ગુજરાત ચૂંટણી માટે ઓવૈસીનો શું છે માસ્ટરપ્લાન, જાણો AIMIMની રણનીતિ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં સત્તાધારી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત AIMIMને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. AIMIM તેલંગાણાથી આગળ વિસ્તરી રહ્યું છે. ગુજરાતના મુસ્લિમ અને દલિત મતદારો પર પાર્ટીની નજર છે, આ માટે પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી ગુજરાતમાં સતત રેલીઓ અને સભાઓ કરી રહ્યા છે. ગુજરાતમાં વધુમાં વધુ સીટો જીતવા માટે ઓવૈસીએ ‘માસ્ટર પ્લાન’ બનાવ્યો છે.
શું છે માસ્ટરપ્લાન?
ગુજરાત ચૂંટણી માટે AIMIMનો માસ્ટરપ્લાન શું છે? આ વાત આપણે અહીં જાણીશું. ગુજરાતની ચૂંટણીને આડે હવે માત્ર બે સપ્તાહનો સમય બાકી છે. અસદુદ્દીન ઓવૈસી અને તેમની પાર્ટી મુસ્લિમ મતદારોને રીઝવવા માટે સખત મહેનત કરી રહી છે. માસ્ટરપ્લાન મુજબ, AIMIM 15 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરી રહી છે, પાર્ટીએ ચૂંટણી માટે 20 લોકોની સોશિયલ મીડિયા ટીમ ઉતારી છે, જે દિવસ-રાત પ્રચારમાં વ્યસ્ત છે.
અસદુદ્દીન ઓવૈસીની 17 રેલી
પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી પોતે ગુજરાતમાં 17 રેલીઓ કરશે. આ સિવાય પાર્ટીના વરિષ્ઠ નેતા ઈમ્તિયાઝ જલીલ, વારિસ પઠાણ અને હૈદરાબાદના 7 ધારાસભ્યો ચૂંટણી જાહેર સભાઓ કરી રહ્યા છે. જ્યારે અકબરુદ્દીન ઓવૈસી પણ ચૂંટણીની છેલ્લી ઘડીએ પાર્ટીનો પ્રચાર કરવા ગુજરાત આવશે.
અમદાવાદમાં ઉતાર્યા 5 ઉમેદવારો
AIMIM એ અમદાવાદમાં પાંચ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી હિન્દુ ઉમેદવાર કૌશિકા પરમારને મેદાનમાં ઉતાર્યા છે. ઓવૈસીએ ચૂંટણીમાં દલિત ઉમેદવારોને પણ ટિકિટ આપી છે. આ બધાની વચ્ચે AIMIMનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.
તમામ પક્ષો પોતપોતાની રાજકીય ચાલથી એકબીજાને હરાવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી.જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતની ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે. અહીં 182 વિધાનસભા બેઠકો માટે 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. જ્યારે ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવશે.