કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત
રાજકોટમાં પોલીસ સ્ટેશનમાં બેસી રીલ બનાવનાર ‘તોફાની રાધા’ની ધરપકડ, માફી માંગી
ફોલોઅર્સ, લાઈક્સ, કોમેન્ટ્સ વધારવાની લ્હાયમાં યુવાનો ન કરવાનું કરીને ઉલ્ટુ અશાંતિ, ચિંતા નોતરતા હોય છે. આવા એક કેસમાં રાજકોટની યુવતી જે પોતાને સોશ્યલ મિડીયામાં ‘તોફાની રાધા’ તરીકે ઓળખાવતી તેણે ઈન્સ્ટાગ્રામ પર રાજકોટના પોલીસ મથકના દ્રશ્યો સાથેનો વિડીયો અપલોડ કરી વાયરલ કરતા પોલીસે તેની સામે કાર્યવાહી કરતા તેની ધરપકડ કરાઈ હતી.
બે વર્ષ પહેલાં વીડિયો બનાવ્યો હતો, શુટ કરનાર ફ્રેન્ડનું થયું અવસાન
આ મામલે પોલીસના જણાવ્યા અનુસાર, બે વર્ષ પહેલા રાજકોટના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ઉતારેલો આ વીડિયો તોફાની રાધાના નામે સોશિયલ મીડિયામાં આવ્યા બાદ ન્યુઝ ચેનલમાં વાયરલ થયો હતો જેની પોલીસને જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી આરોપી રાધિકા હર્ષદભાઈ ધામેચા (ઉ.વ. 21, રહે.આલાપ ગ્રીન સિટી પાછળ, ડ્રીમ સિટી બ્લોક નં.3, રાજકોટ)ની અટક કરી હતી. આરોપીની પુછપરછ કરતા તેણે જણાવ્યું કે બે વર્ષ પહેલા તે પ્ર.નગર પોલીસ મથકે આવેલ ત્યારે તેની મિત્ર આશીયાનાએ આ વિડીયો ઉતાર્યો હતો જેનું એક વર્ષ પહેલા મૃત્યુ થયેલ છે. રાધિકાએ આ વિડીયો અપલોડ કર્યો હતો જે અન્વયે તેની અટક કરાઈ છે.
રાધા અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂકી, વિવાદાસ્પદ વીડિયો પણ બનાવ્યા
તાજેતરમાં સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રકારની રીલ બનાવી અપલોડ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને તેમાં પણ યુવક યુવતીઓ આ રિલ્સ બનાવવાના ચક્કરમાં કાયદાનો ભંગ કરી ગુનો આચરી દેતા હોય છે. ત્યારે અગાઉ મારામારી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકી છે. આ સાથે તેના એકાઉન્ટમાં પોતે કાર ચલાવી જેતપુર નજીક ટોલ પ્લાઝા પર ટોલ ભરપાઈ કરવા બદલે ટોલ પ્લાઝા પર રહેલી બેરિયર તોડી ટોલ ભરપાઈ કર્યા વગર ચાલી જાય છે. એટલું જ નહીં, કોઈ યુવતી ગાંજો બનાવતી હોય તેવો પણ વીડિયો આ એકાઉન્ટ પર જોવા મળી રહ્યો છે, તે કોનો છે અને ક્યારે બનાવ્યો તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
યુવતીએ માફી માંગી અફસોસ વ્યક્ત કર્યો
આ યુવતીએ આ વિડીયો અપલોડ કરવા માટે આજે પોલીસ સમક્ષ અફસોસ વ્યક્ત કર્યો હતો અને આજ પછી કોઈ દિવસ આવી ગેરપ્રવૃતિ મારાથી નહીં થાય તેવી ખાત્રી પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે કાયદાકીય જોગવાઈથી વાકેફ થયા વગર ઘણા યુવાન-યુવતીઓ માત્ર લાઈમલાઈટમાં આવવા અને અન્ય લોકો તેમનો વિડીયો જુએ તે માટે ધ્યાન ખેંચવા ગેરકાયદે કૃત્ય જાણતા અજાણતા કરતા હોય છે ત્યારે યુવાનોએ ચેતવાની અને પોલીસે યુવાનોને આ અંગે માર્ગદર્શન ઓનલાઈન અને ઓફલાઈન પૂરૂ પાડવાની પણ જરૂર છે.