ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CAA વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અસદુદ્દીન ઓવૈસી, પ્રતિબંધની કરી માંગ

Text To Speech

નવી દિલ્હી, 15 માર્ચ: કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન અધિનિયમ લાગુ થયા બાદ કેટલાક રાજકીય પક્ષ અને લોકો વિરોધ કરી રહ્યા છે. આ ક્રમમાં AIMIM ચીફ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. આ સાથે ઔવેસીએ NRCનો મુદ્દો પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ ઉઠાવ્યો છે. તેમણે કોર્ટમાં અરજી દાખલ કરીને અપીલ કરી છે કે, CAAના અમલ પર પ્રતિબંધ મૂકવામાં આવે.

અસદુદ્દીન ઓવૈસીએ અરજીમાં શું કહ્યું?

AIMIM ચીફે કોર્ટને કહ્યું કે CAA પછી NRC દેશમાં આવી રહ્યું છે અને આ બંનેનું અપવિત્ર જોડાણ છે. NRC દ્વારા ભારતીય મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અસદુદ્દીન ઓવૈસીએ આરોપ લગાવ્યો કે CAAથી ઉદ્દભવેલી દુષ્ટતા માત્ર નાગરિકતા આપવામાં ઘટાડો કરવાનું નથી, પરંતુ નાગરિકતા ન આપીને લઘુમતી સમુદાય સામે કાર્યવાહી કરીને તેમને અલગ પાડવાનો છે. તેમણે કોર્ટને અપીલ કરી છે કે, આદેશ બહાર પાડીને કહે કે, આ કાર્યવાહીના બાકી રહેલા સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિને નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 2(1)(b)ની જોગવાઈઓનો આશરો લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

સંશોધિત કાયદો બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ: ઓવૈસી

તેમણે પોતાની અરજીમાં કહ્યું હતું કે સુધારેલો કાયદો બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે. આ કલમ 14, 25 અને 21નું ઉલ્લંઘન કરે છે. આવી સ્થિતિમાં જ્યાં સુધી આ કેસની સુનાવણી ન થાય ત્યાં સુધી આ કાયદાના અમલ પર રોક લગાવવી જોઈએ. આ પહેલા CAA નોટિફિકેશનને લઈને અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે ધર્મના આધારે કોઈ કાયદો બનાવી શકાય નહીં. આ અંગે સુપ્રીમ કોર્ટના ઘણા નિર્ણયો છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે સોમવારે CAA, 2019 લાગુ કર્યો અને તેના નિયમોને સૂચિત કર્યા. આ કાયદો 31 ડિસેમ્બર, 2014 પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા બિનદસ્તાવેજીકૃત બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવાની જોગવાઈ કરે છે. જો કે, CAA લાગુ થયા બાદ વિપક્ષ સતત કેન્દ્ર પર નિશાન સાધી રહ્યું છે.

આ પણ વાંચો: CAA અંગે કોઈ મૂંઝવણ છે? ગૃહ મંત્રી અમિત શાહે આપ્યા દરેકના પ્રશ્નોના જવાબ

Back to top button