ઓડિશામાં ભાજપની સરકાર બનતાની સાથે જ જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ખુલ્યા
- ઓડિશાના જગન્નાથ મંદિરના ચારેય દરવાજા આજે વહીવટીતંત્રની હાજરીમાં ખોલવામાં આવ્યા, આ પ્રસંગે મુખ્યમંત્રી માઝી પણ હાજર રહ્યા
પુરી, 13 જૂન: ઓડિશામાં પ્રથમ વખત ભાજપની સરકાર બની છે, બીજેપીની સરકાર બનતાની સાથે જ જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જગન્નાથ મંદિરના ચારેય દરવાજા મુખ્યમંત્રી મોહન ચરણ માઝીની હાજરીમાં ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન માજીએ જગન્નાથ મંદિરમાં પૂજા કરી હતી. પુરીના સાંસદ સંબિત પાત્રા, બાલાસોરના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી અને અન્ય પાર્ટીના નેતાઓ પણ હાજર રહ્યા હતા.
કેબિનેટમાં ઠરાવ પસાર, ભાજપે તેનું પહેલું વચન કર્યું પુરુ
ભાજપે જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ખોલવાનું ચૂંટણી વચન આપ્યું હતું. બુધવારે (12 જૂન) શપથ લીધા બાદ ઓડિશા કેબિનેટની બેઠકમાં જગન્નાથ મંદિરના 4 દરવાજા ખોલવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આજે સવારે વહીવટી તંત્રની હાજરીમાં 4 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ભક્તો ચારેય દરવાજાથી મંદિરમાં પ્રવેશ કરી શકશે. આ સાથે માઝી સરકારે પોતાનું પહેલું ચૂંટણી વચન પૂરું કર્યું છે.
#WATCH | Puri: Odisha CM Mohan Charan Majhi says, “We had proposed to open all the four gates of Jagannath Temple in yesterday’s cabinet meeting. The proposal was passed and today at 6:30 am, I along with my MLAs and Puri MP (Sambit Patra) attended the ‘Mangala aarti’… For the… pic.twitter.com/vioZvBEjl3
— ANI (@ANI) June 13, 2024
કોવિડના કારણે જગન્નાથ મંદિરના ચારેય દરવાજા બંધ હતા
કોવિડ-19 મહામારી બાદ બીજુ જનતા દળ સરકારે મંદિરના ચારેય દરવાજા બંધ કરી દીધા હતા. ભક્તો માત્ર એક જ દ્વારથી પ્રવેશી શકતા હતા અને તમામ દરવાજા ખોલવાની માંગ કરવામાં આવી હતી. માઝીએ કહ્યું કે કેબિનેટે મંદિરના સંરક્ષણ માટે 500 કરોડ રૂપિયાનું ફંડ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી માઝી બુધવારે રાત્રે જ પુરી જવા રવાના થયા હતા. આખી રાત યાત્રાધામ નગરીમાં વિતાવ્યા બાદ આજે સવારે જગન્નાથ મંદિરના ચારેય દરવાજા તેમની હાજરીમાં ખોલવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ઓડિશામાં ભાજપના પ્રથમ સીએમ બન્યા મોહન માઝી, 2 ડેપ્યુટી સીએમ અને 13 મંત્રીઓએ લીધા શપથ