T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપટોપ ન્યૂઝવિશેષસ્પોર્ટસ

હેઝલવુડનો બફાટ ઓસ્ટ્રેલિયાને તકલીફમાં મૂકી શકે છે – જાણો કેવી રીતે

13 જૂન, નોર્થ સ્ટેન્ડ (એન્ટીગા): ગઈકાલે નામિબિયાને આસાનીથી હરાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. પરંતુ આ પ્રેસ કોન્ફરન્સમાં હેઝલવુડનો બફાટ ઓસ્ટ્રેલિયા અને તેના કેપ્ટન મિચેલ માર્શને તકલીફમાં મૂકી શકે તેમ છે.

ગઈકાલે ઓસ્ટ્રેલિયાએ નામિબિયાને નવ વિકેટે આસાન હાર આપી હતી. આ જીત સાથે ગ્રુપ Bમાં ઓસ્ટ્રેલિયા 6 પોઈન્ટ્સ સાથે ટોચ ઉપર છે અને તે Super 8s માટે ક્વોલીફાય થઇ ગયું છે. આ જ ગ્રુપમાં ઓસ્ટ્રેલિયાનું પરંપરાગત હરીફ ઇંગ્લેન્ડ પણ છે પરંતુ તેની હાલત ઘણી ખરાબ છે. સ્કોટલેંડ સામે ઇંગ્લેન્ડની મેચ ધોવાઇ જતા તેને એક પોઈન્ટ મળ્યો હતો જ્યારે ઓસ્ટ્રેલિયા સામે તેની બહુ મોટા માર્જીનથી હાર થઇ હતી. આ રીતે ઇંગ્લેન્ડ આ ગ્રુપમાં છેક ચોથા નંબરે છે.

હવે ઓસ્ટ્રેલિયાએ સ્કોટલેંડ સામે રમવાનું બાકી છે જ્યારે ઇંગ્લેન્ડે નામિબિયા અને ઓમાન સામે રમવાનું છે અને ખૂબ મોટા માર્જીન સાથે બંને મેચો જીતવાની પણ છે. આથી આડકતરી રીતે ઇંગ્લેન્ડની આશા પણ ઓસ્ટ્રેલિયા અને સ્કોટલેંડ વચ્ચેની મેચ પર જ રહેલી છે. પરંતુ આજે જોશ હેઝલવુડનો બફાટ સામે આવ્યો છે તેણે ઇંગ્લેન્ડના ખેલાડીઓની ચિંતા જરૂર વધારી દીધી હશે.

એક પ્રશ્નના જવાબમાં કે ઓસ્ટ્રેલિયાની સ્કોટલેંડ સામેની રણનીતિ શું હશે હેઝલવુડે કહ્યું હતું કે અમે મેચ જીતવાનો પ્રયાસ તો કરીશું પરંતુ અમને એ ગમશે કે અમે એ રીતે મેચ જીતીએ કે જેનાથી ઇંગ્લેન્ડ આ ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી જાય. જો આમ થશે તો તે અમારા માટે અને અન્ય ટીમો માટે ઘણું સારું હશે.

હેઝલવુડના કહેવાનો અર્થ એવો નીકળી શકે કે ઓસ્ટ્રેલિયા સ્કોટલેંડને હરાવવા તો માંગશે પરંતુ તેના સ્કોરની સાવ નજીક જઈને, એટલેકે જો પહેલી બેટિંગ કરશે તો તે સ્કોટલેંડને વધુ ઓવર્સ રમાડીને જીતશે અને જો તે બીજી બેટિંગ કરશે તો તે સ્કોટલેંડના સ્કોરને વધુમાં વધુ ઓવર્સ રમીને ક્રોસ કરશે. જો આમ થશે તો ઇંગ્લેન્ડનો નેટ રનરેટ ગમે તેટલો સુધરે પરંતુ સ્કોટલેંડનો નેટ રનરેટ નહીં બગડે.

જો જોશ હેઝલવુડે આ વાત મજાકમાં કરી હોય તો કશો વાંધો નથી, પરંતુ જો હવે આવું ખરેખર થયું તો ICCના નિયમ પ્રમાણે ઓસ્ટ્રેલિયાએ ફેરપ્લે ન દેખાડતા મેચના રીઝલ્ટમાં ગડબડ કરી હોવાનું સાબિત થશે. જો એમ થયું તો કેપ્ટન મિચેલ માર્શને એક કે તેનાથી વધુ મેચોનો પ્રતિબંધ સહન કરવાનો આવશે.

આ રીતે હેઝલવુડનું બટકબોલવું ઓસ્ટ્રેલિયાને ભારે પડી શકે છે.

Back to top button