ચ: સર્વોચ્ચ અદાલતે દુષ્કર્મના કેસમાં સજા કાપી રહેલા આસારામ બાપુને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આસારામ બાપુની સજા માફ કરવાની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. મળતી માહિતી મુજબ, આસારામ બાપુએ સુપ્રીમ કોર્ટને સ્વાસ્થ્યના કારણોસર સજાને સ્થગિત કરવાની વિનંતી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તેની અરજી પર સુનાવણી કરવાનો જ ઇનકાર કરી દીધો હતો. આ દરમિયાન આસારામ બાપુને પોલીસ કસ્ટડીમાં રાખીને મહારાષ્ટ્રની હોસ્પિટલમાં સારવાર માટે રાજસ્થાન હાઈકોર્ટનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે.
Asaram Bapu withdraws plea before Supreme Court to suspend sentence in 2013 rape case
Read story: https://t.co/UYfUgIrHto pic.twitter.com/HmKu3V0HY5
— Bar & Bench (@barandbench) March 1, 2024
સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટમાં જવાનું કહ્યું
સુપ્રીમ કોર્ટે આસારામ બાપુને પોલીસ કસ્ટડીમાં રાખીને મહારાષ્ટ્રની હોસ્પિટલમાં સારવાર લેવા માટે રાજસ્થાન હાઈકોર્ટનો સંપર્ક કરવાની સલાહ આપી છે. મહારાષ્ટ્રમાં પોલીસ કસ્ટડીમાં આસારામ બાપુએ આયુર્વેદિક સારવારની પણ માગણી કરી હતી, જેના પર કોર્ટે તેમને રાજસ્થાન હાઈકોર્ટમાં જવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે આસારામ બાપુને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી, આ પહેલા પણ તેમને સુપ્રીમ કોર્ટમાંથી આંચકો લાગ્યો છે.
હાઈકોર્ટ તરફથી પણ લાગ્યો છે ઝટકો
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ડિવિઝનલ બેંચે રાજસ્થાન હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ આસારામ બાપુની અરજી પર સુનાવણી કરી રહી હતી. હકીકતમાં, હાઈકોર્ટે સજા સ્થગિત કરવા માટેની તેમની ચોથી અરજીને ફગાવી દીધી હતી અને કોર્ટે કહ્યું હતું કે, જો આસારામને પોલીસ કસ્ટડીને બદલે પોતાની મરજીથી સારવાર કરાવવા દેવામાં આવે તો કાયદો અને વ્યવસ્થા બગડી શકે છે. અરજદારની ફેન ફોલોઈંગને જોતા અમારું માનવું છે કે પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે તેને હોસ્પિટલમાં સારવાર લેવાની મંજૂરી આપવી જોઈએ.
આ પણ જુઓ: સાંસદો પર 24 કલાક દેખરેખ રાખવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, અરજદારને પાંચ લાખનો દંડ