ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલ

અયોધ્યામાં 10,000 યાત્રાળુ રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છેઃ ચંપતરાય

  • રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું 22 જાન્યુઆરીના રોજ આયોજન
  • ગર્ભગૃહમાં સ્થાપિત થનારી ભગવાન રામની મૂર્તિ 90% તૈયાર : ચંપતરાય

અયોધ્યા, 7 ડિસેમ્બર : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું 22 જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રામ જન્મભૂમિ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાય દ્વારા ગુરુવારે જણાવવામાં આવ્યું છે કે, “અયોધ્યામાં 10,000 યાત્રાળુ રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેમજ રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થનારી ભગવાન રામની મૂર્તિ 90% તૈયાર થઈ ચૂકી છે.” રામલલાના આ અભિષેક સમારોહની તમામ રામભક્તો રાહ જોઈ રહ્યા છે. જેને લઈને રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને અયોધ્યામાં ત્રણ સ્થળોએ ભગવાન રામના બાળ સ્વરૂપને દર્શાવતી મૂર્તિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

મંદિર ટ્રસ્ટની ધાર્મિક સમિતિ 15 ડિસેમ્બરે શ્રેષ્ઠ મૂર્તિની પસંદગી કરશે જે 22 જાન્યુઆરીએ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. રામલલાને ભક્તો વિવિધ પ્રકારની વસ્તુઓ અર્પણ કરી રહ્યા છે. આ શ્રેણીમાં પ્રાણ પ્રતિષ્ઠાની ધાર્મિક વિધિ માટે રાજસ્થાનના જોધપુરથી દેશી ગાયનું 600 કિલો શુદ્ધ ઘી અયોધ્યા આવ્યું છે. આ દેશી ઘીનો ઉપયોગ રામ મંદિરમાં અખંડ જ્યોતિ તેમજ રામ લલ્લાના અભિષેક પ્રસંગે થનારી ધાર્મિક વિધિઓમાં કરવામાં આવશે.

10,000 યાત્રાળુ રહી શકે તેવી વ્યવસ્થા કરવાની તૈયારીઓ શરૂ

 

રામ જન્મભૂમિ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય જણાવ્યું કે, ” જો 10,000થી 15,000 લોકો રાત્રિ રોકાણ કરવા માંગતા હોય, તો તેઓને આશ્રય ક્યાં મળશે? તેમને ભોજન અને પાણી ક્યાં મળશે? આ હેતુ માટે, ટ્રસ્ટ એક નવું ટીન-શેડ શહેર ઊભું કરી રહ્યું છે જે મોડામાં મોડા ફેબ્રુઆરીના અંત સુધીમાં તૈયાર થઈ જશે. આ હેતુ માટે દેશભરમાંથી VHP અને RSSના અનુભવી કાર્યકરોને બોલાવવામાં આવી રહ્યા છે. દરેક વ્યક્તિ પોતાની ફરજ પૂરી જવાબદારી સાથે નિભાવી રહ્યા છે.”

ટ્રસ્ટના જનરલ સેક્રેટરી દ્વારા તમામ લોકોને પધારવા આમંત્રણ

 

રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે રામ મંદિર ટ્રસ્ટ જે લોકોને આમંત્રણ આપશે તેની માહિતી આપતા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે કહ્યું કે, “ભારતના દરેક રાજ્ય, દરેક ભાષા, દરેક જિલ્લા અને ભારતમાં પૂજાની તમામ પરંપરાઓના સંતો અને મહાત્માઓ આવવા જોઈએ, આ કાર્યક્રમ સંતો દ્વારા આયોજિત થવો જોઈએ. અમે ચાર હજાર સાધુઓ આવે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ ઉપરાંત સામાજિક જીવનના દરેક ક્ષેત્રના લોકો એટલે કે રમત જગત, કલા જગત, કવિઓ, લેખકો, સાહિત્યકારો, અનુસૂચિત જનજાતિ, વિચરતી જાતિ, પોલીસ અને સૈન્ય અધિકારીઓ, દેશના કેટલાક રાજદૂતો તેમજ એવા લોકોને પણ આમંત્રિત કરવામાં આવશે કે જેઓને ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હોય. આ ઉપરાંત એવા લોકોના નામ પણ લિસ્ટમાં લખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમના પરિવારના સભ્યોએ રામ જન્મભૂમિની પ્રાપ્તિ માટે બલિદાન આપ્યું હતું.

આ પણ જુઓ :સચિન અને વિરાટને મળ્યું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભનું આમંત્રણ

Back to top button