હરિયાણા સરકારની અરવિંદ કેજરીવાલને કોર્ટમાં ઢસડી જવાની ચીમકી, ચૂંટણીપંચ પણ જશે
નવી દિલ્હી, 28 જાન્યુઆરી : યમુનાના પાણીમાં ઝેર ભેળવવાના હરિયાણા સરકાર પર AAPના સંયોજક અરવિંદ કેજરીવાલના આરોપો પર ભાજપ અને આમ આદમી પાર્ટીમાં શાબ્દિક હુમલાઓ તેજ થઈ ગયા છે. હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીએ કેજરીવાલ પાસે માફી માંગવાની માંગ કરી છે અને કહ્યું છે કે તેમણે તેમના નિવેદન માટે માફી માંગવી જોઈએ નહીં તો તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવશે.
ચૂંટણી પંચે AAPના આરોપો પર સૈની સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. સૈની સરકાર આજે બપોરે 12 વાગ્યા સુધીમાં ચૂંટણી પંચ સમક્ષ પોતાનું સ્ટેન્ડ રજૂ કરશે. કેજરીવાલે હરિયાણા સરકાર પર યમુનાને ઝેર આપવાનો આરોપ લગાવ્યો હતો અને તેને સામૂહિક નરસંહારનું ષડયંત્ર ગણાવ્યું હતું. જોકે, દિલ્હી જલ બોર્ડે કેજરીવાલના દાવાને ફગાવી દીધો છે.
યમુનામાં ઝેર ભેળવવાનો આરોપ
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAP નેતા કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે બીજેપી ગંદી રાજનીતિ રમીને દિલ્હીની જનતાને તરસ્યા રાખવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું, હરિયાણામાં બીજેપીના લોકો યમુના નદીના પાણીમાં ઝેર ભેળવીને દિલ્હી મોકલી રહ્યા છે. જો દિલ્હીના લોકો આ પાણી પીશે તો ઘણા લોકોના મોત થશે. આનાથી વધુ ઘૃણાજનક કંઈ હોઈ શકે? કેજરીવાલ દિલ્હીના સીએમ આતિશીના આરોપ પર ટિપ્પણી કરી રહ્યા હતા કે હરિયાણા સરકાર ઇરાદાપૂર્વક ઔદ્યોગિક કચરો યમુનામાં ડમ્પ કરી રહી છે, જ્યાંથી રાષ્ટ્રીય રાજધાની તેનું પાણી ખેંચે છે.
ચૂંટણી પંચે રિપોર્ટ માંગ્યો
કેજરીવાલના આરોપો પર ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું, હરિયાણા સરકાર ચોક્કસપણે કેજરીવાલને કોર્ટમાં લઈ જશે. અમે તેમની અને તેમની પાર્ટી વિરુદ્ધ મંગળવારે ચૂંટણી પંચનો પણ સંપર્ક કરીશું. આ દરમિયાન હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીએ કેજરીવાલની ટીકા કરતા કહ્યું કે પાયાવિહોણા આરોપો લગાવવા અને બીજા પર આરોપ લગાવવાની તેમની આદત છે.
5મી ફેબ્રુઆરીએ મતદાન
મહત્વનું છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણી અંતર્ગત 5 ફેબ્રુઆરીએ તમામ 70 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીએ આવશે અને ત્યાર બાદ જ ખબર પડશે કે આ વખતે દિલ્હીના મુખ્યમંત્રીની ગાદી પર કયો પક્ષનો નેતા બિરાજશે. આ પહેલા કોઈપણ રાજકીય પક્ષ કોઈ કસર છોડવા માંગતો નથી.
આ પણ વાંચો :- 5 વર્ષ બાદ ફરી એકવાર શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, હવાઈ સેવાઓ પણ મળશે