ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, જાણો 1 બોક્સનો કેટલો ભાવ બોલાયો
કેરીના રસિયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે. આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીના બોક્સ આવી પહોંચ્યા હતા. આ વખતે 18થી 20 દિવસ વહેલી કેરી માર્કેટમાં આવી છે.
ગોંડલ માર્કેટયાર્ડમાં કેસર કેરીનું આગમન
ઉનાળાની શરુઆત થતા જ કેરીના રસિયાઓને કેરી યાદ આવતી હોય છે. આ વખતે કમોસમી વરસાદને કારણે કેસર કેરીને નુકશાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. ત્યારે આજે માર્કેટમાં કેસર કેરીનું આગમન થતા કેરીના રસિયાઓની આતુરતાનો અંત આવ્યો છે . ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે. આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીના કેટલાક બોક્સ આવ્યા હતા. બજારમાં કેસર કેરીની સિઝનનો આજથી પ્રારંભ થઈ ગયો છે.
જાણો ભાવ શું બોલાયા ?
ગોંડલ ફ્રુટ માર્કેટયાર્ડમાં પ્રથમ દિવસે ઉનાના જસાધાર અને બાબરીયાની કેસર કેરીના 190 બોક્સ આવ્યા હતા. જેમાં પ્રથમ દિવસે કેરીની હરાજી થતા 10 કિલો કેરીના બોક્સના ભાવ રૂપિયા 1700 થી 2100 સુધી બોલાયા હતા. તેમજ પહેલા દિવસે જ શુકનના ભાવ રૂપિયા 2100 બોલાતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી.
કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન
મહત્વનું છે કે આ વખતે માર્કેટમાં કેસર કેરીનું આગમન વહેલું તો થયું છે પરંતુ તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ પંથકમાં કેસર કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જેથી આગામી દિવસોમાં કેસર કેરીની આવક ઓછી થઈ શકે છે.
આ પણ વાંચો : અંબાજી મંદિરમાં પ્રસાદ વિવાદ : મોહનથાળના પ્રસાદનો મામલો હવે હાઈકોર્ટ સુધી પહોંચશે