ડીસાનો દરિયાદિલ કલાકાર, ભક્તિ સાથે સેવા ભાવ


કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય. કામ સાથે પરોપકારનું કામ કરવું એ પણ એવું જ છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રહેતા 30 વર્ષીય યુવક. જેમનું નામ છે નીલ પઢિયાર. આટલી નાની ઉંમરમાં ડીસામાં પોતાની કલા અને સેવાવૃતિના સ્વભાવથી લોકોમાં જાણીતા બનેલા નીલ પઢિયાર વર્ષોથી ગણેશજીની મૂર્તિ બનાવે છે. માટી, POP અને ન્યૂઝ પેપરમાંથી નીલ પઢિયારે બનાવેલી ગણેશજીની મૂર્તિ જોઈ લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે.

કલા સાથે પર્યાવરણનું જતન
30 વર્ષના નીલ પઢિયાર છેલ્લા 10 વર્ષથી ગણેશજીની મૂર્તિ બનાવવાનું કામ કરે છે. જે ન્યૂઝ પેપરને વાંચ્યા બાદ ફેંકી દેવામાં આવે છે. તે વેસ્ટ ન્યૂઝ પેપરનો ઉપયોગ નીલ પઢિયાર ગણેશજીની મૂર્તિ બનાવવામાં કરે છે. મૂર્તિ બનાવ્યા બાદ લોકો લઈ જાય છે અને 10 દિવસ બાદ મૂર્તિનું વિસર્જન કરી દે છે. પરંતુ, નીલભાઈ જેવા કલાકારોનો ગણેશજીની મૂર્તિ સાથેનો સંબંધ માત્ર 10 દિવસ પૂરતો નથી હોતો. મૂર્તિ બનાવવાનું શરૂ કરે છે, ત્યાંથી લઈ તેનું વેચાણ કરે છે. આ સમયગાળામાં મૂર્તિ બનાવનારનો મૂર્તિ સાથે અતૂટ સંબંધ બંધાઈ જાય છે.

22 બાળકોને નિઃ સ્વાર્થ ભાવે કરાવે છે અભ્યાસ
દૂંદાળા દેવની મનમોહક મૂર્તિઓ બનાવનાર નીલ પઢિયારનો જીવ પણ એટલો જ ઉદાર છે. પરોપકારમાં માનતા નીલ પઢિયાર ડીસામાં રહેતા 22 બાળકોના અભ્યાસથી લઈ તમામ જરૂરી ચીજ-વસ્તુઓનો ખર્ચો ઉઠાવે છે.

તેની સાથે આ તમામ બાળકોને મૂર્તિ કેવી રીતે બનાવવી તે શીખવે છે તેમજ અભ્યાસમાં જરૂરી માર્ગદર્શન પણ આપે છે.