બિહારમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી તૂટી, પાંચમાંથી ચાર ધારાસભ્યો RJDમાં જોડાશે
પટના, બિહારના રાજકીય ગરમાનામાં આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીમાં મોટો ભંગાણ થયો છે. ઓવૈસીની પાર્ટીના ચાર ધારાસભ્યો તેજસ્વી યાદવની આગેવાની હેઠળના રાષ્ટ્રીય જનતા દળમાં જોડાશે. બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે પોતે પણ ઓવૈસીની પાર્ટીના ચાર ધારાસભ્યોના જોડાવાની પુષ્ટિ કરી છે.
આ પહેલા બુધવારે બપોરે અચાનક તેજસ્વી યાદવ સ્પીકર વિજય સિંહા જોડે પહોંચ્યા અને AIMIMના 4 ધારાસભ્યો સાથે મુલાકાત કરી. આ દરમિયાન અખ્તરુલ ઈમાન સિવાય AIMIMના તમામ ધારાસભ્યો હાજર હતા. પાર્ટીના જે ધારાસભ્યો આરજેડીમાં જોડાઈ રહ્યા છે તેમાં કોચાધામન સીટના ધારાસભ્ય મોહમ્મદ ઈઝહર અસ્ફી, જોકીહાટથી શહનાબાઝ આલમ, બયાસીથી રુકનુદ્દીન અહેમદ અને બહાદુરગંજના ધારાસભ્ય અંજાર નઈમી છે.
RJD બિહારમાં સૌથી મોટી પાર્ટી બની
ઓવૈસીની પાર્ટીના ચાર ધારાસભ્યોના જોડાવાથી આરજેડી હવે બિહારમાં સૌથી મોટી પાર્ટી બની જશે. અગાઉ ભાજપે મુકેશ સાહનીની પાર્ટીના ધારાસભ્યોને પોતાની પાર્ટીમાં ભેળવી દીધા હતા. ત્યારબાદ તેના સભ્યોની સંખ્યા 77 પર પહોંચી ગઈ હતી. પરંતુ AIMIMના 4 ધારાસભ્યો જોડાયા બાદ હવે વિધાનસભામાં RJDના સભ્યોની સંખ્યા 75 થી વધીને 79 થઈ જશે.