આસામમાં પૂરના કારણે સર્જાયેલી તબાહીને કારણે ત્યાં સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. પૂરના કારણે લાખો લોકોને ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવાની ફરજ પડી છે. જોકે હાલ પૂરની સ્થિતિમાં થોડો સુધારો થયો છે. જો કે ગઈકાલે પણ પૂરને કારણે આસામમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે જ આસામમાં પૂરના કારણે મૃતકોની સંખ્યા વધીને 186 થઈ ગઈ છે. તાજા જાણકારી મુજબ આસામના 15 જિલ્લામાં પૂરના કારણે 9.68 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. મંગળવાર, 5 જુલાઈના રોજ, આસામના 16 જિલ્લામાં પૂરથી 11.17 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા.
આસામમાં પૂરનો કહેર યથાવત
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની પૂરની સ્થિતિ વિશે માહિતી આપતાં જણાવ્યું કે, બુધવારે પૂરને કારણે આસામના બે જિલ્લા કામરૂપ અને નાગાંવમાં બે બાળકોના મોત થયા હતા. જણાવી દઈએ કે આસામમાં કછાર જિલ્લો પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે. એકલા કછાર જિલ્લામાં જ 5.7 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. નાગાંવ કછાર પછીનો બીજો સૌથી પ્રભાવિત જિલ્લો છે, જ્યાં 1.89 લાખ લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તે જ સમયે મોરીગાંવના 1.58 લાખ લોકો પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે.
અસરગ્રસ્ત લોકોએ રાહત શિબિરોમાં આશરો
આસામમાં પૂરને લઈને રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. રાજ્યના અધિકારીઓના જણાવ્યા અનુસાર આસામમાં 295 રાહત શિબિરો બનાવવામાં આવી છે, જેમાં 1,35,166 લોકોએ આશરો લીધો છે. તો પૂરગ્રસ્ત લોકોની મદદ ઘણી સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી છે. સેના અને NDRFની ટીમ લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહી છે.