ગુજરાત

DGP આશીષ ભાટીયાનો કાર્યકાળ પૂર્ણ થવા ઉપર, જાણો કોણ બની શકે છે નવા રાજ્ય પોલીસવડા

Text To Speech

ગુજરાતમાં આવનારા દિવસોમાં આઇપીએસ કક્ષાએ મોટા ફેરબદલ આવવાની શક્યતા જોવા મળી રહી છે. રાજ્યના પોલીસવડા આશીષ ભાટીયાનો કાર્યકાળ આ મહિનાને અંતે પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે તેમના ઉત્તરાધિકારી તરીકે અનેક નામોની ચર્ચાઓ થઈ રહી છે. જો કે કોને તેમના સ્થાને નિમણુંક મળે છે તેના ઉપર સસ્પેન્સ યથાવત છે.

રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા

1991થી1995ની બેચના અધિકારીઓને મળી શકે છે પ્રમોશન

આ અંગે મળતી વધુ માહિતી મુજબ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં પોલીસ તંત્રમાં મોટી ફેરબદલીઓ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે તે સમયે ત્રણ IPS અધિકારીઓને પ્રમોશન આપ્યું હતું. હવે નવી સરકાર બન્યા બાદ IPS અધિકારીઓના પ્રમોશન માટેનો તખતો તૈયાર કરાયો છે. સુત્રોએ જણાવ્યા પ્રમાણે 1991 બેચના શમશેરસિંહ, મનોજ અગ્રવાલ, 1992 બેચના ડૉ.કે.એલ.એન રાવ, 1993 બેચના નીરજા ગોટરું, એચ.એન પટેલ, 1995 બેચના રાજુ ભાર્ગવ અને આર.બી બ્રહ્મભટ્ટને પ્રમોશન અપાઈ શકે છે.

નવા ડીજીપી તરીકે કોણ આવી શકે છે ?

સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલના પોલીસ વડા આગામી 31 જાન્યુઆરીએ નિવૃત્ત થાય છે. જેથી નવા પોલીસ વડાની નિયુક્તિ પહેલાં જ IPS અધિકારીઓને પ્રમોશન મળવાની શક્યતાઓ છે. હજી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. ગુજરાતમાં નવા ડીજીપી કોણ બનશે તેના નામોને લઈને હવે ચર્ચાઓએ જોર પકડયુ છે. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આ વર્ષે એપ્રિલમાં નિવૃત્ત થશે. આ પહેલાં તેમને ગુજરાત રાજ્યના ડીજીપી બનાવાય તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ અગાઉ આશિષ ભાટિયાને એક્સટેન્શન અપાયા છે. વર્ષ 2020ની જુલાઈએ ડીજીપી બનેલાં આશિષ ભાટિયા બે વખત એક્સટેન્શન મેળવ્યાં પછી આગામી ૩૧ જાન્યુઆરીએ નિવૃત્ત થશે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુજરાતના નવા ડીજીપી તરીકે સંજય શ્રીવાસ્તવ સિવાય અતુલ કરવાલ, અજય તોમર અને વિકસ સહાયના નામની પણ ચર્ચા થઈ રહી છે.

Back to top button