લો બોલો, લિફ્ટની બ્રેક ફેલ થતાં સડસડાટ પહોંચી 25મા માળે, છત પણ તોડી નાખી!
- નોઈડાની હાઈરાઈઝ સોસાયટીની ઘટના
- આ વિચિત્ર દુર્ઘટનામાં બે મહિલા સહિત ત્રણ ઘાયલ
નોઈડા, 13 મેઃ ઉત્તરપ્રદેશના નોઈડામાં વિચિત્ર દુર્ઘટના બની છે. હાઈરાઈઝ સોસાયટીની એક લિફ્ટની બ્રેક સિસ્ટમ એકાએક ફેલ થઈ જતાં લિફ્ટ સડસડાટ ઉપર તરફ દોડવા લાગી હતી અને છેક 25મા માળ સુધી પહોંચી ગઈ હતી. ટેકનિકલ ખામી સર્જાઈ હોવાને કારણે લિફ્ટ ત્યાં પણ અટકી નહોતી પરંતુ આરસીસીની છત તોડીને બહાર પણ નીકળી ગઈ હતી. આ ઘટનામાં બે મહિલા સહિત ત્રણ વ્યક્તિને ઈજા થઈ હતી.
અહેવાલ અનુસાર નોઈડાની પારસ ટીએરા સોસાયટીના પાંચ નંબરના ટાવરની લિફ્ટમાં આ ટેકનિકલ ખામી ઊભી થઈ હતી. લિફ્ટ ચોથા માળે પહોંચી ત્યારે તેમાં ખામી સર્જાઈ એવો ખ્યાલ આવતા તેમાં બેઠેલા લોકો બહાર નીકળવા લાગ્યા હતા. એ જ સમયે લિફ્ટ અચાનક સડસડાટ ઉપર તરફ જવા લાગી હતી. તેમાં બાકી રહેલા ત્રણ લોકો ગભરાઈ ગયા હતા પરંતુ તેમની પાસે કોઈ ઉપાય નહોતો. લિફ્ટ છેવટે 25 માળ સુધી પહોંચી ગઈ અને છત તોડીને થોડી બહાર નીકળી ત્યારે અટકી હતી. સ્થળ ઉપર પહોંચેલી પોલીસ તેમજ અગ્નિશામક દળે લિફ્ટમાં ફસાયેલા બે મહિલા સહિત ત્રણ લોકોને બહાર કાઢ્યા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
ઘટના અંગે વધારે વિગતો આપતા સ્થાનિક રહેવાસીઓએ મીડિયાને જણાવ્યું હતું કે, ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં પણ તેમની સોસાયટીમાં એક લિફ્ટનો કેબલ તૂટી જતાં લિફ્ટ પટકાઈ હતી અને તે સમયે તેમાં બેઠેલા 70 વર્ષના સુશીલા દેવીનું મૃત્યુ થયું હતું. ગઈકાલે રાત્રે ફરી આ સોસાયટીની લિફ્ટમાં ખામી સર્જાવાને કારણે પાંચમા નંબરના ટાવરની બંને લિફ્ટ હાલ પૂરતી સદંતર બંધ કરી દેવામાં આવી છે અને રહેવાસીઓને માત્ર દાદરનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. નોઈડાની આ હાઈફાઈ સોસાયટીમાં લિફ્ટમાં વારંવાર ખામી સર્જાય છે તેને કારણે હવે રહેવાસીઓ ભયભીત થઈ ગયા છે. તેમણે પોલીસ સમક્ષ આ અંગે બળાપો કાઢ્યો ત્યારે પોલીસે તેમને જવાબદારો સામે પગલાં લેવાનું આશ્વાસન આપ્યું હતું.
આ પણ વાંચોઃ કેજરીવાલે તેમના પીએ દ્વારા મને માર ખવડાવ્યોઃ AAP સાંસદ સ્વાતિ માલિવાલનો આક્ષેપ