દિલ્હી કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું આપનાર અરવિંદર સિંહ લવલી ભાજપમાં જોડાયા
- 28 એપ્રિલે છોડ્યું હતું દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ પદ
- પદ છોડ્યા બાદ તેમણે કહ્યું હતું કે, ‘હું ક્યાંય નથી જઈ રહ્યા, માત્ર અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે’
- એક જ અઠવાડિયામા અરવિંદર સિંહ લવલીએ બદલ્યો તેમનો નિર્ણય
દિલ્હી, 4 મે: કોંગ્રેસ નેતા અરવિંદર સિંહ લવલી ભાજપમાં જોડાઈ ગયા છે. લવલીની સાથે પૂર્વ ધારાસભ્યો નીરજ બસોયા અને નસીબ સિંહ તેમજ પૂર્વ મંત્રી રાજકુમાર ચૌહાણ પણ ભાજપમાં જોડાયા છે. અરવિંદર લવલી અને રાજકુમાર ચૌહાણ બંને શીલા દીક્ષિત સરકારમાં મંત્રી હતા. અરવિંદર સિંહ લવલીએ રવિવારે (28 એપ્રિલ) દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. અન્ય કોઈ પાર્ટીમાં જોડાવાના સવાલ પર તેમણે કહ્યું કે તેમણે માત્ર કોંગ્રેસના દિલ્હી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેઓ પાર્ટી છોડી રહ્યા નથી અને ક્યાંય જઈ રહ્યા નથી. જો કે એક સપ્તાહમાં જ તેમના નિવેદનથી વિપરીત તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. અરવિંદર સિંહ લવલીએ પ્રદેશ અધ્યક્ષ પદ છોડ્યા બાદ કોંગ્રેસના અન્ય બે નેતાઓએ રાજીનામું આપી દીધું હતું. પૂર્વ ધારાસભ્યો નીરજ બસોયા અને નસીબ સિંહે દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના ગઠબંધન સામે વાંધો ઉઠાવતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. આ બંને નેતાઓની સાથે રાજકુમાર ચૌહાણ પણ ભાજપમાં જોડાઈ ગયા છે.
લવલીએ કેમ આપ્યું રાજીનામું?
રાજીનામું આપ્યા બાદ અરવિંદર સિંહ લવલીએ મીડિયાને સંબોધતા કહ્યું કે, ‘મેં મારા માટે નથી આપ્યું. મેં આ રાજીનામું કોંગ્રેસના કાર્યકરો માટે આપ્યું છે.’ તેમણે કહ્યું કે, ‘જો મારું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે તો બાવરિયા જીનો આભાર.’ અન્ય કોઈ પક્ષમાં જોડાવા અંગે તેમણે કહ્યું કે, ‘હું અન્ય કોઈ પક્ષમાં જોડાવાનો નથી.’ તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસના કાર્યકરોએ એવું નથી કહ્યું કે અમે વર્તમાન કેજરીવાલ સરકારને ક્લીનચીટ આપી છે.’ તેમણે કહ્યું કે, ‘મેં મારા દિલની પીડા અને દિલ્હીના તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓની પીડા કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી છે. મારી પીડા સિદ્ધાંતો વિશે છે.’
કોંગ્રેસે શું કહ્યું?
અરવિંદર સિંહ લવલીના બીજેપીમાં સામેલ થવા પર દિલ્હી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે કહ્યું કે, “કેટલાક લોકોનો સ્વભાવ એવો હોય છે કે જ્યારે પિતાને સૌથી વધુ જરૂર હોય છે ત્યારે પુત્ર તેમને સૌથી વધુ પરેશાન કરે છે. કોંગ્રેસે અરવિંદર સિંહ લવલીને પુત્ર જ માન્યો હતો. કોંગ્રેસે અરવિંદર લવલીને બધું જ આપ્યું હતું. આજે અરવિંદર સિંહ લવલીએ તેમનું કિરદાર બદાવી દીધું. કોંગ્રેસ એક મોટો મહાસાગર છે.’
ભાજપમાં જોડાયા પછી લવલી સિંહે શું કહ્યું?
ભાજપમાં જોડાયા પછી લવલી સિંહે કહ્યું કે હું કોંગ્રેસના દિલ્હી અધ્યક્ષ પદ છોડીને ઘરે જ બેસવાનો હતો. મારો કોઈ પણ પાર્ટીમાં જોડાવાનો વિચાર ન હતો. પરંતુ અધ્યક્ષ પદ છોડ્યા પછી હું મારા હજારો કાર્યકર્તાઓને મળ્યો હતો અને તેમણે મને ઘરે ન બેસી રેવાની સલાહ આપી હતી. તેમના કહેવાથી મે મારો આ નિર્ણય બદલ્યો છે.’
#WATCH | After joining BJP, Arvinder Singh Lovely says, “I had resigned from the post of Delhi Congress President and after that, I met all my colleagues and thousands of Congress workers. All those people said that you should not sit at home and should continue fighting for the… pic.twitter.com/73hwB4cm8U
— ANI (@ANI) May 4, 2024
કોણ છે અરવિંદર લવલી?
1998માં 30 વર્ષીય લવલી દિલ્હીના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા. તેઓ શીલા દીક્ષિત સરકારમાં રાજ્યના સૌથી યુવા મંત્રી પણ હતા. શીલા દીક્ષિતના કાર્યકાળ દરમિયાન તેમને શિક્ષણ, પરિવહન અને શહેરી વિકાસ જેવા મહત્વપૂર્ણ મંત્રાલયો મળ્યા હતા. લવલી મંત્રી બનતાની સાથે જ બ્લુ લાઈન બસોની જગ્યાએ નવી અને વધુ સારી સિસ્ટમ દાખલ કરવામાં આવી હતી. મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન આર્થિક રીતે નબળા બાળકો માટે ખાનગી શાળાઓમાં 25 ટકા અનામત લાગુ કરનાર દિલ્હી પ્રથમ રાજ્ય બન્યું હતું. 2013માં તેમના નેતૃત્વમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તેમણે આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું. 2015માં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 2017માં તેઓ ભાજપમાં જોડાયા હતા. 2018માં ફરી કોંગ્રેસમાં પરત ફર્યા હતા. ત્યારે હવે ફરી એકવાર કોંગ્રેસથી છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે.
આ પણ વાંચો: કોંગ્રેસને વધુ એક ઝાટકો, પુરીના ઉમેદવારે પરત કરી ટિકિટ, કહ્યું: પ્રચાર માટે પૈસા નથી