ગુજરાત

ખંભાતમાં શક્કરપુરના પથ્થરમારામાં વધુ ચાર આરોપીઓની ધરપકડ; 100થી વધુ લોકો સામે ગુનો નોંધાયો હતો

Text To Speech

આણંદઃ ખંભાતના શક્કરપુરમાં રામનવમીના દિવસે શોભાયાત્રા પર પથ્થરમારાનો બનાવ બન્યો હતો. જેમાં પોલીસે સોથી વધુ વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો. આ મામલે ગઈકાલે વધુ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પકડાયેલા આરોપીઓના નામ
શક્કરપુરના પથ્થરમારામાં પકડાયેલા શખસોની પુછપરછ કરતાં વધુ ચાર નામ બહાર આવ્યાં હતાં. જેમાં ઝહીરહુસેન હુસેન મલેક, મુફીસ હુસેન મલેક, તસવરહુસેન મોહંમદ મલેક અને મોસીન મુસ્તુફા દલવાડી (તમામ રહે. શક્કરપુર)ના નામ ખુલ્યાં હતાં. જેમની પોલીસે અટક કરી આગળની પુછપરછ હાથ ધરી હતી.

પોલીસની કડક કાર્યવાહી
ખંભાત પથ્થરમારા પ્રકરણમાં પોલીસ સઘન તપાસ કરી રહી છે. છાશવારે તહેવારોમાં સર્જાતી કોમી તંગદિલી રાજ્ય પોલીસની શાખને ખરડી રહી છે. ત્યારે હવે પોલીસે આવા તોફાની તત્વોને નેસ્તનાબૂદ કરવાની નેમ સાથે સખ્ત સક્રિય થઈ છે.

શું હતો સમગ્ર મામલો?
ખંભાત શહેરના શક્કરપુરા વિસ્તારમાં આવેલા રામજી મંદિરે રવિવારે રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે બપોરના સુમારે મંદિરમાં ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી. જોકે, આ શોભાયાત્રા હજુ 500 મીટર દુર પણ પહોંચી નહતી, તે દરમિયાન રસ્તામાં આવતી દરગાહ નજીકથી પસાર થતા પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. આ સમયે હાજર પોલીસ ટીમે પરિસ્થિતિને કાબુમાં લેવા કોશીષ કરી હતી. પરંતુ તે પહેલા બન્ને પક્ષના લોકો ઉશ્કેરાઇ જતાં સામસામે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. આથી, તુરંત જિલ્લા કંટ્રોલરૂમમાં જાણ કરતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, હેડક્વાટર્સ અને આસપાસના પોલીસ સ્ટેશનમાંથી તુરંત કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબુમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી.

સાબરકાંઠામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ પાંચ જગ્યાએથી દબાણ દૂર કરવામાં આવશે. મહત્ત્વનું છે કે, રામનવમીના દિવસે અહીં પથ્થરમારાની ઘટના બની હતી. ત્યારે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સઘન પોલીસ વ્યવસ્થા ગોઠવવમાં આવી છે.

Back to top button