અર્પિતાનું ફિલ્મ સિટી બનાવવાનું હતું સપનું, જાણો-તેની સફર
શિક્ષક ભરતી કૌભાંડમાં ED દ્વારા પકડાયેલી બંગાળના મંત્રી પાર્થ ચેટરજીની સહયોગી અભિનેત્રી અર્પિતા મુખર્જીની વાર્તા પણ ફિલ્મી સ્ટોરી જેવી છે. અર્પિતા મુખર્જીએ ભલે તેના જીવનમાં નાની ફિલ્મોમાં નાની ભૂમિકાઓ ભજવી હોય, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે મોટા સપના જોયા અને તે મોટા સપનાને સાકાર કર્યા.
તમને જાણીને નવાઈ લાગશે કે અર્પિતાનું બંગાળમાં એક ફિલ્મ સિટી બનાવવાનું સપનું હતું. આ ફિલ્મ સિટી માટે તેણે બંગાળના નાદિયા જિલ્લામાં જમીન પણ જોઈ હતી. આ બાબતે મામલો ઘણો આગળ વધી ગયો હતો. ફિલ્મ સિટી બનાવવા માટે તેણે કેટલાક લોકો સાથે ચર્ચા-વિચારણા પણ કરી હતી.
બંગાળમાં ફિલ્મ સિટી બનાવવાનું સપનું હતું
EDની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે ફિલ્મોની દુનિયામાં કામ કર્યા બાદ તેને લાગ્યું કે બંગાળમાં પણ બોલિવૂડ સ્ટાઇલની ફિલ્મ સિટી હોવી જોઈએ. આ જ કારણ હતું કે તે નાદિયા જિલ્લામાં ફિલ્મ સિટી બનાવવાની વિચારણામાં હતી. જો કે, EDની તપાસમાં એ સ્પષ્ટ નથી થયું કે અત્યાર સુધી કોઈ જમીન ખરીદવામાં આવી છે કે નહીં.
અર્પિતા મુખર્જીની ફિલ્મ સફર
અર્પિતા મુખર્જી ત્યારે મીડિયાની હેડલાઇન્સમાં હતી જ્યારે દક્ષિણ કોલકાતામાં તેના ઘરેથી કરોડો રૂપિયા મળ્યા હતા. અત્યાર સુધી સિનેમા જગતમાં બહુ ઓછા લોકો તેમને ઓળખતા હતા. અર્પિતા મુખર્જીની પશ્ચિમ બંગાળની SSC કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. તે બંગાળી અને ઉડિયા ફિલ્મ ઉદ્યોગમાં 2008 અને 2014 વચ્ચે સક્રિય હતી. તેણીએ કરિયરની શરૂઆતના દિવસોમાં મોડલિંગ પણ કર્યું હતું.
ફિલ્મ ઉદ્યોગમાં મર્યાદિત સફળતા છતાં, અર્પિતા મુખર્જી દક્ષિણ કોલકાતાના જોકા વિસ્તારમાં લક્ઝરી એપાર્ટમેન્ટ ધરાવે છે. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, તે અવાર-નવાર શહેરમાં હુક્કાબારમાં જતી હતી. આ સિવાય તે બેંગકોક અને સિંગાપોર જેવી જગ્યાએ પણ ગઈ હતી.
અર્પિતા મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે
અર્પિતા શહેરના ઉત્તરમાં આવેલા બેલઘોરિયામાં એક મધ્યમવર્ગીય પરિવારની હતી અને કોલેજના દિવસોથી જ તે મોડલિંગ કરતી હતી. સૂત્રોએ જણાવ્યું કે તેના પિતાના અવસાન બાદ તેના લગ્ન ઝારગ્રામના એક બિઝનેસમેન સાથે થયા હતા પરંતુ હવે તેના લગ્ન વિશે વધુ જાણકારી નથી. મુખર્જીએ અત્યાર સુધીમાં છ ઉડિયા ફિલ્મોમાં કામ કર્યું છે.