ભ્રષ્ટાચાર કેસમાં IAS કે.રાજેશની ધરપકડ, સાગરીત રફીક મેમણને પણ ઉપાડી લેવાયો, જાણો સમગ્ર મુદ્દો…


ગુજરાતના 2011 બેચના IAS ઓફિસર અને સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત કે.રાજેશના લાંચ કેસમાં વચેટિયા તરીકેની ભૂમિકા ભજવનાર સુરતના રફીક મેમણના CBI કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. CBI કોર્ટના આદેશ બાદ જ CBI દ્વારા કે.રાજેશની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ધરપકડ અગાઉ કે.રાજેશના અમદાવાદ, સુરત સહિત આંધ્ર પ્રદેશના ઘરોમાં CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આર્મ લાયસન્સ આપવા માટે લાંચ માગવી, સરકારી જમીનોની ફાળવણી અને સરકારી જમીન પર ગેરકાયદે દબાણને કાયદેસર કરવા માટે લાંચ માગવા સહિતના આરોપ હેઠળ CBI દ્વારા IAS ઓફિસર કે. રાજેશ, સુરતની પ્રાઈવેટ કંપનીના માલિક અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ કેસ મામલે અગાઉ ગુજરાત સરકારની વિનંતી પર CBI દ્વારા પ્રાથમિક ઈન્ક્વાયરી શરૂ કરાઈ હતી. અને બાદમાં કે.રાજેશ સહિતના વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. CBI દ્વારા કે.રાજેશના ગાંધીનગર, સુરત અને આંધ્ર પ્રદેશના રાજામુંદ્રી વિસ્તારમાં આવેલાં ઘરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં CBIએ દસ્તાવેજ સહિત ડિજિટલ પુરાવાઓ જપ્ત કર્યાં છે. આ ઉપરાંત સીબીઆઈ દ્વારા સુરતના પ્રાઈવેટ ફર્મના માલિક અને વચેટિયા રફીક મેમણની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીને અમદાવાદમાં આવેલી CBIની સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે રફીક મેમણના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. કે. રાજેશની વાત કરીએ તો, હાલમાં તેઓ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના જોઈન્ટ સેક્રેટરી તરીકે કામ કરે છે.

CBI ઓફિસરે જણાવ્યું કે, પોલીસે નેગેટિવ પ્રતિક્રિયા આપવા છતાં પણ કે. રાજેશ દ્વારા હથિયારના લાયસન્સ આપવામાં આવ્યા હતા. કે. રાજેશ સામે લાંચના કેસ ઉપરાંત ગુનાહિત ષડયંત્ર અને પુરાવાઓના નાશ કરવાનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હથિયારોના લાયસન્સ માગતાં અરજીકર્તાઓ પાસેથી કે.રાજેશ દ્વારા અન્ય પ્રકારની લાંચ પણ માગવામાં આવતી હતી.

કે.રાજેશના લાંચ કેસનો ખુલાસો જાન્યુઆરી 2021માં થયો હતો, જ્યારે અમદાવાદ સ્થિત બિઝનેસમેને એન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ કરી હતી કે, કે. રાજેશ દ્વારા હથિયારના લાયસન્સ આપવા માટે 5 લાખ રૂપિયાની લાંચ માગવામાં આવી હતી. આ સમયે કે.રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. આ ઉપરાંત ફેબ્રુઆરી 2021માં કે. રાજેશ સામે લાંચની આ પ્રકારની અન્ય બે ફરિયાદો નોંધાવવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રના બે વ્યક્તિઓ પાસેથી કે. રાજેશ દ્વારા પાંચ લાખ રૂપિયાનો ચેક અને 32 લાખ રૂપિયા રોકડા લેવામાં આવ્યા હતા.

5 માર્ચના રોજ સૌરાષ્ટ્રના એક ખેડૂતે ACBમાં ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, કે.રાજેશે હથિયારના લાયસન્સ માટે પાંચ લાખ રૂપિયા અને મસાજ માટે 3 લિટર તેલ મગાવ્યું હતું. જે બાદ કે.રાજેશ દ્વારા ACBએ તપાસ શરૂ કરી હતી પણ, ACS કક્ષાના રિટાયર્ડ ઓફિસર દ્વારા પણ તેમની સામે તપાસ શરૂ કરવામાં આવી હતી. કે.રાજેશ સામે લાંચના આરોપો લાગતાં તેમની ટ્રાન્સફર ગૃહ વિભાગના લૉ એન્ડ ઓર્ડરના જોઈન્ટ સેક્રેટરી તરીકે કરી દેવામાં આવી હતી. જો કે, તેના સાત દિવસની અંદર જ જૂન 2021માં તેમની ટ્રાન્સફર સામાન્ય વહીવટ વિભાગમાં કરી દેવામાં આવી હતી.