રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો બનાવનાર આરોપીની ધરપકડ, દિલ્હી પોલીસને સફળતા
- આ કેસમાં સ્પેશિયલ સેલે અગાઉ બિહારમાંથી એક વ્યક્તિની કરી હતી અટકાયત
નવી દિલ્હી, 20 જાન્યુઆરી: દક્ષિણ ભારતીય અભિનેત્રી રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો બનાવવાના કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી છે. રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો બનાવનાર યુવકની દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના IFSO (ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સ્પેશિયલ સેલના DCP હેમંત તિવારીએ આ વાતની પુષ્ટિ કરી છે. સ્પેશિયલ સેલે અગાઉ બિહારમાંથી એક વ્યક્તિની અટકાયત કરી હતી. બાદમાં તેણે જણાવ્યું કે ડીપફેક બનાવનાર આરોપી દક્ષિણ ભારતનો છે.
Delhi | Main accused in the case of deep fake profiles of actor Rashmika Mandana arrested: DCP Hemant Tiwari, IFSO Unit
— ANI (@ANI) January 20, 2024
આ ડીપફેક વીડિયો ઈન્ટરનેટ પર 6 નવેમ્બરે પ્રસારિત કરવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે, જ્યારે રશ્મિકા મંદાનાના વીડિયોને ઈન્ટરનેટ પર 6 નવેમ્બરે પ્રસારિત કરવામાં આવ્યો હતો, ત્યારે IFSOએ પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે છેતરપિંડી કરવાના કેસમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 66C અને 66E હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી હતી. આ પછી પોલીસે વિવિધ ઈન્ટરનેટ મીડિયા કંપનીઓને પત્ર લખીને માહિતી આપવા જણાવ્યું હતું. હાલમાં જ પોલીસે બિહારમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી.
થોડા મહિના પહેલા રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો બહાર આવ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ રશ્મિકા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી. આ મામલે ચિંતા વ્યક્ત કરતા અમિતાભ બચ્ચને પણ ટ્વિટ કરીને કાર્યવાહીની માંગ કરી હતી. મામલાની તપાસ ચાલી રહી હતી. જેમાં હવે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
રશ્મિકા મંદાનાનો ડીપફેક વિડીયો બનાવવામાં આવ્યો
ગયા વર્ષે નવેમ્બરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં બ્રિટિશ પ્રભાવક ઝરા પટેલ બ્લેક ડ્રેસમાં લિફ્ટમાં પ્રવેશતી જોવા મળે છે. આ વીડિયોમાં આરોપીએ રશ્મિકા મંદાનાના ચહેરાને ઝારા સાથે બદલી નાખ્યો હતો. આ વીડિયોમાં રશ્મિકાના ચહેરાને મુકવા માટે આરોપીઓએ AIની મદદ લીધી હતી. મામલો બહાર આવ્યા બાદ અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ પણ જુઓ :રશ્મિકા સાથે સગાઈના સમાચાર પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, ફેબ્રુઆરીમાં લગ્ન વિશે કહ્યું હતું આ