દિલ્હીમાં પહેલીવાર 20-21 નવેમ્બરે થશે કૃત્રિમ વરસાદ
- રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 500ને પાર કરી ગયો છે ત્યારે હવે પ્રદૂષણનો સામનો કરવા માટે દિલ્હીમાં પહેલીવાર કૃત્રિમ વરસાદ કરવામાં આવી શકે છે.
દિલ્હી-NCR: દિલ્હી-NCRમાં પ્રદૂષણનો પારો રોજે રોજ વધી જ રહ્યો છે, સરકારના અથાગ પ્રયત્ન પછી પણ પ્રદૂષણ ઘટવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે ફરી દિલ્હી સરકારે પાટનગરમાં કૃત્રિમ વરસાદ કરવાની યોજના કરી છે. વધતા જતા પ્રદૂષણને લઈને દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે બેઠક બોલાવી હતી. બેઠક બાદ ગોપાલ રાયે મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે રાજધાની દિલ્હીમાં 20 અને 21 નવેમ્બરે કૃત્રિમ વરસાદ થઈ શકે છે. કેજરીવાલ સરકાર પહેલીવાર દિલ્હીમાં કૃત્રિમ વરસાદ કરવાની યોજના બનાવી રહી છે.
પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે બુધવારે સાંજે IIT કાનપુરની ટીમ સાથે બેઠક બોલાવી હતી. આમાં IIT કાનપુરે સંપૂર્ણ પ્લાન દિલ્હી સરકારને સુપરત કર્યો છે. હવે શુક્રવારે દિલ્હી સરકાર સુપ્રીમ કોર્ટને આ માહિતી આપશે. દિલ્હી સરકાર કૃત્રિમ વરસાદ કરવા માટે કેન્દ્ર સરકારનો સહયોગ માંગવા માટે સુપ્રીમ કોર્ટને વિનંતી કરશે. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઘણા વર્ષોથી ‘ગંભીર’ શ્રેણીમાં છે. સુપ્રીમ કોર્ટે પ્રદૂષણની સ્થિતિને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા.
મીટિંગ પહેલા પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અત્યાર સુધી આઈઆઈટી કાનપુર તરફથી કૃત્રિમ વરસાદને લઈને કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. ગોપાલ રાયે વધુમાં જણાવ્યું હતું કે IIT કાનપુર પાસે જે વિસ્તારોમાં વરસાદી ઋતુ દરમિયાન વરસાદ નથી પડતો એવા વિસ્તારો માટે એક ફોર્મ્યુલા છે, પરંતુ શિયાળાની ઋતુમાં કૃત્રિમ વરસાદ માટે ફોર્મ્યુલા તૈયાર નથી.
દિલ્હી સરકારે IIT કાનપુરને શિયાળાની ઋતુમાં પ્રદૂષણ દરમિયાન ઓછા વરસાદને લઈને એક યોજના તૈયાર કરવા અને સરકાર સમક્ષ પ્રસ્તાવ મૂકવાની વિનંતી કરી હતી. આ અંગે આજે ચર્ચા કરવામાં આવી હતી.
દિલ્હીનો AQI 500 ને વટાવી ગયો
દિલ્હી-NCRમાં હવામાં ધીરે-ધીરે ઝેર બની રહી છે. લોકોને શ્વાસ લેવો પણ મુશ્કેલ બની રહ્યો છે. આ દરમિયાન દિલ્હી સરકારે શાળાઓમાં શિયાળાની રજાઓ પણ આપી દીધી છે. હવે શાળાઓ 9 થી 18 નવેમ્બર સુધી બંધ રહેશે. વધતા પ્રદૂષણને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે અન્ય રાજ્યોમાં નોંધાયેલી કેબને પણ દિલ્હીમાં પ્રવેશ મળશે નહીં. અન્ય રાજ્યોમાં નોંધાયેલી ટેક્સીઓ પર પણ હાલમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ ટેક્સીઓ પર કેટલો સમય પ્રતિબંધ લાગુ રહેશે તેની અત્યારે કોઈ સ્પષ્ટા કરવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 13થી 20 નવેમ્બર સુધી આનો અમલ પણ થઈ શકે છે. આ તે જ સમય મર્યાદા છે જે દરમિયાન વાહનો પર ઑડ-ઈવન લાગુ કરવાની વાત થઈ રહી છે. જો કે, આ બંને બાબતો માટે હજુ સુધી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. ગોપાલ રાયે પહેલેથી જ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટની સુનાવણી પૂરી થયા બાદ ઑડ-ઈવનના નિયમો નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો: છત્તીસગઢ ચૂંટણી 2023: રાહુલ ગાંધીએ કહ્યું- ‘પેન કાઢીને લખો, ખેડૂતોની લોન માફ થશે’