દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે પહોંચ્યા છે. તેવામાં આજે (ગુરુવારે) તેઓ ગુજરાતના રાજ્ય સંગઠન સાથે ચૂંટણી અંગે સમીક્ષા બેઠક યોજશે. સાથે જ તેઓ ગુજરાત માટે પહેલી ગેરન્ટીની જાહેરાત પણ કરશે, જેની પર સૌની નજર ટકેલી છે.
દેશના સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી @ArvindKejriwal નું સુરત એરપોર્ટ ખાતે 'આપ' ગુજરાતના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. pic.twitter.com/Qb4JQ9Ayuy
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) July 20, 2022
કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સ યોજશે
કેજરીવાલ આજ રોજ ગુજરાતના પ્રવાસે આવશે ત્યારે તેઓ આજે સુરતના ટાઉનહોલ ખાતે જઇને પ્રેસ કોન્ફરન્સ યોજશે. જેમાં કેજરીવાલ મીડિયા અને ગુજરાતની જનતા સમક્ષ સસ્તી વીજળી મુદ્દે મોટી જાહેરાત કરશે અને ત્યાર બાદ તેઓ સાંજના 4:30 કલાકે દિલ્હી જવા રવાના થશે.
આપની નજર હવે ગુજરાત પર
અરવિંદ કેજરીવાલની એક મહિનામાં બીજી વારની મુલાકાતને જોતા એ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, ગુજરાતમાં AAP તરફથી પૂરેપૂરો ભાર આપવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઇએ કે, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગઇકાલે સુરત આવી પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર તેઓનું ભવ્ય સ્વાગત પણ કરાયું હતું.
શું કહ્યું કેજરીવાલે?
અરવિંદ કેજરીવાલએ સુરત એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં જણાવતા કહ્યું હતું કે, ‘ગુજરાતમાં 27 વર્ષના ભાજપ શાસનથી પ્રજા હેરાન-પરેશાન થઈ ગઈ છે. અમે ગુજરાતની મુલાકાતે આવ્યા છીએ અને આવતીકાલે ટાઉનહોલ અને પ્રેસ કોન્ફરન્સમાં અમે ગુજરાતને શું આપવાના છીએ તેની લોકો સમક્ષ જાહેરાત કરીશું. ગુજરાતમાં જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો શું એજન્ડા હશે તે અંગેની માહિતી આપીશું. ગુજરાતની જનતા દ્વારા મને ખૂબ પ્રેમ આપવામાં આવ્યો છે.’