ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

શેરબજાર ખુલતાની સાથે જ ધડામ…સેન્સેક્સ 700થી વધુ પોઇન્ટ તૂટ્યો

મુંબઈ, 2 ઓગસ્ટ : એક દિવસ પહેલા નવો ઈતિહાસ રચ્યા બાદ આજે શુક્રવારે ખુલતાની સાથે જ સ્થાનિક બજારમાં જોરદાર ઘટાડો નોંધાયો હતો. આજે વૈશ્વિક બજારોમાં ઘટાડાની સ્પષ્ટ અસર સ્થાનિક બજાર પર જોવા મળી રહી છે. BSE સેન્સેક્સ ખુલતાની સાથે જ 700થી વધુ પોઈન્ટ્સ તૂટ્યો, જ્યારે નિફ્ટીએ લગભગ 200 પોઈન્ટના નુકસાન સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ 630 પોઈન્ટના ઘટાડા સાથે 81,240 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. જયારે નિફ્ટી લગભગ 200 પોઈન્ટ ઘટીને 24,820 પોઈન્ટની નીચે ટ્રેડ થઇ રહ્યો હતો.

બજારમાં મોટા ઘટાડાના પૂર્વ સંકેતો

બજાર ખૂલતા પહેલા ગિફ્ટ સિટીમાં નિફ્ટી ફ્યુચર્સ ભારે ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી ફ્યુચર લગભગ 215 પોઈન્ટ ઘટીને 24,820 પોઈન્ટની નજીક આવી ગયો હતો. પ્રી-ઓપન સેશનમાં માર્કેટમાં ભારે ઘટાડાના સંકેત દેખાઈ રહ્યા હતા. BSE સેન્સેક્સ પ્રી-ઓપન સેશનમાં 700થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 81,160 પોઈન્ટની નજીક હતો. નિફ્ટી 220 પોઈન્ટથી વધુ ઘટીને 24,790 પોઈન્ટની નીચે ગયો હતો.

એક દિવસ પહેલા જ નવો ઈતિહાસ રચાયો હતો

આ પહેલા ગુરુવારે નવા મહિનાના પહેલા દિવસે સ્થાનિક બજારે નવો રેકોર્ડ બનાવ્યો હતો. ગઈકાલના ટ્રેડિંગમાં સેન્સેક્સ પ્રથમ વખત 82 હજાર પોઈન્ટની સપાટીને પાર કરવામાં સફળ રહ્યો હતો અને 82,129.49 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 126.20 પોઈન્ટ (0.15 ટકા)ના વધારા સાથે 81,867.55 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. ગુરુવારે નિફ્ટીએ ઈતિહાસમાં પ્રથમ વખત 25 હજાર પોઈન્ટની સપાટી વટાવી હતી અને 25,078.30 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો.

આ પણ વાંચો : RBI: બે હજારની 98 ટકા નોટ બેન્કોમાં પરત લેવાઇ, જાણો હજુ કેટલી બાકી

અમેરિકન બજારની તેજી પર બ્રેક લાગી

ગુરુવારે અમેરિકન બજારો લાલ નિશાનમાં હતા. વોલ સ્ટ્રીટ પર ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 1.21 ટકાના નુકસાનમાં હતો. એ જ રીતે, S&P 500માં 1.37 ટકા અને નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સમાં 2.30 ટકાનો ભારે ઘટાડો જોવા મળ્યો હતો. એશિયન બજારો પણ આજે નુકસાનમાં કારોબાર કરી રહ્યા છે. જાપાનનો નિક્કી લગભગ 5 ટકા નીચે છે, જ્યારે ટોપિક્સ 5 ટકાથી વધુના નુકસાન સાથે ટ્રેડ કરી રહ્યો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 2.60 ટકા અને કોસ્ડેક 2.56 ટકાના નુકસાનમાં છે. હોંગકોંગના હેંગસેંગમાં પણ શરૂઆતી નુકસાનના સંકેત દેખાઈ રહ્યા છે.

શરૂઆતી કારોબારમાં મોટા શેરોમાં ઘટાડો

શરૂઆતના વેપારમાં સેન્સેક્સના ત્રણ સિવાયના તમામ મુખ્ય શેરો ખોટમાં ટ્રેડ થઇ રહ્યા છે. ટાટા મોટર્સમાં સૌથી વધુ 4 ટકાનો ઘટાડો થયો હતો. મારુતિ સુઝુકી અને ટાટા સ્ટીલમાં પણ 3 ટકાથી વધુનો ઘટાડો થયો છે. જ્યારે L&T, JSW સ્ટીલ, ICICI બેંક, ટેક મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, SBI જેવા શેર 1 થી 2 ટકા તૂટ્યા હતા. માત્ર હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી અને નેસ્લે ઈન્ડિયાના શેર જ ગ્રીન ઝોનમાં છે.

આ પણ વાંચો : શું પેરિસ ઓલિમ્પિકની બોક્સિંગ ઇવેન્ટમાં થઈ અપ્રમાણિકતા? માત્ર 46 સેકન્ડમાં મેચ થઈ ગઈ સમાપ્ત

Back to top button