શિયાળ બેટ અને ચાંચ બંદર ગામે બનશે માછીમારી જેટી, વારંવાર રજૂઆત બાદ લેવાયો નિર્ણય
રાજુલા તાલુકાનું ચાંચબંદર દરિયાય પટ્ટી ઉપર આવેલું ગામ છે જ્યાં આજુ બાજુમાં અરબી સમુદ્ર ઘૂઘવાટા મારે છે . આ ગામના લોકો મુખ્યત્વે મજુરી સાથે સંકળાયેલા લોકો છે અને મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે . ચાંચબંદરનો દરિયો સારી ઊંડાઈ ધરાવે છે માટે તેના કિનારે ફિશિંગ જેટી બનાવવામાં આવે તો સ્થાનિક લોકો માછીમારી દ્વારા રોજગારી પ્રાપ્ત કરી શકે તેમ છે અને અહીં વસતા અને સામાન્ય જીવન જીવતા લોકોની રોજી – રોટી માટે ઘણું સારૂ થઈ શકે. તેવી માંગ કરવામાં આવી હતી. જેના પગલે રાજુલાના ધારાસભ્ય અંબરીષભાઈ ડેર સાથે શિયાળ બેટ ટાપુ નાં માછીમાર આગેવાનો ગાંધીનગર ખાતે મત્સ્યોદ્યોગ મંત્રીને મળી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.
સરકાર સામે શું માંગ કરી ?
(૧) વલસાડ તથા અન્ય બંદરો પર રજીસ્ટ્રેશન (કોલ) થયેલ બોટ ને જાફરાબાદ બંદર પર નોંધણી કરાવવામાં આવે.
(૨) શિયાળ બેટ અને ચાંચ બંદર પર ફિશિંગ જેટી બનાવી.
(૩) દરિયાઇ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા
(૪) દરિયાકાંઠા નાં ધારાબંદર, જાફરાબાદ, શિયાળ બેટ તથા ચાંચ, ખેરા સહિત નાં ગામોમાં દરિયાઇ મોજા થી થતું ધોવાણ અટકાવવા માટે પૂર સંરક્ષણ દિવાલો બનાવવા માટે મંત્રી શ્રી ને રૂબરૂ રજૂઆત કરી હતી.
આ તમામ પ્રશ્નોની રજૂઆત બાદ મંત્રી શ્રી દ્વારા હકારાત્મક જવાબ આપ્યો હતો અને આગામી દિવસોમાં ચાંચ બંદર અને શિયાળ બેટ પર માછીમારો માટે ફિશિંગ જેટી બનાવવા માટે જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. વલસાડ તથા અન્ય બંદરો નાં રજીસ્ટ્રેશન (કોલ) બાબતે મત્સ્યોદ્યોગ નાં ઉચ્ચ અધિકારીને જરૂરી કાર્યવાહી માટે સૂચના આપી હતી માછીમારો નો પ્રશ્ન હલ કરવા જણાવ્યું હતું. તેમજ ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા ફેસબુક પર અંતમાં લખ્યું હતું કે “મને સંતોષ એ વાતનો થયો કે જ્યારે આ ગ્રામ્ય માછીમાર ભાઈઓ એ એવું કહ્યું કે અમોએ તમારા લીધે પ્રથમ વખત સચિવાલય જોયું અને વિવિધ વિભાગો ના મંત્રીશ્રીઓ ને રૂબરૂ મળી અમારા પ્રશ્નો રજૂ કર્યા. આમ કોઈ પણ સામાન્ય માણસ ની રજૂઆત ગાંધીનગર ખાતે ચૂંટાયેલા જન પ્રતિનિધિ દ્વારા યોગ્ય રીતે રજૂઆત કરવામાં આવે અને વિધાનસભામાં યોગ્ય પ્રશ્ન ઉઠાવવામાં આવે તો ચોક્કસ પરિણામ મળે છે.
આ પણ વાંચો : કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ 40 દિવસ પછી જીવનની લડાઈથી હાર્યા