અર્શદીપ અને વિરાટ બંનેએ બનાવ્યા નવા રેકોર્ડ; એક યાદગાર તો બીજો?
13 જૂન, ન્યૂયોર્ક: ગઈકાલે અહીં સહ-યજમાન યુએસએ સામે રમાયેલી લીગ મેચમાં ભારતના અર્શદીપ સિંઘ અને વિરાટ કોહલી બંનેએ અનુક્રમે બોલિંગ અને બેટિંગના રેકોર્ડ બનાવ્યા હતા. અર્શદીપ અને વિરાટ બંનેના રેકોર્ડ પર જો નજર નાખીએ તો એક રેકોર્ડ યાદગાર બની રહેશે તો બીજો રેકોર્ડ ભૂલી જવા જેવો બનશે.
અર્શદીપ સિંઘે ગઈકાલે મેચના પહેલા જ બોલે યુએસએના ઓપનીંગ બેટ્સમેન શાયન જહાંગીરને LBW આઉટ કર્યો હતો અને તેનું નામ રેકોર્ડ બુકમાં આવી ગયું હતું. આ રીતે T20 World Cupની કોઈ મેચના પહેલા જ બોલમાં વિકેટ લેનાર અર્શદીપ ભારતનો પહેલો બોલર બન્યો હતો. અર્શદીપ આમ પણ પોતાની સ્વિંગ બોલિંગ માટે જાણીતો છે. ગઈકાલે તેણે મેચનો પહેલો જ બોલ શાયન જહાંગીરને નાખ્યો હતો તે ઇન-સ્વિંગ બોલ હતો જેને જહાંગીર ઓળખી શક્યો ન હતો અને આઉટ થઇ ગયો હતો.
આટલું જ નહીં ગઈકાલની મેચમાં અર્શદીપે ભારત વતી એક બીજો રેકોર્ડ પણ બનાવ્યો છે. અર્શદીપે કુલ ચાર વિકેટો લીધી હતી પરંતુ તેની સાથે તે T20 World Cupમાં ભારત તરફથી શ્રેષ્ઠ બોલિંગ કરનાર બોલર પણ બની ગયો છે. આ મેચમાં અર્શદીપના બોલિંગ ફિગર્સ રહ્યા હતા 4 ઓવર્સ – 9 રન્સ – 4 વિકેટ્સ.
આ અગાઉ ભારત માટેનું T20 World Cupમાં શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું રવિચંદ્રન અશ્વિનનું જેણે મીરપુરમાં ઓસ્ટ્રેલિયા સામે 2014ના T20 World Cupમાં 3.1 ઓવર્સ – 11 રન્સ – 4 વિકેટ્સના ફિગર મેળવ્યા હતા. આ રીતે ગઈકાલની મેચ અર્શદીપ સિંઘ માટે યાદગાર બની ગઈ હતી.
પરંતુ ભારતના ઓપનીંગ બેટ્સમેન વિરાટ કોહલી માટે ગઈકાલની મેચ જીત સિવાય અન્ય કોઈજ આનંદ લઈને નહોતી આવી. વિરાટ કોહલીએ આયરલેન્ડ સામે 1, પાકિસ્તાન સામે 4 રન્સ બનાવ્યા હતા. ગઈકાલની મેચમાં તો કોહલી શૂન્ય રન પર આઉટ થઇ ગયો હતો અને તે પણ પહેલા બોલે.
આ રીતે કોઈ T20Isમાં પહેલા બોલે વિરાટ કોહલી ફક્ત બીજી જ વાર આઉટ થયો છે. પરંતુ જો T20 World Cupsની વાત કરવામાં આવે તો તે આ રીતે આઉટ થનારો પહેલો ભારતીય બેટ્સમેન બની ગયો છે. આમ વિરાટ કોહલી માટે ગઈકાલનો દિવસ ખાસ યાદગાર રહ્યો ન હતો.
ભારતે જો Super 8sમાંથી આગળ વધીને સેમીફાઈનલમાં પહોંચવું હશે તો વિરાટ કોહલીનું ફોર્મમાં પરત આવવું ખાસ જરૂરી છે. પરંતુ અત્યારે તો અર્શદીપ અને વિરાટ બંને પોતપોતાના રેકોર્ડ્સ અંગે અનુક્રમે ખુશ અને દુઃખી હશે.