ટ્રેન્ડિંગવર્લ્ડ

શેખ હસીના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી: 18 નવેમ્બર સુધીમાં હાજર થવાનો આદેશ

  •  5 ઓગસ્ટના રોજ શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ ભારતમાં આશરો લીધો હતો

ઢાકા, 17 ઓકટોબર: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓ વધી ગઈ છે. હકીકતમાં, બાંગ્લાદેશની એક કોર્ટે તેમની સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. કોર્ટે શેખ હસીનાને 18 નવેમ્બર સુધીમાં પોતાની સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે. શેખ હસીના સામે હત્યા સહિત અનેક મામલામાં તપાસ ચાલી રહી છે. ત્યાંની વચગાળાની સરકાર પણ માનવાધિકાર ઉલ્લંઘનની તપાસમાં વ્યસ્ત છે. શેખ હસીના પર તેમના 15 વર્ષના કાર્યકાળ દરમિયાન બળજબરીથી લોકોને નિશાન બનાવવાનો આરોપ છે.

 

બાંગ્લાદેશના ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ (ICT)ના મુખ્ય ફરિયાદી મોહમ્મદ તાજુલ ઇસ્લામે આ માહિતી શેર કરી છે. શેખ હસીનાના પર વિદ્યાર્થી આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા ઘણા વિદ્યાર્થીઓની હત્યા કરવાનો પણ આરોપ છે.

બાંગ્લાદેશમાં પ્રત્યાર્પણની માંગ ઉઠી

બાંગ્લાદેશમાં શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ ઘણી વખત ઉઠી છે. આ મામલે ભારત પણ રાજદ્વારી સંકટનો સામનો કરી રહ્યું છે. મળતી માહિતી મુજબ, શેખ હસીનાના કારણે બંને દેશોના સંબંધો પર પણ અસર પડી શકે છે. હકીકતમાં, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2013માં પ્રત્યાર્પણ સંધિ થઈ હતી. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે, જો બાંગ્લાદેશની વચગાળાની સરકાર શેખ હસીનાના પ્રત્યાર્પણની માગણી કરશે તો શું ભારત તેની વિનંતી સ્વીકારશે?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શું છે સંધિ?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રત્યાર્પણ સંધિ અનુસાર, સરહદી ઉગ્રવાદ, આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમમાં સામેલ અપરાધીઓને કોઈપણ દેશની વિનંતી પર પાછા મોકલવામાં આવશે. ખાસ વાત એ છે કે, વ્યક્તિ સામેના આરોપોને બંને દેશોમાં સજાપાત્ર અપરાધ તરીકે વર્ગીકૃત કરવામાં આવે.

ભારત કરી શકે છે પ્રત્યાર્પણનો ઇનકાર

શેખ હસીના પર નરસંહાર અને હત્યા સહિતના ઘણા ગંભીર આરોપો લાગ્યા છે. 2016ના સુધારા મુજબ, પ્રત્યાર્પણ માટે પુરાવાની જરૂરિયાત પણ ખતમ કરી દેવામાં આવી છે, હવે જો કોઈ દેશની અદાલતે ધરપકડ વોરંટ જારી કર્યું હોય, તો પ્રત્યાર્પણ કરવું પડશે. જો કે, સંધિની કલમ 6 મુજબ, જો ગુનો રાજકીય પ્રકારનો હોય તો પ્રત્યાર્પણનો ઇનકાર કરી શકાય છે. આ સિવાય સૈન્ય અપરાધો સાથે જોડાયેલા કેસમાં પણ પ્રત્યાર્પણનો ઇનકાર કરી શકાય છે.

સુરક્ષાના કારણોસર છોડ્યો હતો દેશ 

આ વર્ષે જુલાઈ મહિનામાં, બાંગ્લાદેશમાં અનામત વિરુદ્ધ દેશવ્યાપી વિદ્યાર્થીઓનું આંદોલન થયું હતું. એક મહિના સુધી ચાલેલા આંદોલનમાં 400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પછી ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ રાજધાની ઢાકા તરફ કૂચ કરી હતી. 5 ઓગસ્ટે સુરક્ષાના કારણોસર શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું અને સેનાના હેલિકોપ્ટરમાં ભારત આવ્યા હતા. ત્યારથી શેખ હસીનાએ ભારતમાં આશરો લીધો છે.

આ પણ જૂઓ: નોર્થ કોરિયાના સંવિધાનમાં બદલાવ, દક્ષિણ કોરિયામાં ટેન્શન વધ્યું; Kim Jong Un એક્શનમોડમાં

Back to top button